અનુસુચિત જાતિ માટે અપમાનજનક ટિપ્પણી કરનાર ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રિ શિલ્પા શેટ્ટી વિરુદ્ધ વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
વડોદરા શહેરના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ 29 ડિસેમ્બરે વડોદરા પોલીસ કમિશનરને આ અંગે લેખિતમાં ફરિયાદ આપી હતી. પરંતુ કોઇપણ કાર્યવાહી ન થતા કોર્ટમાં ફરિયાદ આપી હતી.
સુનિલ સોલંકીએ કોર્ટમાં ઓડિયો-વીડિયોના પુરાવાઓ આપ્યા હતા. ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસને સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામેની આ ફરિયાદ મામલે શું કાર્યવાહી કરી તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે.
નોંધનીય છે કે સલમાન ખાને તેની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'ના પ્રમોશન દરમિયાન વાલ્મીકિ સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. શિલ્પા શેટ્ટીએ પણ એક કાર્યક્રમ દરમિયાન વાલ્મીકિ સમાજ અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને રાજ્યમાં ઠેરઠેર સલમાન ખાને અને તેની ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.