ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર એક લિંક બનાવવામાં આવી છે
રેલવેની હદમાંથી બચાવી લેવામાં આવેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે વડોદરા મંડળ દ્વારા 150 બાળકોનુંં પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
Nidhi Dave, Vadodara: બાળકોને બચાવવા માટે ભારતીય રેલવે વિભાગે એક સઘન ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશનું નામ 'ઓપરેશન નન્હે ફરિશ્તે' રાખવામાં આવ્યું છે. વડોદરા રેલ્વે મંડળ દ્વારા 150 જેટલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જેમાંથી 56 છોકરીઓ અને 88 જેટલા છોકરાઓ હતા.
આરપીએફ દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવે
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા રેલ્વે સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે. આર.પી.એફને રેલ્વે મુસાફરો અને તેમના સામાન, પેસેન્જર વિસ્તારની સુરક્ષાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સ રેલવે મુસાફરોની સુરક્ષામાં ગુનેગારો સામે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, મહિલાઓ અને બાળકોની હેરફેર અટકાવવા માટે સતર્ક હોય છે અને રેલ્વે વિસ્તારોમાં જોવા મળતા નિરાધાર બાળકોના પુનર્વસન માટે પણ યોગ્ય કાર્યવાહી કરતી રહે છે.
બાળકોના પરિવારને શોધવા લિંક બનાવી
RPF એ રેલવે પરિસરમાંથી બચાવેલા બાળકોને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે.
ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ https://indianrailways.gov.in પર આવા બચાવી લેવાયેલા બાળકોના પરિવારજનો અને સંબંધીઓને ટ્રેસ કરવા અને ટ્રેક કરવા માટે એક લિંક બનાવવામાં આવી છે.
તદુપરાંત દરેક રેલવે સ્ટેશન પર એક ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક મૂકવામાં આવ્યું છે. જેનો હેલ્પલાઇન નંબર 1098 છે. આ ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક પણ અભિયાનમાં જોડાયેલું છે.
પશ્ચિમ રેલ્વેના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર રામશંકર સિંઘે જણાવ્યું હતું કે, વિવિધ કારણોસર તેમના પરિવારોથી વિખૂટા પડી ગયેલા/ખોવાયેલા બાળકોને ઓળખવા અને બચાવવાનું ઉમદા કાર્ય RPF દ્વારા કરવામાં આવે છે.આ દિશામાં ટ્રેન/રેલ્વે સ્ટેશનો પર દેખાતા કાળજી અને સુરક્ષાની જરૂરિયાત વાળા બાળકોને બચાવવા માટે ભારતીય રેલ્વે પર એક સઘન ઝુંબેશ 'ઓપરેશન નન્હે ફરિશ્તે' શરૂ કરવામાં આવી છે અને તેના નોંધપાત્ર પરિણામો પણ સામે આવી રહ્યા છે.
વર્ષ 2022 દરમિયાન RPF જવાનો દ્વારા આવા 17,750 થી વધુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં વડોદરા રેલ્વે મંડળ દ્વારા 150 જેટલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જેમાંથી 56 છોકરીઓ અને 88 જેટલા છોકરાઓ હતા.વધુમાં જણાવ્યું કે આવા બાળકોના લાભ અને કલ્યાણ માટે આ બચાવેલા બાળકોની માહિતી અને વિગતો ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ-3.0 પર અપલોડ કરવામાં આવે છે અને તેની લિંક ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઈટ https://indianrailways.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.