1. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 152 દિવસ બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ
રાજ્યની તમામ સરકારી , ગ્રાન્ટેડ અને ખાનગી મળીને કુલ 36,500 જેટલી પ્રાથમિક શાળાઓમાં 152 દિવસ બાદ ગુરૂવારથી ઓફલાઈન શિક્ષણકાર્યનો પ્રારંભ થયો. તમામ શાળાઓના ધોરણ 6 થી 8ના અંદાજે 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓનું 50 ટકાની ક્ષમતા સાથે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરાયું. જેમાં સરકારની એસઓપી મુજબ નિયમોનું સ્કૂલોએ પાલન કરવાનું રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાના ડીઈઓ - ડીપીઈઓને ગાઈડલાઈન પણ મોકલી આપવામાં આવી છે.
રાજ્યની તમામ સ્કૂલોમાં સાફ- સફાઈ અને સેનેટાઈઝેશનની કામગીરી થઈ કરવામાં આવી. તદુપરાંત વિદ્યાર્થીઓને સૅનેટાઈઝ કરી તેમનું તાપમાન ચકાસવામાં આવ્યું. ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો. વિધાર્થીઓ ઘણા સમય બાદ શાળાએ આવ્યા હોવાથી શિક્ષકો દ્વારા ચોકલેટ આપીને મોઢું મીઠું કરાવ્યું હતું. જેથી કરીને વિધાર્થીઓમાં ફરી એક વખત વર્ગખંડમાં બેસીને ભણવાનો ઉત્સાહ આવે.
કોરોનાની બીજી લહેર શાંત થતાં ગત 15 જુલાઈથી ધોરણ 12 અને ઉચ્ચ શિક્ષણમાં ઓફલાઈન વર્ગો શરૂ કર્યા હતા અને એ પછી 26 જુલાઈ અને સોમવારથી ધોરણ 9 થી 11 ના વર્ગોનું પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થયુ હતુ.
2. ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી
ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના ગણપતિ કલાકારો પણ ઝડપથી ભક્તોની ગણેશ મૂર્તિની માંગને પહોંચી વળવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. અને ગણેશ પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે.
આ વર્ષે સરકાર દ્વારા જે 4 ફૂટના ગણેશજીની મૂર્તિ છૂટ આપવામાં આવી છે, તે કારણોસર આ વર્ષે ગણેશમૂર્તિ લેવા માટે ભક્તોની માંગમાં વધારો થયો છે. જેના કારણે મૂર્તિકારોને માથે પણ દબાણ વધ્યું છે.
3. વડોદરા જિલ્લામાં ધીમા વેગે પરંતુ મક્કમ ડગલે આકર્ષક સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર કમલમ ફળની ખેતી વધી રહી છે
રાજ્યમાં પહેલીવાર ફાર્મ ફ્રેશ - કમલમ અને ફળ મહોત્સવ યોજાયો છે ત્યારે વડોદરા જિલ્લામાં કમલમની ખેતી પર એક નજર. રંગ અને દેખાવમાં ખૂબ આકર્ષક અને પોષણ થી સમૃદ્ધ થોરના ફળ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે અમદાવાદમાં ફાર્મ ફ્રેશ - કમલમ અને ફળ મહોત્સવ શરૂ કર્યો છે. આ ફળની નવી ખેતીની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં ૨૫ જિલ્લાઓમાં કમલમ ફળના બગીચા 1200 હેકટર જેટલી જમીનમાં ઉછેરવામાં આવ્યાં છે.
રાજ્ય સરકારે બાગાયત ખાતાના માધ્યમ થી ડ્રેગન ફ્રૂટની ખેતી વધારવા,મહત્તમ બે હેકટર ની મર્યાદામાં,પ્રતિ હેક્ટર ₹1.25 લાખની વાવેતર સહાયની યોજના પહેલીવાર અમલમાં મૂકી છે. વડોદરા જિલ્લામાં કમલમ ફળની ખેતીની વાત કરીએ તો રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની સરખામણીમાં ધીમા વેગે પરંતુ મક્કમ ડગલે આ ગુણોની ખાણ જેવા થોરના વેલા પર લાગતા ફળની ખેતી વિસ્તરી રહી છે.
નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી શ્રી યોગેશ ખાંટે જણાવ્યું કે પહેલીવાર ડ્રેગન ફ્રૂટ માટે અમલી બનેલી વાવેતર સહાય યોજનાનો લાભ પહેલા વર્ષે જ મેળવવા જિલ્લાના 30 થી વધુ ખેડૂતોએ અરજી કરી છે, જેમના વાવેતર વિસ્તાર સહિત જરૂરી ચકાસણી કરી અરજીઓની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લાના અંદાજે 15 જેટલાં ખેડૂતોને પ્રમાણમાં સારી કહેવાય એવી સફળતા મળી છે.
વાત એમ છે કે આ ફળની ખેતીના ભાગરૂપે એ પ્રજાતિના થોરના વેલા ચઢાવવા માટે સિમેન્ટની થાંભલીઓનો માંડવો બનાવવો જરૂરી છે એટલે આ ખેતીની શરૂઆતમાં સારો એવો ખર્ચ કરવો પડે છે. જેને પહોંચી વળવામાં વાવેતર સહાય યોજના ખેડૂતોને ઉપયોગી બનશે.
કમલમનું ગર યુક્ત એટલે કે માવાદાર ફળ બારમાસી ફળ છે. આ ફળ પોષક તત્વો, ઔષધીય ગુણો, ખનીજો અને વિટામિનોથી સમૃદ્ધ છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલના દર્દીઓને આરોગ્ય પ્રદાન કરનારું હોવાથી તબીબો તેના સેવનની ભલામણ કરે છે.