વડોદરા: વડોદરા શહેરમાં શિક્ષણ (Education) જગતને કલંક લગાડતો એક બનાવ બન્યો છે. જ્યાં એક ટ્યુશન ક્લાક સંચાલક શિક્ષકે ધોરણ-10ની વિદ્યાર્થિનીને ક્લાસરૂમમાં જ વોડકા પીવડાવ્યો હતો. વિદ્યાર્થિની નશાની હાલતમાં ઘરે પહોંચ્યા બાદ આ વાતનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ફેતગંજ પોલસ મથક (Fateganj Police station)માં આરોપી શિક્ષક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વોડતા પીધા બાદ વિદ્યાર્થિનીની હાલત બગડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના અર્પણ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા એક ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે પોતાને ત્યાં ટ્યુશનમાં આવતી ધોરણ-10ની વિદ્યાર્થિનીને દારૂ (વોડકા) પીવડાવ્યો હતો. કિશોરીને દારૂનો નશો ચઢી જતા આરોપી શિક્ષક તેણીને તેના ઘરે મૂકી આવ્યો હતો. બીજી તરફ દીકરીની હાલત જોઈને પરિવારને ફાળ પડી હતી. બાદમાં વિદ્યાર્થિનીને સારવાર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલક તેમજ શિક્ષક પ્રશાંતે પોતાને ત્યાં ટ્યુશનમાં આવતી 15 વર્ષની વિદ્યાર્થિનીને કેફી પીણું (દારૂ) પીવડાવ્યો હતો. શિક્ષકે ક્લાસ પૂરા થયા બાદ પણ વિદ્યાર્થિનીને બેસાડી રાખી હતી. ટ્યુશન દરમિયાન આરોપીએ વિદ્યાર્થિનીને બે વખત કેફી પીણું પીવડાવ્યું હતું. આ મામલે આરોપી શિક્ષકની અટકાત કરી લેવામાં આવી છે.
પરિવારને આ રીતે ફૂટ્યો ભાંડો: વોડકા પીધા બાદ વિદ્યાર્થિનીની હાલત ટ્યુશન ક્લાસ ખાતે જ બગડી હતી. જે બાદમાં આરોપી શિક્ષક તેણીને તેના ઘરે મૂકી ગયો હતો. બીજી તરફ દીકરી સરખી રીતે ચાલી શકતી ન હોવા ઉપરાંત લથડિયા ખાતી હોવાથી પરિવારને શંકા પડી હતી. દીકરીની પૂછપરછ દરમિયાન તેણીએ ક્લાસરૂમમાં બનેલી ઘટના જણાવી હતી. જે બાદમાં કિશોરીની માતાએ પોલીસ ફરિયાદ આપી હતી.
મળતી માહિતી પ્રમાણે ધોરણ-10ની વિદ્યાર્થિની સવારે સ્કૂલ ખાતે જતી હતી. બાદમાં ત્રણ વાગ્યે ખાનગી ટ્યુશન ક્લાસ ખાતે જતી હતી. ત્રીજી ઓગસ્ટના રોજ વિદ્યાર્થિની સમય કરતા વધારે વખતે ક્લાસમાં રોકાઈ હતી. આથી તેણીની માતાએ ફોન કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થિનીએ પોતે ક્લાસમાં હોવાનું જણાવ્યું હતું. બાદમાં માતાએ વીડિયો કોલ કરતા તેમાં શિક્ષક પણ નજરે પડ્યો હતો. આ વાતને લઈને માતાને શંકા પડી હતી.
રિપોર્ટ પ્રમાણે થોડીવાર બાદ આરોપી શિક્ષકનો કિશોરીની માતાને ફોન આવ્યો હતો કે તેની દીકરીની તબિયત સારી નથી એટલે તે મૂકવા આવી રહ્યો છે. પ્રશાંત કિશોરીને લઈને ઘરે પહોંચ્યો ત્યારે તે અર્ધબેભાન જેવી હાલતમાં હતી. આથી તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ દરમિયાન જ પરિવારને માલુમ પડ્યું હતું કે તેની દીકરીને વોડકા પીવડાવવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર