વડોદરાના બી.સી.મિસ્ત્રી એન્ડ સન્સ ના ધવલ મિસ્ત્રી દ્વારા રુદ્ર વિણા તૈયાર કરવામાં આવી છે જેને આગામી તા.31મી ઓક્ટોબરના રોજ કથાકાર મોરારીબાપુને અર્પિત કરવામાં આવશે...
વડોદરાનાં બી.સી.મિસ્ત્રી એન્ડ સન્સનાં ધવલ મિસ્ત્રી દ્વારા રુદ્ર વિણા તૈયાર કરવામાં આવી છે જેને આગામી તા.31મી ઓક્ટોબરના રોજ કથાકાર મોરારીબાપુને અર્પિત કરવામાં આવશે.
આશરે 200 વર્ષના લાંબા અંતરાલ બાદ વડોદરા શહેરમાં ગોલ્ડ પ્લેટેડ રુદ્ર વિણા બી.સી.એન્ડ સન્સના યુવાન કલાકાર ધવલ મિસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આપણા શાસ્ત્રો તથા પુરાણોમાં આ રુદ્ર વિણાનું વર્ણન જોવા મળે છે. રુદ્ર વિણા ભગવાન શંકરે પણ વગાડી હતી સાથે જ વિધ્યાની દેવી સરસ્વતી પણ રુદ્ર વીણા સાથે જોવા મળે છે.
વડોદરાના સયાજીબાગ સ્થિત મ્યુઝિયમ ખાતે 200 વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલ રુદ્ર વિણા જોવા મળે છે. એકવાર પૂજ્ય મોરારીબાપુની કથા દરમિયાન બાપુએ આ રુદ્ર વિણાનું વર્ણન કર્યું હતું. ત્યારે ત્યાં બેઠેલાં તેમના એક શિષ્યને થયું કે, આવી જ એક રુદ્ર વિણા બાપુને આપીએ જે યાદગાર બની જાય. ત્યારે તેમણે તપાસ હાથ ધરી અને કલકત્તાની એક વાજીંત્રો તૈયાર કરતી સંસ્થાને આવી રુદ્ર વિણા બનાવવા માટે જણાવ્યું. પરંતુ તે સંસ્થા તરફથી કોઇ યોગ્ય પ્રતિસાદ ન મળતાં આખરે તે શિષ્યે સોશિયલ મિડિયાના માધ્યમથી વડોદરાના સિધ્ધનાથ તળાવ રોડ સ્થિત બી.સી.એન્ડ સન્સ નામની વાજીંત્રો (વિણા) તૈયાર કરતી સંસ્થાનો સંપર્ક કર્યો અને આ સંસ્થાની પાંચમી પેઢીના યુવાન ધવલ મિસ્ત્રીને જણાવ્યું કે, પૂજ્ય મોરારીબાપુને આપવા માટે એક એવી રુદ્ર વિણા તૈયાર કરી આપો, જે આગામી સો વર્ષ પછી પણ બાપુને આપેલ વિણાની નકલ કોઇ ન કરી શકે.
ત્યારે તેઓની ઇચ્છાને અનુરૂપ આ રુદ્ર વિણા તૈયાર કરવામાં આવી છે. આ રુદ્ર વિણા તૈયાર કરવા માટે સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. આ રુદ્ર વિણાના તાર નીચે જે પડદા છે તે મધ તથા મધના પૂડાથી તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ જે તાર સાથે દાંડ જોવા મળે છે તે વાંસના બાંબુમાંથી તૈયાર કરવામાં આવી છે. તે વાંસમા અંદર રહેલી ગાંઠને બાળી તે ગાંઠ દૂર કરી અવાજ સમગ્ર વિણામાં પ્રસરે તે માટે ભારે મહેનત થકી તૈયાર કરવામાં આવી છે. સાથે જ રાજસ્થાની પિંછવઇઆર્ટ છે. જે ગોલ્ડ પ્લેટેડ સાથે આર્ટવર્ક છે. તે અમદાવાદના આર્ટિસ્ટ શીતલબેન પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ રુદ્ર વિણાના એક છેડા ઉપર હનુમાનજીની લાકડાની પ્રતિમા મૂકવામાં આવી છે. જેમના હાથમાં એક વિણા જ સાથે જ આ રુદ્ર વિણા ઉપર રામાયણના વિવિધ દ્રષ્ટાંતો દર્શાવતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. કારણકે મોરારીબાપુ ભગવાન શ્રી રામ તથા હનુમાનજીના પરમ ભક્ત પણ છે. ઘણી મોંઘી અને દુર્લભ એવી આ ગોલ્ડપ્લેટેડ રુદ્રવિણા તૈયાર કરવામાં આવી છે. જેમાં શહેરના બે જ્વેલર્સ- સોનાલી જવેલર્સ તથા ચેતનભાઈ દ્વારા ગોલ્ડપ્લેટેડ કલર સાથે ચાંદીના કોલર લગાડવામાં આવ્યા છે. જેથી વાંસની દાંડ ફાટી ન જાય. આ તૈયાર કરવામાં આવેલ રુદ્ર વિણા તા.31મી ઓક્ટોબરે મોરારીબાપુના શિષ્ય થકી મોરારીબાપુને અર્પિત કરવામાં આવશે, તેમ ધવલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.