વડોદરા શહેરનાં ઉત્તરાયણમાં અનેક પક્ષી ઘાયલ થયા છે. જસ્ટ કોલ સેવ એનિમલ ટ્રસ્ટ દ્વારા 300થી વધુ પક્ષીને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ ઘાયલ પાક્ષીને સાજા થતા 8 થી 10 દિવસ લાગે છે.
Nidhi Dave, Vadodara: ઉત્તરાયણમાં લોકોએ ખૂબ જ હર્ષોઉલ્લાસથી પતંગ આકાશમાં ઊંચે ચડાવી અને મજા માણી લીધી. પરંતુ ઉતરાયણ અને એના પછીના દિવસોમાં અબોલા પશુ પક્ષીઓની હાલત કેટલી ખરાબ થતી હોય છે એ તમે વિચારી પણ ન શકો. જે પક્ષીઓ આકાશમાં ખુલ્લેઆમ મસ્તીથી ઉડતા હતા આજે એ જ પક્ષીઓ ઉડવાની હાલતમાં નથી.
જસ્ટ કોલ સેવ એનિમલ ટ્રસ્ટ દ્વારા હરિનગર ગોત્રી વિસ્તાર સ્થિત ઉતરાણ પહેલાથી જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ઉતરાયણ પછી પણ કાર્યરત છે. જેમાં 50થી વધુ સ્વયંસેવકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કેમ્પ ની અંદર ઓપરેશન થિયેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે તથા ઓપરેશન મશીન પણ વસાવવામાં આવ્યા છે.
ચાલુ વર્ષે 300થી વધુ પશુને બચાવ્યાં
જસ્ટ કોલ સેવ એનિમલ ટ્રસ્ટના સંચાલક વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી આ કેમ્પ કાર્યરત છે. અને અત્યાર સુધી 5 થી 6 હજાર જેટલા પશુ પક્ષીઓને બચવ્યા છે.
અમે ડિસેમ્બર મહિનાથી કાર્યરત હોઈએ છે. જેમાં આ વર્ષે અમે 300 થી વધુ પશુ પક્ષીઓને બચાવ્યા છે, જેમાં ખાસ કરીને કબૂતર, સમડી, બાજ, ટીટોડી, કોયલ, ખિસકોલી, કૂતરું, વગેરેનો સમાવેશ થાય છે.
પક્ષીને સાજા થતા 8 થી 10 દિવસ લાગે છે
આ કેમ્પમાં સર્જન ડોકટર ઉપલબ્ધ છે. જે તમામ પ્રકારની સારવાર કરવા માટે સક્ષમ છે. અમે પક્ષીઓને રેસ્ક્યુ પણ કરીએ અને સાથે સારવાર પણ પુરી પાડીએ છે.
એક પક્ષીને સારું થતા 8 થી 10 દિવસ જેટલો સમય લાગે. તથા જે પણ શહેરીજન પક્ષીઓને યોગ્ય સમયે અમારા સુધી પહોંચાડે છે અને સારવાર પૂરી કરાવે છે એમને અમે પક્ષી ઘર પણ ભેટ સ્વરૂપે આપીએ છીએ. અને સારવાર બાદ એમના હસ્તે જ પક્ષીઓને આકાશમાં મુક્ત રીતે છોડાવીએ છે.