અત્યાર સુધી 8 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 6 સુવર્ણ ચંદ્રક પોતાનાં નામે કર્યા છે..
વડોદરાના પાવર લિફ્ટર સન્ની સોમભાઈ બાવચા એ તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ ગયેલી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં નવો કીર્તિમાન સ્થાપવાની સાથે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી વડોદરાની અને ગુજરાતની શાન વધારી છે.
Nidhi Dave, Vadodara: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું રાજ્યમાં પહેલીવાર 36 મી નેશનલ ગેમ્સ યોજવામાં ઘણું મોટું યોગદાન છે ત્યારે આ સંસ્થાના કોચ અને વડોદરાના પાવર લિફ્ટર સન્ની સોમભાઈ બાવચા એ તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ ગયેલી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન શિપમાં નવો કીર્તિમાન સ્થાપવાની સાથે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી વડોદરાની અને ગુજરાતની શાન વધારી છે. તેમણે 83 કીગ્રા વજન વર્ગમાં કુલ 640 કિગ્રા ભારોત્તોલન દ્વારા આ સિદ્ધિ મેળવી હતી અને સ્પર્ધામાં 250 કિગ્રા સ્કવાટ નો નવો રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો હતો.
આ પાવર લિફ્ટર કહે છે કે મારું લક્ષ્ય હવે પછીની કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનું અને ચંદ્રક જીતવાનું છે. તેઓ નિકટ ભવિષ્યમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ સ્પર્ધા માટે પસંદ થયાં છે. તેઓ છેલ્લા સાત વર્ષથી પાવર લીફટિંગ કરે છે અને અત્યાર સુધી 8 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 6 સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યા છે. તેમણે શરૂઆત બોડી બિલ્ડિંગની રમતથી કરી હતી. શહેરમાં આ રમત માટે પ્રોત્સાહક વાતાવરણ રચવામાં તેમનું યોગદાન છે.
તેઓ 6 વાર ગુજરાત અને 7 વાર વડોદરા સ્ટ્રોંગમેન થઈ ચૂક્યા છે. રમત પ્રેમ તેમના માટે કૌટુંબિક વારસા સમાન છે. તેમના પિતા સોમભાઈ અને ભાઈ કેવલ રણજી ખેલાડી રહી ચૂક્યા છે. સન્ની કોવીડ સમયે આ રમતનો મહાવરો ચાલુ રહ્યો એ માટે ક્રોસ્ફીટ જીમ અને તેના સંચાલક લોકેશ શર્માનો આભાર માને છે.
તેઓ એસ.એ.જી.ના કોચ તરીકે વડોદરા અને રાજ્યના ભાવિ પાવર લીફ્ટર્સ ને પ્રશિક્ષિત કરી રહ્યાં છે. આ રમત અત્યાર સુધી પુરુષોના આધિપત્ય વાળી રહી છે. હવે છોકરીઓમાં આ રમતના જાગેલા આકર્ષણને તેઓ શુભ સંકેત માને છે. રાજ્યમાં આ રમતના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ આશાવાદી છે.