સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટ વર્ષ 2021માં કોરોનાકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યું
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અર્બન ફૂડ ફોરેસ્ટ આવેલું છે, જ્યાં તમામ પ્રકારના ફળ, ફૂલ અને શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. તેમજ અહીં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી છે. 100થી વધુ પ્રકારનાં વૃક્ષોનાં રોપ વાવવામાં આવ્યાં છે.
Nidhi Dave, Vadodara: સમય પસાર થતાં જંગલોનું પ્રમાણ ઘટવા લાગ્યું છે અને વિશાળ મહાકાય ઈમારતો વધવા લાગી છે. અને ખાસ કરીને તો શહેરોમાં લીલોતરીનું પ્રમાણ પણ ઘટ્યું છે. જેથી પર્યાવરણ પર એની માઠી અસર આપણે સૌ અનુભવીએ છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અર્બન ફૂડ ફોરેસ્ટ આવેલું છે, જ્યાં તમામ પ્રકારના ફળ, ફૂલ અને શાકભાજી ઉગાડવામાં આવ્યા છે.
મૂળ યુપી મેરઠના રહેવાસી અને વડોદરા શહેરમાં છેલ્લા 32 વર્ષથી સ્થાયી થયેલા રીના રાજ રસ્તોગી અને તેમનો પરિવાર પર્યાવરણ પ્રેમી છે. રીનાબેને પોતાનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે પ્રસ્તુત કર્યો છે. એમણે પોતાની દસ હજાર સ્ક્વેર ફૂટ જમીન પર સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટ તૈયાર કર્યું છે. અર્બન ફોરેસ્ટ એટલે જ્યારે શહેરી વિસ્તારમાં ઘણા બધા વૃક્ષો અને છોડવાઓને એક જ સ્થળે ઉગાડવામાં આવે. સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટ વર્ષ 2021માં કોરોનાકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
100થી વધુ પ્રકારનાં વૃક્ષોનાં રોપાનું વાવેતર
રીના રાજ રસ્તોગી એ જણાવ્યું હતું કે, હું પ્રકૃતિ પ્રેમી છું તેથી પહેલેથી જ મને પર્યાવરણ વચ્ચે રહેવું ખૂબ જ પસંદ છે. અર્બન ફોરેસ્ટ પહેલા હું ગાર્ડનિંગનું પણ કામ કરતી. સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટમાં 100 થી વધુ પ્રકારના વૃક્ષો રોપવામાં આવેલા છે.ગાર્ડનિંગ કરવું મને ખૂબ જ ગમે છે એટલા માટે મેં પરમાકલ્ચર નામનો કોર્સ ભણ્યો. પરમાકલ્ચર એટલે પરમેનેન્ટ એગ્રીકલ્ચર. આ વિષયમાં એ શીખવા મળ્યું કે, જેટલું બને એટલા છોડવાઓને એકબીજાની નજીક લગાવો અને વધુ માત્રામાં લગાવો. જેથી વૃક્ષોને પણ કુદરતી માહોલ મળે અને જંગલ જેવો અહેસાસ થાય છે.
રાસાયણીક દવા કે ખાતરનો ઉપયોગ નહી
અર્બન ફૂડ ફોરેસ્ટમાં કોઈપણ પ્રકારનું કેમિકલ યુક્ત ખાતર કે રસાયણ નાખવામાં આવતું નથી. તમામ કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરીને વૃક્ષોને ઉછેરવામાં આવી રહ્યા છે. ચારેય બાજુ કોન્ક્રીટ દીવાલોની વચ્ચે આ પ્રકારનું અર્બન ફૂડ ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા એ જોવા મળ્યું કે શહેરમાં રહીને પણ તમામ પ્રકારના વૃક્ષો વાવી શકાય છે.
સ્ટ્રોબેરીની ખેતી કરી
એક જ પ્રકારની માટી અને વાતાવરણ હોવા છતાં પણ એમાં કોઈ પણ પ્રજાતિના વૃક્ષને આપણે વાવી શકીએ છીએ. એના માટે અલગથી માટી લાવવાની જરૂર પણ પડતી નથી. જેની ખેતી વડોદરામાં થતી નથી જેમ કે સ્ટ્રોબેરીની ખેતી; આની ખેતી પણ અહીં અર્બન ફૂડ ફોરેસ્ટમાં જોવા મળી. તથા મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે, આવી કુદરતી જગ્યા પર બાળકોને ભણતર પ્રાપ્ત થાય અને કુદરતના ખોળે રહીને વૃક્ષો વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરે અને આવનારા સમયમાં આની જાળવણી પણ કરે.
અહીં ઉગતા શાકભાજી વેંચતા નથી
અર્બન ફૂડ ફોરેસ્ટમાં અલગ અલગ ભાગ પણ જોવા મળ્યા. જેમકે ઇટાલિયન કોર્નર, થ્રી સિસ્ટર પ્લાન્ટ, ઔષધીય, શાકભાજી, ફળ - ફૂલોનો વિસ્તાર, કમ્પોઝ વાળી જગ્યા, વગેરે. તદુપરાંત અર્બન ફુડ ફોરેસ્ટમાં તમામ વૃક્ષો અને છોડવાઓ પાસે એક સ્કેનર બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે, જેથી કરીને જેને પણ વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તે બોર્ડને સ્કેન કરીને માહિતી મેળવી શકે છે.
અર્બન ફુલ ફોરેસ્ટમાંથી શાકભાજી, ફળ -ફૂલ કોઈપણ વસ્તુની વેચવામાં આવતી નથી. આ તમામ શાકભાજી અને ફળોનો ઉપયોગ ઘર વપરાશ અને ત્યાં કામ કરતા લોકો જ વાપરે છે. જેથી આ એક સંદેશો પણ લોકોને મળી શકે કે જાતે જ ઉગાડેલું શાકભાજી અને ફળ જાતે જ વાપરીએ.
ઋતુ પ્રમાણે વૃક્ષોનું વાવેતર કર્યું છે.
અર્બન ફુડ ફોરેસ્ટ બન્યું એ પહેલા એ જગ્યા પર ત્રણ માળની બિલ્ડીંગ હતી. એવી જમીન પર પણ આ પ્રકારનું ફોરેસ્ટ ઊભું કરીને રીનાબેને એક ઉદાહરણ લોકો સામે પ્રસ્તુત કર્યું છે. ખાસ કરીને ફોરેસ્ટમાં ઋતુ પ્રમાણે વૃક્ષો વાવેલા છે. જેમકે, મેથી, પાલક, ધાણા, કોબીજ, આદુ, હળદર, મૂળો, એલોવેરા, સૂર્યમુખી, લીંબુ,
સ્ટ્રોબેરી, દાડમ, મરચા, પીપરમેન્ટ, જામફળ, ઓરેગાનો, લીલી ચા, શેરડી, સેતુર, વિલો, રોઝેલા, વગેરે જેવા 100થી વધુ વૃક્ષો વાવેલા છે.તથા અર્બન ફૂડ ફોરેસ્ટમાં બાળકોને ભણાવવાની સાથે સાથે જે ભંગાર કચરો લોકો ફેંકી દેતા હોય છે જેમ કે, લાકડાના પુઠ્ઠાઓ, જૂના ટાયર, ટાઇલ્સ જેવી વસ્તુઓને એકત્રિત કરીને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી અને જંગલમાં મૂકવામાં આવી છે.