1. આવતીકાલથી શરૂ થતાં નવરાત્રિને લઇને શહેરના ઐતિહાસિક અને પૌરાણિક બહુચરાજી મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે દર્શન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ
આજે ભાદરવા વદ અમાસ છે અને આવતી કાલે વિક્રમ સંવત2077 ને આસો સુદ એકમથી માં દુર્ગાના નવ સ્વરુપોની આરાધના ઉપાસના અને પૂજાનો પર્વ એટલે નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજીરોડ સ્થિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે આવતીકાલે નવરાત્રિનો પ્રારંભ થાય છે. ત્યારે તા.07-10-2021 થી તા.12-10-2021 સુધી સવારે 6:30 થી રાત્રે 9:00 સુધી ભક્તો માટે મંદિરના દર્શન ખુલ્લા રહેશે તથા આઠમ થી દશેરા તા.13-10-2021 થી તા.15-10-2021 સુધી ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય કોરોનાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
જો કે પરંપરાગત રીતે આઠમનો હવન મંદિરના પૂજારીઓ,ટ્રસ્ટીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થશે.મંદિર પ્રશાસન દ્વારા ભક્તોના દર્શન માટે પ્રવેશદ્વાર થી મંદિરમાં દર્શન સુધી મહિલાઓ, પુરુષો માટે રેલિંગ તૈયાર કરી છે જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય તથા ભીડ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ બાબતે આજરોજ મંદિરના પૂજારી જગદીશ અમરીષકુમારે વિગતવાર માહિતી આપી હતી.
2. નવરાત્રિના આગમન પૂર્વે સરકાર દ્વારા શેરી ગરબાને છૂટછાટ આપવામાં આવતા માટલીની ગરબી બનાવતા વેપારીઓમાં આનંદની લાગણી છવાઇ
છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારીને કારણે ધાર્મિક તથા સામાજિક પ્રસંગો ઉપર બ્રેક લાગી ગઇ હતી. જેના કારણે આ તહેવારો/પ્રસંગો સાથે જોડાયેલા અને તેના ઉપર નભતા અનેક ધંધા રોજગાર પર માઠી અસરો જોવા મળી હતી. જેના કારણે અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા. તો કેટલાક વેપારીઓ આર્થિક ભિંસમા મૂકાઈ ગયા હતા. પરંતુ આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીમાં શેરી ગરબાને ચારસો વ્યક્તિઓ સાથે છૂટછાટ આપવામાં આવી છે. જેનાથી નવરાત્રી ના ધાર્મિક તહેવાર સાથે સંકળાયેલા વેપારીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે નવરાત્રી ના આગમન પૂર્વે ગરબીઓ જે માટલીથી તૈયાર કરવામાં આવે છે. તે બનાવવામાં આવી રહી છે. તેઓ રાજ્ય સરકારના નિર્ણયથી ખુશ જોવા મળ્યા છે પરંતુ બીજી તરફ વરસાદી માહોલને કારણે માટી આવી શકી નથી અને ભઠ્ઠીઓ શરૂ થઇ શકી નથી, માટે કારીગરોને પણ બેકાર બેસવાનો વારો આવ્યો છે.
ત્યારે વેપારીઓએ ગતવર્ષની ગરબીઓને આ વર્ષે વેચાણ થકી વેપાર કરી ગતવર્ષનુ નુકશાન સરભર કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. કનુભાઇ પ્રજાપતિ કે, જેઓ છેલ્લા ઘણાં વર્ષોથી શહેરના કુંભારવાડા ખાતે ગરબીઓ તથા દિવાળી પર્વે દિવડાઓ સહિતના માટીના વાસણો સહિતની ચીજવસ્તુઓ બનાવવાના કામ સાથે જોડાયેલા છે. તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આવતીકાલે વિક્રમ સંવત-2077 ને આસો સુદ એકમ નવરાત્રી પર્વનો પ્રથમ દિવસ છે ત્યારે આજે બજારમાં માંઇભક્તો દ્વારા ચૂંદડી, ગુગળ, પૂજાપો, હવનસામગ્રી સહિતના પૂજનસામગ્રીની ખરીદી કરવા નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર