વડોદરા : શહેરમાં ફી મુદ્દે કેટલીક શાળાઓના સંચાલકોની મનમાની હજુ પણ ઓછી થતી નથી. સરકારના આદેશોની ઐસી-તૈસી કરી પ્રાઈવેટ શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે. જેમાં માય શાનેન શાળા 25% ફી ઓછી કરતી નથી, તેમજ વિદ્યાર્થીઓને LC અને માર્કશીટ આપતી નથી, તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે.
માય શાનેન શાળા, ફતેહગંજ દ્વારા સરકાર દ્વારા કરેલા હુકમમાં 25% ફીમાં રાહત આપવાની હતી, જે આપવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને LC તેમજ માર્કશીટ પણ આપવામાં આવી નથી. ઉપરથી ફી બાકી છે તેવું જણાવી હેરાનગતી કરવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને કોલેજ તેમજ યુનિવર્સિટીમાં એડમિશન લેવામાં તકલીફ પડી રહી છે.
આવા કોરોનાના કપરા કાળમાં પણ વિદ્યાર્થીઓ પાસે ફીની કડક ઉઘરાણી તેમજ સરકારના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરનારા આવા સંચાલક સામે કડક કાર્યવાહિ કરી વિદ્યાર્થિઓને ન્યાય અપાવવામાં આવે તેવી વાલીમિત્રોએ શિક્ષણ અધિકારીને વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ આંદોલનમાં એન.એસ.યુ.આઇ ના પ્રમુખ વ્રજ પટેલ પણ હાજર રહી અને વિદ્યાર્થીઓને સાથ આપી રહ્યા હતા. કોરોનાકાળમાં 25% ફી ઘટાડીને લેવાનો આદેશ હોવા છતાં શહેરની કેટલીક શાળાઓ રાબેતા મુજબ ફી વસુલ કરે છે. આ પ્રકારની અનેક ફરિયાદો શિક્ષણાધિકારી સમક્ષ આવી રહી છે. સરકારના નિયમોને નેવે મૂકીને સરમુખત્યારશાહી અને તુમાખીભર્યું વર્તન શાળા સંચાલકો દ્વારા કરતુ હોવાની રજૂઆત વાલી મંડળે કરી છે.
સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, શાળાના સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, અમારા નીતિ નિયમ મુજબ ફી ભરવામાં નહિ આવે તો શિક્ષણ પણ નહિ મળે. આ બાબતને લઈ ને એન.એસ.યુ.આઇ અને વાલીમંડળ દ્વારા શિક્ષણાધિકારીની કચેરી આગળ હલ્લો મચાવવામાં આવ્યો.
એન.એસ.યુ.આઇ અને વાલીમંડળ દ્વારા શિક્ષણાધિકારી સમક્ષ શાંતિથી રજૂઆત પણ કરવામાં આવી અને આ સમસ્યાનો ઉકેલ કરવા વિનંતી કરવામાં આવી છે. વાલીઓ એમના બાળકોને લઈ ને ખુબ જ ચિંતિત છે. એવા સમયે વૈશાલીબેન ચૌધરી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે તેઓ આ સમસ્યાનું નિરાકરણ ચોક્કસ પણે કરશે. હવે એ જોવાનું છે કે આ બાબતનો નિકાલ ક્યાં સુધીમાં થશે.
(લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.) વેબસાઈટ પરથી કોપી પેસ્ટ કરશો એટલે લિંક જાતે આવી જશે.