વડોદરા: હવે તમે યાત્રાધામ પાવાગઢ જવાનું વિચારી રહ્યા હોવ તો આ નવા નિયમો તમારે જાણવા જરૂરી છે. પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે. એટલે હવે તમે પાવાગઢ જાવ તો છોલ્યાં વગરનું આખું શ્રીફળ જ માતાજીના ચરણોમાં અર્પણ કરવું પડશે. આ નિર્ણય બાદ ભક્તોની સુવિધા માટે માચીમાં એક મશીન મુકવામાં આવ્યું છે જેમાં મશીનમાં શ્રીફળ મુકતાની સાથે માત્ર બે સેકન્ડમાં જ આખું શ્રીફળ વધેરાઇને પાછું મળશે. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવીને જો ચૂંદડી ચઢાવી હોય તો એ પણ સાથે ઘરે લાવવાની રહેશે.
શ્રીફળ વધેરવા માટે મુકાયું મશીન
માંચી ખાતે શ્રદ્ધાળુઓના શ્રીફળ વધેરવાના મશીનને મૂકવામાં આવ્યું છે. પાવાગઢ ડુંગર ઉપર મહાકાલી માતાજીને શ્રીફળ અર્પણ કરીને દર્શન કરનારા માઈભક્તો આ શ્રીફળ લઈને માંચી ખાતે આવ્યા બાદ માતાજી પ્રત્યેની અપાર આસ્થાની લાગણીઓ હૈયે રાખીને જાતે શ્રીફળ વધેરવાના બદલે મંદિર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવેલા આ મશીનમાં શ્રીફળ મુકશે એટલે આ શ્રીફળ વધેરાઈ જશે. મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે જ આ મશીનનો પ્રારંભ કરાયો હતો. આ મશીનની વિષેશતા એવી છે કે, આમાં છોલેલું શ્રીફળ મુકી નહીં શકાય માત્ર છોલ્યા વગરનું જ નારિયેળ મુકી શકશો.
મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદરિ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે ચૈત્ર નવરાત્રીમાં પાવાગઢમા આવેલા મહાકાળીના દર્શનનો અનેરો મહિમા રહેલો છે. જેથી 22 માર્ચથી શરૂ થતી ચૈત્ર નવરાત્રી દરમ્યાન રાજ્યભરમાંથી ભક્તો ઉમટી પડતા હોય છે. તેથી ચૈત્ર નવરાત્રીમાં મંદિર સવારના પાંચથી રાત્રીના આઠ વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. ચૈત્ર નવરાત્રીને કારણે તા.
22 માર્ચથી 6 એપ્રિલ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્ર નવરાત્રીના 16 દિવસ સુધી મંદિર સવારના પાંચથી રાત્રીના વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. આ સાથે નવરાત્રીના પહેલા નોરતે તેમજ રવિવાર અને આઠમના દિવસે સવારે 4 વાગ્યાથી ભક્તો માટે દર્શન શરુ કરી દેવામાં આવશે.
વડોદરા મહાનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મંદિર ટ્રસ્ટના આ નિર્ણય સામે વડોદરા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. રવિવારે વડોદરા શહેરના માંડવી ખાતે આ હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા બેનર સાથે ઘંટનાદનો કાર્યક્રમ કરીને મંદિર ટ્રસ્ટ કુંભકરણની નિંદ્રામાંથી જાગે આ માટેનો કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય મહામંત્રી મનોજ અગ્રવાલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મહાકાલી માતાજીના દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓ બાધાઓ અને માનતાઓ રાખીને પ્રસાદી રૂપે શ્રીફળ વધેરતા હોય છે. પરંતુ શ્રીફળ વધેરવા ઉપરના મંદિર ટ્રસ્ટનો પ્રતિબંધ મોગલકાળની યાદ અપાવી દીધી છે.