સાયકલ મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વડોદરા શહેરના ઝેનિત સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો શાહ નિલએ સોલર સાઇકલનું નિર્માણ કર્યું છે. આ સાયકલ 25 થી 30 કિમીની સ્પીડ ધરાવે છે. સાયકલમાં 10 વોલ્ટની સોલાર પ્લેટ લગાવી છે.
Nidhi Dave, Vadodara: અત્યારે ઇનોવેશન અને સ્ટાર્ટઅપનો જમાનો ચાલી રહ્યો છે. એવામાં વડોદરા શહેરના ઝેનિત સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો શાહ નિલ કે જેણે સોલર સાઇકલનું નિર્માણ કર્યું છે. વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, તથા પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓને લઈને નિલને આ વિચાર આવ્યો છે.
સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સાયકલ બનાવી
17 વર્ષીય શાહ નીલે જણાવ્યું હતું કે, રોજિંદા જીવનમાં અવરજવર માટે આપણે વાહનનો ઉપયોગ સૌથી વધારે કરતા હોઈએ છે. જેથી કરીને પેટ્રોલ ડીઝલનો સૌથી વધુ ખર્ચ થતો હોય છે. અત્યારની મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ સાયકલ બનાવી છે. આ સાયકલ મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કારણ કે આજકાલ ઇ-વાહનો પણ ઘણા મોંઘા મળી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે પ્રાથમિક ધોરણોમાં હતો ત્યારે સમાજ અને વિજ્ઞાન જેવા વિષયો ભણવામાં આવતા. પર્યાવરણ અને તેની સમસ્યાઓ વિશે પણ ઘણું ભણ્યું છે. ત્યારે મને જિજ્ઞાસા હતી કે આપણા જે કુદરતી સ્ત્રોતો છે સૂર્ય, પવન, પાણી, આ તમામનો ઉપયોગ કરીને કંઈક વસ્તુ બને ખરી !!
સૌથી પહેલો વિચાર મને સૂર્યનો આયો, કે સૂર્ય હંમેશા રહેશે તો એની ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. ત્યારબાદ મેં મારા શાળાના શિક્ષક અને એન્જિનિયર, ગેરેજવાળા બધાની મુલાકાત લીધી અને મારો વિચાર પ્રદર્શિત કર્યો. બધાના સાથ સહકારથી એક મહિનામાં મેં આ સાયકલ તૈયાર કરી. આ બધો શ્રેય નિલ એના પિતાજી અને શાળાના શિક્ષક સંતોષ કૌશિકને આપી રહ્યો છે.
સાયકલમાં 10 વોલ્ટની સોલાર પ્લેટ લગાવી
સાયકલ પર અત્યારે 10 વોલ્ટની સોલાર પ્લેટ લગાવી છે. આ સાયકલ 10 થી 15 કિલોમીટર ચાલી શકે એટલી ક્ષમતા ધરાવે છે તથા 25 થી 30 કિમીની સ્પીડ ધરાવે છે. આમાં હજી ઘણા ફેરફાર કરવામાં આવશે. જેથી 100 કિલોમીટર ચાલી શકે એટલી ક્ષમતા વાળી સાયકલ ભવિષ્યમાં તૈયાર થશે.