મહીસાગર: મિત્રોને હોડી દ્વારા બચાવ કામગીરીની તાલીમમાં એવી ઘટના ઘટી કે, વાસ્તવિક બચાવ કામગીરી બની ગઈ
મહીસાગર: મિત્રોને હોડી દ્વારા બચાવ કામગીરીની તાલીમમાં એવી ઘટના ઘટી કે, વાસ્તવિક બચાવ કામગીરી બની ગઈ
એન.ડી.એમ.એ.ના કાર્યક્રમ હેઠળ 240 આપદા મિત્રોના બચાવ કૌશલ્યોનું સંવર્ધન કરાયું..
વડોદરા અને કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખાના (Disaster Department) ઉપક્રમે પુર જેવી આફતો પ્રસંગે લોકોને બચાવવા અને હોડી દ્વારા સલામત સ્થળે ખસેડવાની તાલીમ ફાજલપુર પાસે મહીસાગર નદીમાં ચાલી રહી હતી.
વડોદરા: તાલીમમાં ક્યારેક એવી ઘટના ઘટી જતી હોય છે કે તાલીમ લેનારાઓને કાલ્પનિક નહિ પરંતુ વાસ્તવિક તાલીમ મળી જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં વડોદરા જિલ્લાના (Vadodara District) આપદા મિત્રોને આફતોમાં જીવન રક્ષા કરવાની આપવામાં આવી રહેલી તાલીમ દરમિયાન ઘટી હતી. એન.ડી.એમ.એ. ના, (NDMA) આપદા મિત્રોના આફતો પ્રસંગે જીવન રક્ષાના કૌશલ્યોનું સંવર્ધન કરવાના કાર્યક્રમ હેઠળ જી.એસ.ડી.એમ.એ. (GSDMA), પોલીસ તાલીમ શાળા, વડોદરા અને કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખાના (Disaster Department) ઉપક્રમે પુર જેવી આફતો પ્રસંગે લોકોને બચાવવા અને હોડી દ્વારા સલામત સ્થળે ખસેડવાની તાલીમ ફાજલપુર પાસે મહીસાગર નદીમાં ચાલી રહી હતી.
અને મહિલા એ નદીના પાણીમાં ભૂસકો માર્યો....
તે સમયે જ આપઘાતના ઇરાદે એક મહિલાએ પૂલ પરથી નદીના પાણીમાં પડતું મૂકતા તાલીમાર્થીઓ બે ઘડી તો ડઘાઈ ગયા હતા. તે પછી તુરત જ પરિસ્થિતિ સમજીને તેઓએ બચાવ કામગીરી હાથ ધરીને એ મહિલાને ડૂબતી ઉગારી લીધી હતી. આ ઘટનાથી તેમને અનાયાસ બચાવની વાસ્તવિક તાલીમ મળી અને સંકટમાં મુકાયેલી મહિલાની જીવન રક્ષા થઈ હતી.
કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખાના ડી.પી.ઓ. બંતીશ પરમારે ઉપરોક્ત જાણકારી આપતાં જણાવ્યું કે એન.ડી.એમ.એ ની સૂચના પ્રમાણે જી.એસ.ડી.એમ. એ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ તાલીમ શાળા, વડોદરાના કુશળ ઇન્સ્સ્ટ્રકટરોની મદદથી જિલ્લાના વિવિધ તાલુકાઓના આપદા મિત્રોને જીવન રક્ષાના કૌશલ્યો સુધારવાની તાલીમ આપવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સ્વિમિંગ પુલમાં તરણ કૌશલ્યો સુધારવાની અને નદીમાં હોડી - બોટ દ્વારા લોકોને બચાવવા અને સલામત સ્થળે ખસેડવાની તાલીમ આપવામાં આવે છે.જે દરમિયાન ઉપરોક્ત ઘટના ઘટી હતી.
તેમણે જણાવ્યું કે, આ વર્ષના જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ કૌશલ્ય સુધારણા તાલીમ અત્યાર સુધીમાં 6 બેચમાં 9 મહિલાઓ સહિત 240 જવાનોને આપવામાં આવી છે. એસ.ડી.આર.એફ એટલે કે રાજ્ય આપદા પ્રબંધન દળના કુશળ અને અનુભવી તાલીમદાતાઓ તેમાં ખૂબ અગત્યનું યોગદાન આપી રહ્યા છે. સેનાપતિ એમ.ડી. જાનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ચાલી રહી છે.
પુર, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી અને આગ, મકાન પડવા જેવી અન્ય આફતો પ્રસંગે કુશળ દળોની મદદ મળે તે પહેલા ગ્રામ અને તાલુકા સ્તરે સ્થાનિક રીતે અસરગ્રસ્તોના બચાવની કામગીરી ઉપલબ્ધ સાધન સામગ્રીની મદદથી હાથ ધરી શકાય તે માટે સ્વયં સેવકોની ટુકડીઓ તૈયાર કરવામાં આવી છે જેમને આપદા મિત્રો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટેભાગે ગૃહ રક્ષક અને ગ્રામ રક્ષક દળના જવાનો અને સ્થાનિક યુવાનો સેવાદાતા તરીકે જોડાય છે.
ઉપરોકત આયોજન હેઠળ હાલમાં તેમને આફત ત્રાટકે તે પહેલાં, આફત દરમિયાન અને આફત પછી કરવા યોગ્ય બચાવ રાહતની અસરકારક તાલીમ આપવામાં આવી રહી છે.
કેવી તાલીમ આપવામાં આવે છે???
તેમાં આફત સમયે અસરગ્રસ્તોના જીવ બચાવવા અને તેમને સલામત સ્થળે ખસેડવા, પુર, ભૂકંપ અને વાવાઝોડાં જેવી કુદરતી અને અન્ય માનવ સર્જિત આફતો સમયે સમય સૂચકતા સાથે બચાવ કામગીરીનું આયોજન અને ઉપલબ્ધ જીવન રક્ષક સાધન સામગ્રીનો અસરકારક ઉપયોગ, તરણ કુશળતા, હોડી ચલાવવી, વિવિધ પ્રકારની આગ સમયે બચાવની કામગીરી, દોરડાની મદદથી બચાવ કરવા તેને ગાંઠો બાંધીને તૈયાર કરવા જેવી જરૂરી તાલીમનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરે બચાવની આ વ્યવસ્થાઓ આપદા નિયંત્રણની સજ્જતા વધારે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર