ફરિદખાન પઠાન, વડોદરા : શહેરમાં હિચકારી ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી રાતે સયાજીપાર્ક સોસાયટીનાં એક ઘરની અગાશીમાં સુતેલા માતા અને પુત્રીની અજાણ્યા શખ્શોએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. આ મામલામાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં બાપોદ વિસ્તારમાં આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં માતા પુત્રીની હત્યા થઇ છે. આ માતા પુત્રી ગઇકાલે એટલે બુધવારે તેમના ઘરની અગાશી પર સુતેલા હતાં. ત્યારે વહેલી સવારે 3.30 કલાકની આસપાસ કેટલાક શખ્શો બેઝબોલનું બેટ લઇને આવ્યાં હતાં. જેનાથી માતા-પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ બંન્નેનાં મોત નીપજ્યા હતાં. હાલ પોલીસે આ બંન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ ગયા છે.

પથારીની બાજુમાં બેઝબોલનું બેટ દેખાઇ રહ્યું છે
પોલીસે સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, પુત્રીના લગ્ન થઇ ગયા છે, અને તે પિયરમાં રહેવા આવી હતી. ત્યારે આજે આ ગમખ્વાર ઘટના બની હતી. પોલીસની આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાના પગલે તે દિશામાં કાર્યવાહી આરંભી છે.બાપોદ પોલીસ હાલ ઘરની આસપાસ રહેતા પાડોશી અને પરિવારની પૂછપરછ કરી રહી છે. હાલ આ હત્યાનું કારણ અકબંધ છે.

સયાજીપાર્ક સોસાયટીનાં એક ઘરની અગાશીમાં સુતેલા માતા અને પુત્રીની અજાણ્યા શખ્શોએ હત્યા કરી
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના કતારગામમાં પણ આવી એક ઘટના બની હતી. સુરતમાં ઉદયનગરમાં કાલે મળસ્કે એકતરફી પ્રેમમાં પરિણીત યુવાનના ખૂની ખેલથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ધાબે સૂતેલી યુવતીના પેટમાં ચપ્પુનો ઉંડો ઘા મારતા તેના આંતરડા બહાર આવી ગયા હતા. તેની ચીસ સાંભળી જાગી ગયેલા તેના ભાઇને પણ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ચીસો સાંભળી નીચેથી દોડી આવેલા યુવતીના પિતા ઉપર પણ હુમલો કર્યો હતો. પરિવારજનોની ચીસાચીસ સાંભળી દોડી આવેલા લોકો લોહીથી લથપથ ધાબુ જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. જોકે, હુમલાખોર યુવાન ભાગે તે પહેલા પકડીને મેથીપાક આપીને પોલીસને હવાલે કરાયો હતો.