Home /News /madhya-gujarat /Vadodara: ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોનની ખરીદ કિંમતમાં સહાયની યોજના
Vadodara: ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોનની ખરીદ કિંમતમાં સહાયની યોજના
વડોદરા જિલ્લાના 516 ખેડૂતોને મળશે લાભ...
રાજ્યના ખેડૂતો સ્માર્ટ ફોનના ઉપયોગથી ખેતીવાડીના ક્ષેત્રના (Agricultural Sector) પ્રવાહો, પર્યાવરણ અને યોજનાઓથી પળેપળ વાકેફ રહે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાયની યોજના વર્ષ 21-22 થી અમલમાં મૂકી છે.
વડોદરા: વિકાસના પ્રત્યેક ક્ષેત્રમાં હવે આઇ.ટી.નો (IT) વિનિયોગ અને ડિજિટલ વ્યવસ્થાઓ (Digital Systems) અનિવાર્ય બની છે. અત્યારે રાજ્યના ખેડૂતો સ્માર્ટ ફોનના ઉપયોગથી ખેતીવાડીના ક્ષેત્રના (Agricultural Sector) પ્રવાહો, પર્યાવરણ અને યોજનાઓથી પળેપળ વાકેફ રહે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાયની યોજના વર્ષ 21-22 થી અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ કૃષિ વિભાગે રાજ્યના 5900 ખેડૂતોને રૂ. 3.37 કરોડની સહાય ચૂકવણીનો પ્રબંધ કર્યો છે.
આ યોજના હેઠળ સહાય વિતરણનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો જેના જીવંત પ્રસારણ સાથે વડોદરા ખાતે લાભાર્થી ખેડૂતોને સહાય ચૂકવણી આદેશના વિતરણનો કાર્યક્રમ કલેકટર કચેરીમાં યોજાયો હતો.નતેમાં જિલ્લા કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ અને સંયુક્ત કૃષિ નિયામક તથા જિલ્લા કૃષિ અધિકારી નીતિન વસાવાએ પ્રત્યેક તાલુકાના એક લાભાર્થીને ચૂકવણી આદેશનું વિતરણ કરીને જિલ્લામાં યોજનાના અમલનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર એ સ્માર્ટ ફોન કૃષિ લક્ષી અદ્યતન જાણકારીઓ સુલભ બનાવી, ખેડૂતોને હાઈટેક ખેતીમાં મદદરૂપ બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
નીતિન વસાવા એ જણાવ્યું કે, આ યોજના હેઠળ ખેડૂતને રૂ. 15000 સુધીની કિંમતના એક સ્માર્ટ ફોનની ખરીદી માટે, ખરીદ કિંમતના 40 ટકા અથવા રૂ. 6000 આ બે પૈકી જે ઓછી હોય તે રકમ ખરીદ સહાયના રૂપે મળવાપાત્ર છે. વડોદરા જિલ્લામાં આ યોજના હેઠળ કુલ 516 ખેડૂતોની અરજીઓ મંજૂર થઈ છે જે પૈકી 61 લાભાર્થીઓને રૂ. 3.49 લાખની ખરીદ સહાય ચૂકવી દેવામાં આવી છે.
સ્માર્ટ ફોન ટેકનોલોજીના વિનિયોગથી રાજ્યનો ખેડૂત સ્માર્ટ અને સુસજ્જ બનશે અને 21મી સદીના ડિજિટલ ક્રાંતિના પ્રવાહ સાથે કદમ મિલાવી શકશે એવી લાગણી મુખ્યમંત્રીશ્રી એ મુખ્ય કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી. સ્માર્ટ ફોન દ્વારા ખેડૂતો વાતાવરણમાં બદલાવ, હવામાન ખાતાની આગાહી અને ચેતવણીઓ, વરસાદના પૂર્વાનુમાન, કૃષિ સહાયની યોજનાઓ અને તેમાં સમયાંતરે થતાં સુધારા, રોગ જીવાત અને નિયંત્રણના ઉપાયો, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓથી આંગળીના ટેરવે વાકેફ રહે તેવા ઉમદા હેતુ સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે. હાલમાં કૃષિ અને બાગાયત યોજનાઓ હેઠળની સહાય માટેની અરજીઓ i - khedut પોર્ટલ પર ઓનલાઇન સ્વીકારવામાં આવે છે ત્યારે સ્માર્ટ ફોન તેનો લાભ લેવામાં ઉપયોગી બનશે.