વડોદરા: "સાહેબ તમે મારા ઘરે આવીને આધાર કાર્ડ અપડેટ કરી આપી મારા દીકરાનો પગ કપાતો બચાવ્યો છે. તમારા દીકરા હંમેશા સુખી રહેશે\", આ શબ્દો રોકકળ કરતી ગરીબ માઁના છે. જીવનમાં કર્મો સારા હોય તો ભગવાન ગમે તે સ્વરૂપે તમારી મદદ કરે જ છે. તે વાત જગજાહેર છે. બસ આવા જ સારા કર્મોની એક ઘટનાએ કોર્પોરેશનના આધાર નોંધણી શાખાની ઉત્તમ કામગીરીએ સમગ્ર શહેરમાં વડોદરા કોર્પોરેશનને બિરદાવી છે.
વાત એમ છે કે, ખંડેરાવ માર્કેટ પાસે મદનઝાંપા રોડ ખાતેના શ્યામદાસ ફળિયામાં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા વિનોદભાઈ દેશમુખનો યુવાન પુત્ર તુષારને થોડા સમય અગાઉ અકસ્માત નડયો હતો. પરિણામે જમણા પગમાં અનેક ફ્રેક્ચર થયા હતા. યુવકની ગંભીર ઈજાઓને પગલે શહેરની ધીરજ હોસ્પિટલમાંમાં કાર્ડના આધારે એક બે નહીં પરંતુ ઇજાગ્રસ્તપગમાં ચાર વખત સળિયા નાખી ઓપરેશન કરવામાં આવ્યા હતા. અને માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો કે, હવે મારો દીકરો ખૂબ જલ્દી દોડતો થઇ જશે.
તેવામાં ઇજાગ્રસ્ત યુવકના માતા-પિતાને તબીબે જણાવ્યું હતું કે, તમારા દિકરાના પગમાં પરૂ થતું જાય છે. વહેલી તકે પાંચમું ઓપરેશન નહીં થાય તો પગ કાપવાની નોબત આવશે. આ વાક્યો સાંભળતા માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ગરીબ અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે હવે શું કરવું અને ઓપરેશન માટેના રૂપિયા ક્યાંથી લાવવા તે મુસીબત પહાડ સમી બની જતા તબીબે વિકલ્પ આપી જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડના આધારે તુષારનું ઓપરેશન થઈ જશે. એવું સાંભળતા જ માતા-પિતા ખુશ થઈ ગયા હતા પરંતુ તેમને એ વાત નહીં ખબર ન હતી કે હજુ પણ મુસીબતો બાકી છે.
તબીબેજણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડના આધારે સારવાર થઇ શકશે પરંતુ તુષારની ફિંગર પ્રિન્ટ આધારકાર્ડમાં મેચ થતી નથી. જેથી તમારે ફરીવાર તુષારનું બાયોમેટ્રિક સિસ્ટમથી ફિંગરપ્રિન્ટ આધારકાર્ડમાં અપડેટ કરવું પડશે. ત્યાં તો માતાપિતા ફરી લાચાર થઇ ગયા હવે શું કરવું. માતા-પિતાએ અનેક ઠેકાણે પહોંચી આજીજી કરી કે, મારા દીકરાનું આધાર કાર્ડ અપડેટ કરી આપો પરંતુ તમામ જગ્યાએથી જવાબ મળ્યો કે, તમારા દિકરાને અહીં લઈ આવો તો જ થઈ શકશે. લાચાર માએ કહ્યું કે મારો દીકરો ખૂબ કણસતી હાલતમાં હોસ્પિટલમાં એડમિટ છે. હું ક્યાંથી તેને અહીં લઈ આવું. માતા-પિતા અને પરિવારજનો છેલ્લા છ દિવસથી દીકરાના આધારકાર્ડમાં ફિંગર પ્રિન્ટ અપડેટ કરાવવા કણસતી હાલતમાં દીકરાને લોડીંગ રીક્ષામાં સુવડાવી સાથે લઈ ફરી રહ્યા હતા. પરંતુ કોઇ કામગીરી થઇ શકી ન હતી. સ્ટ્રેચરના પગલે અનેક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
સમગ્ર પરિસ્થિતિની વાયા વાયા જાણ વડોદરા મહાનગર પાલિકાના વસતીગણતરી અધિકારી સમીક જોશીને થતા, તેઓએ તુરંત તે પરિવારનો સંપર્ક સાધી પોતાની ટીમ અને બાયોમેટ્રિક સિસ્ટમ સાથે ઇજાગ્રસ્ત યુવકના ઘરે પહોંચ્યા હતા. અને માત્ર એક કલાકમાં યુવકની બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટ લઈ આધારકાર્ડને અપડેટ કરી તેઓ ઘરની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત યુવકની માના શબ્દો હતા કે, \"સાહેબ મારા ઘરે આવીને આધાર કાર્ડ અપડેટ કરી આપી તમે મારા દીકરાનો પગ કપાવતા બચાવ્યો છે. તમારા દીકરા હંમેશા સુખી રહેશે. આભાર સાહેબ વડોદરા મહાનગર પાલિકાની આ પ્રશંસનીય કામગીરી છે.\"
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર