અંકિત ઘોનસીકર, (વડોદરા) : વડોદરા શહેર (Vadodara City)ના ખોડીયાર નગર સફેદ વુડાના આવાસમાં માથાભારે શખ્સોએ પાણીપુરી વેચી ગુજરાન ચલાવતા યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને (Murder case) ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઇ હતી. મોતને ઘાટ ઉતારાયેલ યુવાને માથાભારે શખ્સો સામે પાણીપુરીની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી માથાભારે શખ્સોએ દારૂના નશામાં યુવાનની હત્યા (Vadodara Crime News)કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. આ યુવાનની હત્યા બાપોદ પોલીસ મથકમાં થઇ હોવાનું અને લાશ હરણી પોલીસ મથકની હદમાંથી મળતા મોડી સવાર સુધી આ બંને પોલીસ મથકમાં ગુનો દાખલ થયો ન હતો. જોકે હરણી પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે.
ખોડીયાર નગર વિસ્તારમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે ખોડીયાર નગર મારૂતિ નગરમાં સુધીર ઉર્ફ ટુમટુમ કમલેશ રાજપુત પાણી પુરી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરના સમયે સુધીર ઉર્ફ ટુમટુમ રાબેતા મુજબ લારીમાં પાણીપુરી લઇને વેચવા માટે નીકળ્યો હતો. દરમિયાન સફેદ વુડાના મકાન પાસે કેટલાંક માથાભારે શખ્સોએ તેને રોક્યો હતો. અને પાણીપુરી ખાધી હતી. પાણી પુરી ખાધા બાત પૈસા માટે માથાભારે શખ્સોએ દાદાગીરી કરી હતી.
બાદમાં મોડી રાત્રે સફેદ વુડાના મકાન સ્થિત એક ઓરડીમાં માથાભારે શખ્સોએ સુધીર રાજપુતને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને તેની લાશ હરણી પોલીસ મથકની હદમાં મૂકી ફરાર થઇ ગયા હતા. ત્યાં જ આજે સવારે સુધિર રાજપુતનો થીજી ગયેલા લોહી સાથેનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. મૃતકના પિતાએ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગણી પણ કરી હતી.
આ બનાવની જાણ હરણી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્થાનિક માથાભારે શખ્સો દ્વારા અદાવતમાં સુધીરની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. વિસ્તારોમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે જે સ્થળે સુધીર ઉર્ફ ટુમટુમ રાજપુતની હત્યા કરેલી લાશ મળી છે. તે જગ્યા પાસેથી દેશી દારૂની ખાલી પોટલીઓનો ઢગલો મળી આવ્યો હતો.
હુમલાખોરોએ દેશી દારૂનો નશો કર્યા બાદ પાણી પુરીની લારી ચલાવતા સુધીર ઉર્ફ ટુમટુમ રાજપુતની હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સનસનાટી મચાવી મુકનાર આ બનાવ અંગે પોલીસે આરોપી ઓ ને શોધવની કાર્યવાહી હાથ ધરી છે.