વડોદરા: ચોમાસાની ઋતુ (Monsoon season)ની શરૂઆત સાથે જ વડોદરામાં મગરો (Crocodile) નદીમાંથી બહાર નીકળીને આંટાફેરા મારતા હોવાના સમાચારો માધ્યમોમાં ચમકતા રહે છે. હાલ મગરને લઈને વડોદરાનો એક વીડિયો વહેતો (Viral Video) થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ મગર સાથે વાતો કરી રહ્યો છે. આ વીડિયો વડોદરા જિલ્લાના કરજણ (Karjan)નો છે. જેમાં એક વ્યક્તિ મગર સાથે સંવાદ કરી રહ્યો છે અને એવું પણ કહે છે કે જો તને (મગરને) કોઈ કાંકરીચાળો કરશે તો તારો દીકરો તેને છોડશે નહીં. આ દરમિયાન વ્યક્તિ અનેક વખત મગરને સ્પર્શ પણ કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવી હરકત જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે, આ બનાવમાં મગર પાણીમાં જતો રહ્યો હતો.
તળાવમાં મગર સાથે વાત કરનાર વ્યક્તિનું નામ પંકજ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ મગરની પાસે ઊભા રહીને હાથ વડે મગરને સ્પર્શ કરે છે. આ વીડિયો જૂના બજાર વિસ્તારમાં આવેલા તળાવનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, યુવકને આવા કૃત્યથી બહાર ઊભેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોએ વ્યક્તિને આવું ન કરવાનું જણાવ્યું હતું અને ઉપર આવી જવા જણાવ્યું હતું.
વ્યક્તિએ મગરના મા ગણીને પંપાળ્યો હતો. બીજી તરફ હાજર લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે મગર સવારે તડકો ખાવા માટે પાણીમાંથી બહાર આવતા હોય છે. આ દરમિયાન પંકજ પટેલ નામનો વ્યક્તિ તેની પાસે પહોંચી ગયો હતો અને તેને નમન કર્યાં હતા. જે બાદમાં મગરના શરીર પર અનેક વખત હાથ ફેરવ્યો હતો. જોકે, સદનસિબે મગરે તેમના પર હુમલો કર્યો ન હતો અને તે પાણીમાં જતો રહ્યો હતો.
વીડિયોમાં પંકડ પટેલ નામનો વ્યક્તિ મગર સાથે સંવાદ કરી રહ્યો છે કે, "આ તો આપણી મા છે. એની કોઈ રક્ષા કરશે તો એની રક્ષા એ કરશે. તમને કોઇ કાંકરી મારે તો તમારો દીકરો જીવ આપી દેશે. કોઇએ કાંકરી કે પથ્થર માર્યો તો હું કોઈનો નહીં થાઉં. હું મારી માને જોડે લઇને પડીશ. એને કોઇ હેરાન કરશે તો એ હેરાન કરશે. કોઈ ઇંડા મૂકવા દેતા નહીં, એ ઇંડા મૂકવા માટે આવી હતી. જય મા ખોડલ." ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું કૃત્ય જીવલેણ સાબિત થઈ શકે છે. ન્યૂઝ18 ગુજરાતી લોકોને આવું ન કરવાની અપીલ કરે છે. આ વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી.