વડોદરાના ભંગારના વેપારી ભરત તાંબેએ મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લાની એક કંપનીમાંથી ભંગાર ખરીદ્યો હતો.જે મામલામાં મધ્યપ્રદેશના પાંડુરના પોલીસ સ્ટેશનના એએસઆઈ શિવશંકર અવદસિંહ અને કોન્સ્ટેબલ દિપક અનદાણી વડોદરા આવી પહોંચ્યા હતા.વડોદરામાં મકરપુરામાં ભંગારના વેપારી ભરત તાંબેનો બંન્ને પોલીસ જવાનોએ સંપર્ક કરી તેઓ મધ્યપ્રદેશમાંથી ભંગારનો ટ્રક ચોરી કરીને આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.પોલીસ જવાનોએ વેપારી પાસેથી 18 લાખની લાંચ માંગી હતી પરંતુ અંતે 8 લાખમાં લાંચની રકમ નકકી થઈ હતી.
આરોપી એએસઆઈ શિવશંકર અવદસિંહ અને કોન્સ્ટેબલ દિપક અનદાણી મધ્યપ્રદેશથી વડોદરા મોંઘીદાટ ઈનોવા કાર લઈને આવ્યા હતા.જયાં તેમને વેપારીનો ત્રણ દિવસ સુધી સંપર્ક કર્યો હતો.ત્યારબાદ આજે સાંજે જેતલપુર પાસે આવેલી ખાનગી હોટલના રૂમમાં લાંચના નાણાં લઈને આવવા જણાવ્યું હતુ.જે અંગેની જાણ વેપારીએ એસીબીને કરતા એસીબીએ છટકું ગોઠવી બંન્ને પોલીસ જવાનોને 8 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયા હતા.એસીબીની પુછપરછમાં બંન્ને પોલીસ જવાનોએ મધ્યપ્રદેશમાં પોલીસ સ્ટેશનમાં ભંગારના ટ્રકની લૂંટ થઈ હોવાની ફરીયાદ નોંધાઈ હોવાથી તપાસ કરવા આવ્યા હોવાની કેફીયત વર્ણવી હતી.