Home /News /madhya-gujarat /વતનમાં વડાપ્રધાન : વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદની
વતનમાં વડાપ્રધાન : વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદની
ગુજરાતના પ્રવાસે પીએમ મોદી
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ આગામી એક-બે દિવસમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. પીએમ મોદી તેમની માતા હીરા બાના આશીર્વાદ લેવા પણ જઈ શકે છે.
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે વડોદરા પહોંચ્યા છે. અહીં પીએમે એક રોડ શોમાં ભાગ લીધો અને લોકોનું અભિવાદન ઝીલ્યું. આ દરમિયાન રસ્તાની બંને તરફ ભારે ભીડ જોવા મળી. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદી અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેશે. પરંતુ આકર્ષણનું સૌથી મોટુ કેન્દ્ર છે વડોદરા, જ્યાં પીએમ મોદી ટાટા એરબસ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે.
તે બાદ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે. આ ઉપરાંત દિવાળી મિલન સમારોહમાં પણ ભાગ લેશે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થશે. ચૂંટણી પંચ ગમે તે સમયે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ વખતે ગુજરાતની ચૂંટણી રસપ્રદ રહેશે કારણ કે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. કોંગ્રેસ પોતાના નવા અધ્યક્ષ મલ્લિકાજુર્ન ખડગેની આગેવાનીમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી લડશે.
પીએમ મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસનો વિગતવાર કાર્યક્રમ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, પીએમ મોદી આજે ૩૦મી ઓક્ટોબરથી ૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાશે.
પીએમ મોદી ૩૧મી ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે.
ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી જીલશે. આ જ દિવસે બપોરે પીએમ મોદી ઉત્તર ગુજરાત માટેના વિવિધ વિકાસકામોનું થરાદ ખાતેથી ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે.
આ ઉપરાંત ૧ નવેમ્બરના રોજ સવારે પીએમ મોદી માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા ૧૮૨ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે.