વડોદરા: કોરોનાની મહામારીને ઘટાડવા અને અટકાવવામાં ભારત સરકારના અને ગુજરાત સરકારના આયુષની ગાઈડ લાઈન પ્રમાણે વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા શક્ય તેટલું યોગદાન આપવામાં આવી રહ્યું છે અને પ્રાચીન ભારતીય અને કદાચ વિશ્વની આ શરૂઆતી ચિકિત્સા પદ્ધતિમાં જણાવેલી કેટલીક તકેદારીઓનું પાલન તેની અટકાયતમાં સહાયક બની શકે છે.
વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા વાઘોડિયા તાલુકાના આમોદર ગામે સંચાલિત સરકારી આયુર્વેદ દવાખાનામાં ડો.હિરેન ઠક્કર અને તેમની ઉત્સાહી ટીમ લગભગ તમામ પ્રકારની શારીરિક અને માનસિક વ્યાધિઓનો આયુર્વેદમાં સૂચવ્યા પ્રમાણે ઈલાજ કરે છે અને દર્દીઓને તેનો સારો લાભ મળી રહ્યો છે.
નાક એ માનવ શરીરમાં હવાનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને શ્વસન તંત્રનું નાકું છે નાસા હી શિરસો દ્વારમ્. હિરેન ઠક્કર કહે છે કે, કોરોના તો હમણાં આવ્યો પરંતુ આયુર્વેદમાં તો સદીઓથી દરરોજ સવારે સ્નાન પછી, ઘરની બહાર નીકળતા પહેલા નસ્યની એટલે કે નાકમાં એરંડા, તલ કે કોપરાના તેલના અથવા ઔષધથી સિધ્ધ તેલના બે ત્રણ ટીપાં સીંચવાની ભલામણ કરવામાં આવી છે. બહાર જતી વખતે આ તૈલ સિંચનની અગત્યતા વધી જાય છે.
કારણ કે તે એલર્જી કરનારી ધૂળ કે વાયરસ જેવા વિષાણુ કે જીવાણુને શ્વસન તંત્રમાં દાખલ થતાં અટકાવવામાં મદદરૂપ બની શકે છે. કોરોનાના મૂળમાં વાયરસ છે ત્યારે આ તકેદારી લાભદાયક બની શકે એવું તેમનું તારણ છે.આયુર્વેદની બીજી એક વર્ષો જૂની ભલામણ સૂંઠ નાંખીને ગરમ કરેલું હૂંફાળું પાણી પીવાની છે. તેનાથી હવા સાથે નાકમાં પ્રવેશતી કોઈપણ પ્રકારની અશુદ્ધિનો ગળાના ભાગમાં જ નાશ થાય છે. એટલે તકેદારીના રૂપમાં આ ઉપાય પણ હિતકારી બની શકે છે.
તેવી જ રીતે ભારત સરકારના આયુષ મંત્રાલયે ગોલ્ડન મિલ્ક એટલે કે રાત્રે હળદરને ગરમ દૂધમાં ભેળવીને તેનું સેવન કરવાની જે ભલામણ કરી છે તે પણ હાલના સંજોગોમાં ઉપયોગી બની શકે છે. હળદર પ્રતિ રક્ષા દ્રવ્ય ધરાવે છે જે ગરમ દૂધ સાથે કફને સૂકવીને ફેફસામાં વાયુના થતા ઉપદ્રવને ઘટાડે છે. કોરોનામાં આ મુખ્ય તકલીફ છે. એટલે આ તકેદારી લાભ આપી શકે છે.
કોરોનાની લહેરો દરમિયાન આ દવાખાના દ્વારા જરોદ સી.એચ.સી., સુમનદીપ હોસ્પિટલ અને ઈશ્વરપુરાના કોવીડ હેલ્થ સેન્ટરમાં દર્દીઓને આયુષ ઉકાળાનું સેવન કરાવવામાં આવ્યું હતું અને સંશમની વટી તથાઆયુ 64 ગોળીઓ જેવા ઔષધો આપવામાં આવ્યા હતા. આસપાસના પવલેપૂર, પીપરીયા સહિતના ગામોમાં પણ ઔષધ/ ઉકાળા વિતરણની સાથે તકેદારીના પાલનનો પ્રચાર કરવામાં આવ્યો જેના સારા પરિણામો મળ્યાં છે.
હાલમાં પણ પોસ્ટ કોરોનાની અવસ્થામાં ફેફસાં બરોબર ન ખુલવાને લીધે શ્વાસ લેતી વખતે ખાંસી આવવી જેવી શારીરિક તકલીફોમાં આયુર્વેદિક ઉપચાર કરવામાં આવી રહ્યો છે તો માનસિક ભયનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે પગના થાપાના ટોચના ભાગે ઘસારો સુકારો થવાને લીધે થતી (AVN)એવાસ્કુલરનેક્રોસિસની બીમારીનો ગુજરાતમાં કદાચ એકમાત્ર અમોદરના આ આયુર્વેદિક દવાખાનામાં આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં કોવીડ અનુરૂપ સાવચેતી રાખીને સારવાર કરવામાં આવે છે.
વડોદરાના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશીનું માર્ગદર્શન અને રાજ્ય આયુષ નિયામકના પ્રોત્સાહન થી ખૂબ પીઠબળ મળ્યું છે. ડો. જોશી જણાવે છે કે રાજ્યના આયુષ નિયામકની સૂચનાઓ અનુસરીને વડોદરા જિલ્લાના 23 આયુર્વેદિક અને 12 હોમીયોપેથિક સરકારી દવાખાના કોવીડ સામેની લડાઇમાં લોક આરોગ્યની રક્ષામાં સતત યોગદાન આપી રહ્યાં છે.
કોરોના અટકાવવાની સૌથી મોટી તકેદારી કદાચ બહારની અવર જવર શક્ય તેટલી ટાળીને સોશિયલ ડિસ્ટન્સ પાળવાની છે તેવી લાગણી વ્યક્ત કરતાં ડો.ઠક્કર જણાવે છે કે, વર્તમાન ભાગદોડ વાળી જીવન શૈલીમાં બહાર આવવા જવાનું ટાળી શકાય નહિ તેવા સમયે યોગ્ય પ્રકારનો માસ્ક પહેર્યા વગર બહાર ન જવાની, નાકમાં ઉપર જણાવેલા તેલના ટીપાં સિંચવાની, બહારથી ઘરમાં આવો ત્યારે પાણીથી હાથ પગ બરાબર ધોવાની અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની તકેદારી જ બચાવ બની શકે છે.
તેમણે સાવચેત રહો અને રોગથી બચો એને જીવન મંત્ર બનાવવાની હિમાયત કરી છે. આમોદરના સરકારી આયુર્વેદિક દવાખાનામાં 20 જેટલા દર્દીઓની પગના થાપાના શીરના ઘસારા/ સુકારાની સારવાર થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર