વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 3 દિવસના ગુજરાત પ્રવાસે રવિવારે બપોરે વડોદરા પહોંચ્યા હતા. અહીં તેમણે રોડ શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રસ્તાની બંને તરફ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.લોકોએ પીએમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ પીએમ મોદીએ વડોદરા ખાતે ભારતના સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.
'ભારત ફાઇટર પ્લેન, ટેન્ક અને સબમરીન બનાવી રહ્યું છે'
આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મોટા પગલાં ભરી રહ્યું છે. ભારત ફાઇટર પ્લેન, ટેન્ક અને સબમરીન બનાવી રહ્યું છે. ભારતમાં બનેલી વેક્સિન પણ દુનિયામાં લાખો લોકોની જિંદગી બચાવી રહી છે. ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે. હું એ દિવસ જોઇ રહ્યો છું કે, વિશ્વના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે. ભારતમાં નિર્માણ પામનાર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આપણી સેનાને તો તાકાત આપશે જ આ સાથે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકો સિસ્ટમનો પણ વિકાસ થશે.
પીએમ મોદીએ કહ્યુ કે, શિક્ષા અને સંસ્કૃતિના કેન્દ્ર માટે પ્રતિષ્ઠિત વડોદરા હવે, એવિએશન સેક્ટરના હબના રૂપમાં નવી ઓળખ સાથે વિશ્વ સામે માથું ઉચું કરશે. મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર ધ ગ્લોબનો સંકલ્પ વડોદરાની ધરતીથી મજબૂત થશે. આગામી 10-15 વર્ષમાં ભારતને લગભગ 2000થી વધારે પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની જરૂરિયાત ઉભી થશે, આ મોટી માગને પહોંચી વળવા માટે ભારત અત્યારથી તૈયારી કરી રહ્યું છે.
તેમણે કહ્યુ કે, આજે ભારત લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ અને હાઇ આઉટપુટ આઉટકમનો અવસર આપી રહ્યું છે. ભારત પાસે સ્કીલ મેન પાવરનો બહુ મોટો ટેલેન્ટ પુલ છે. કોરોના અને યુદ્વની પરિસ્થિતિ વચ્ચે પણ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ મોમેન્ટમ જળવાયેલો છે. ઇઝ ડુઇંગ બિઝનેસ પર જેટલું જોર આજે ભારતનું છે, તે અગાઉ ક્યારેય ન હતું.
આજનું ભારત નવા માઇન્ડ સેટ, નવા વર્ક કલ્ચર સાથે કામ કરી રહ્યું છે. અમે કામચલાઉ નિર્ણયોની રીત છોડી છે. વિકાસ અને રોકાણ માટે અનેક પ્રકારના ઇન્સેન્ટીવ લઇને આવ્યા છે. દિવાળીના પર્વ દરમ્યાન વડોદરાને, ગુજરાતને, દેશને એક અણમોલ ભેટ મળી છે. હું પણ નવા વર્ષમાં પહેલીવાર ગુજરાત આવ્યો છું, આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.