વડોદરામાં પાનની શરૂઆત 150 વર્ષ પહેલા થઇ હતી. આજે શહેરમાં 30 રૂપિયા લઈ 2800 રૂપિયાના પાન મળે છે.પાનમાં 17 પ્રકારના આયુર્વેદિક ઔષધીય દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે.એટલું જ નહીં ડ્રાય પાન બનાવતા એક દિવસનો સમય લાગે છે અને 3 મહિના ખાઈ શકાય છે.
Nidhi Dave, Vadodara: વડોદરામાં પાનની શરૂઆત 150 વર્ષ પહેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં થઈ હતી. પરષોત્તમદાસ અને મંગલદાસ ભાવસાર દ્વારા લેહરીપુરા મંગળ બજારથી પાનની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં પાનમાં તજ, લવિંગ,એલચી પાવડર નાખવામાં આવતો હતો.આ પાન લોકોના દાઢે વળગ્યું છે અને 150 વર્ષથી આજ સ્વાદ હજી સુધી અકબંધ છે. આયુર્વેદિક ઔષધીય પાન 30 રૂપિયાથી શરૂ કરીને 2800 રૂપિયા સુધીનું પાન અહીં મળે છે.
પાનમાં 17 પ્રકારના આયુર્વેદિક ઔષધીય દ્રવ્યનો ઉપયોગ
શ્રી અત્તર પાન, ભાવસાર બ્રધર્સ દ્વારા ચોથી પેઢી પણ શહેરમાં કાર્યરત છે. ભાઈઓ પૈકી સતિષભાઈ ભાવસારે જણાવ્યું હતું કે, બીડી, સિગારેટ, તમાકુ કે માનવ શરીરને નુકસાન પહોંચાડતા દ્રવ્યોનો વેપાર કરતા નથી. અમે સંપૂર્ણપણે આયુર્વેદિક ઔષધીય પાન જ બનાવીએ છે.
કલકત્તાથી મોંઘા ભાવના ખારપાન એટલે કે તાંબુલ, બિહારના ગયાથી મઘઈ પાન મંગાવીએ છીએ. જેમાં જેઠીમધ, તજ, લવિંગ, જાયફળ, જાવંત્રી, પ્રવાલ, વસંત, માલતી, કેસર, અંબર, બરાસ, અગર સહિત 17 પ્રકારના આયુર્વેદિક ઔષધીય દ્રવ્યનો ઉપયોગ કરીએ છે.
આ આયુર્વેદિક ઔષધીય પાન 30 રૂપિયાથી શરૂ કરીને 2800 રૂપિયા સુધીનું પાન અહીં મળે છે. આ પાનમાં સોના ચાંદીના વરખ પણ લગાવી આપવામાં આવે છે.
ડ્રાય પાન બનાવતા એક દિવસનો સમય લાગે, 3 મહિના ખાઈ શકાય
લીલા પાનની સાથે અત્યારે ડ્રાય પાનની માંગ વધી છે. લીલું પાન બનાવતા પાંચ મિનિટનો સમય લાગે છે જ્યારે ડ્રાય પાન બનાવતા એક દિવસનો સમયગાળો લાગતો હોય છે. જે પાનને અડધા કાપી દેવામાં આવે છે, એનો પણ ફરી ઉપયોગ ડ્રાય પાન બનાવવામાં કરવામાં આવે છે.
આ ડ્રાય પાનની માંગ એટલી બધી વધારે છે કે, વિદેશોમાં મોકલવામાં આવે છે. આ ડ્રાય પાનને ત્રણ થી ચાર મહિના સુધી ખાઈ શકાય. આ ડ્રાય પાન ફક્ત શ્રી પાન અત્તરમાં જ મળે છે. જેમની રાવપુરા અને ઓ.પી.રોડ ખાતે દુકાન આવેલી છે.
શરદી, ખાંસીમાં આયુર્વેદિક ઔષધીય પાન ફાયદાકારક
વધુમાં સતિષભાઈએ જણાવ્યું હતું કે, લોકો ખાસ શિયાળામાં અમારું આયુર્વેદિક ઔષધીય પાન ખાવા આવતા હોય છે. જેથી કરીને કફ, શરદી, ખાંસીમાં આયુર્વેદિક ઔષધીય પાન ફાયદાકારક સાબિત થાય છે.
આ આયુર્વેદિક ઔષધીય પાન ખાવાના અનેક ફાયદા છે. પાનની વેરાઈટી જેવી કે, શિંગોડા પાન, સાદુ પાન, ચોકલેટ પાન, સ્પેશિયલ પાન, મઘઈ પાન, તાનસેન રજનીગંધા પાન વગેરે મળે છે.