Nidhi Dave, Vadodara: કોરોના બાદ સ્કૂલમાં જતાં થયેલાં બાળકોમાં નકારાત્મક અસરને દૂર કરી ચિત્રો થકી સર્જનાત્મક પ્રવૃત્તિ વિકસે તે માટે શહેરની મુદ્રા સ્કૂલ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા ભારત, ઈજિપ્ત, બલ્ગેરિયા, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત તેમજ રશિયા- યુક્રેન જેવા 11 દેશોનાં 140 બાળકોનાં ચિત્રોનું પ્રદર્શન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના એક્ઝિબિશન હોલમાં 20 થી 23 જાન્યુઆરી સુધી આયોજિત કરાયું છે. જેમાં યુક્રેનનાં 14 વિદ્યાર્થીઓએ ચિત્રો દોરી મોકલ્યાં છે , જેમાંથી 6 વિદ્યાર્થીનાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.
મુદ્રા સ્કૂલ ઓફ ફાઈન આર્ટ્સના સંચાલક કિરણબેન કંસારાએ જણાવ્યું કે, કોરોના બાદ બાળકો પર પણ નકારાત્મક પ્રભાવ પડ્યો છે.
ત્યારે વિવિધ દેશના શિક્ષકો સાથે વાતચીત કરી હતી, જેમાં બાળકો ચિત્રો દોરી મોકલે અને તેનું પ્રદર્શન યોજવાનું નક્કી થયું. આ પ્રકારનાં આયોજનો થતાં હોય છે, પરંતુ કોરોના બાદ આ પહેલી વખત થઈ રહ્યું છે.
આ વર્ષે ખાસ "હેપીનેસ" થીમ પર ચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. બાળકોને એમની ખુશી શેમાં દેખાય છે એનું ચિત્ર દોરવાનું હતું. પ્રદર્શન માટે ભારત સહિત 11 દેશનાં ધો. 3 થી 12 નાં વિદ્યાર્થીઓએ પોતાની સંસ્કૃતિ, સ્ટાઈલ અને અભિવ્યક્તિ પ્રમાણે ચિત્રો દોરી મોકલ્યાં છે.
જેમાં ખાસ કરીને યુકેન રશિયા, જ્યાં તણાવભર્યું વાતાવરણ છે, છતાં પણ તેના બાળ કલાકારોએ ખૂબ જ સુંદર ચિત્ર દોરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
માઈગ્રેટ 14 વિધાર્થીએ ઓનલાઇન ચિત્રો મોકલ્યાં. રશિયા - યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ હાલ અલગ - અલગ દેશમાં રહે છે. જ્યારે તેમના શિક્ષક જર્મની છે. યુક્રેનના 14 વિદ્યાર્થીઓએ ચિત્રો દોરીને તેને ઓન લાઈન પ્લેટફોર્મ પર મોકલ્યાં છે,
જેમાંથી 6 ચિત્રો ડિસ્પ્લે કરવામાં આવ્યાં છે. ભારત સહિત 11 દેશોનાં બાળકોનો સમાવેશ કરાયો છે. આ એક્ઝિબિશનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બલ્ગેરિયા, ઈજિપ્ત, હોંગકોંગ, હંગરી, ઈઝરાયેલ, મેસેડોનિયા, રશિયા, ટર્કી અને યુક્રેનનો સમાવેશ થાય છે.