Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાની સૌથી મોટી રોયલ મોટરિંગ ઇવેન્ટમાંની એક 21 ગન સેલ્યુટ કોનકર્સ ડી'એલીગન્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના મહારાણી ચીમનાબાઈની રોલ્સ રોયસ કાર પ્રદર્શનાર્થે મુકાય છે. વર્ષ 1937ની ફેંટમ 3 રોલ્સ રોયસ કાર હાલમાં દિલ્હીના રહેવાસી આશિષ જૈન પાસે છે.
મહારાણીએ 20 વર્ષ કારનો ઉપયોગ વડોદરામાં કર્યો હતો
આશિષ જૈને જણાવ્યું હતું કે, વર્ષ 1937ની ફેંટમ 3 રોલ્સ રોયસ કારની બોડી લીમોસાઈન છે. જે મહારાણી ચીમનાબાઈએ વર્ષ 1937 માં ઇંગ્લેન્ડમાં ખરીદી હતી. પછી આ કારને ફ્રાન્સ મોકલવામાં આવી, જ્યાં કેલેન્ડરે કારનું બોડી મેકિંગ કર્યું. મહારાણીએ કોનકર્સ રેલીએ સમયે જીતી હતી.
ત્યારબાદ મહારાણીએ 20 વર્ષ આ ગાડીનો ઉપયોગ વડોદરામાં કર્યો હતો. પછી આ ગાડીને ફિલ્મ એક્ટર અશોકકુમારને ગિફ્ટ આપી દીધી હતી. ત્યારબાદ અશોક કુમારે આ ગાડીને દિલ્હી ખાતે બક્ષી સાહેબને ગિફ્ટ આપી. આ ગાડી બક્ષી સાહેબ પાસે છેલ્લા 50 વર્ષથી પડી હતી અને ફરી વખત રીસ્ટોર કરવાની કોઈએ હિંમત ન કરી.
12 સિલેન્ડર વાળી કાર છે
આશિષ જૈને જણાવ્યું હતું કે, 12 સિલેન્ડર વાળી કાર હોવાને લીધે ખૂબ અઘરું એન્જિન છે તથા ઘણા લોકોએ આમાં છેડખાની પણ કરેલી હતી. તેથી મેં હિંમત કરીને આ ગાડી બક્ષી સાહેબ પાસેથી લીધી અને આને રીસ્ટોર કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો. આજે ફરી વખત આ ગાડી વડોદરા પરત ફરી છે જેની ખૂબ ખુશી છે.
બાળપણથી ગાડીઓની વચ્ચે જ મોટા થયા
આશિષ જૈન બાળપણથી ગાડીઓની વચ્ચે જ મોટા થયેલા છે. એમના કાકા રાકેશ જૈન એશિયાના સૌથી મોટા મોટર સાયકલ કલેક્ટર છે. એમની પાસે લગભગ 400 જેટલી મોટરસાયકલ છે અને એક સમયે 20 જેટલી ગાડી હતી.