વડોદરામાં પહેલી વખત એમજી રોડના મહાકાળી માતાજીને અષ્ટમી તિથીએ પંજુર્લી અવતારનો શણગાર કરવામાં આવ્યો છે. નવમીના રોજ માતાજીનો હવન થશે. મંદિરના પુજારીને કાંતારા ફિલ્મ જોયા બાદ માતાજીને પંજુર્લી શણગાર કરવાનો વિચાર આવ્યો હતો.
Nidhi Dave, Vadodara: આજે મહા અષ્ટમીના પર્વ નિમિત્તે શહેરના દરેક માતાજીના મંદિરોમાં ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. અને આજના દિવસનું મહત્વ એ છે કે, દેવી ભગવતીએ આજના દિવસે મહિષાસુરનો વધ કરીને પૃથ્વીને દુરાચારીથી મુક્ત કરી હતી. ઘડિયાળી પોળના શ્રી અંબા માતા મંદિર જે વડોદરાની એક પ્રાચીન ઓળખ છે, ત્યાં ભક્તોની સવારથી ભારે ભીડ જોવા મળી હતી.
આજના દિવસે માતાજીને ધ્વજ સ્તંભ અર્પણ કરવાનું ખાસ મહત્વ હોય છે. કારણ કે આજે દેવીએ મહિષાસુરનો વધ કરીને પોતાની જીતનું પ્રતીક પૃથ્વી પર સ્થાપિત કર્યું હતું.
અષ્ટમી નિમિત્તે ભક્તો દેવીને ધ્વજ સ્તંભ અર્પણ કરતા હોય છે. બીજી ખાસ મહત્વની વાત એ છે કે વર્ષમાં માતાજીને ત્રણ વખત દિવ્ય ચક્ષુ એટલે હીરાના નેત્ર અર્પણ કરવામાં આવતા હોય છે.
બીજી ખાસ મહત્વની વાત એ છે કે, દક્ષિણ ભારતીય ફિલ્મ ‘કાંતારા’માં બતાવવામાં આવેલા ‘પંજુર્લી’ અવતારની થીમ પર વડોદરામાં પહેલી વખત એમ જી રોડના મહાકાળી માતાજીને અષ્ટમી તિથિએ પંજુર્લી અવતારનો શણગાર કરવામાં આવ્યો છે. નવમીના રોજ માતાજીનો હવન થશે.
મંદિરના પુજારીએ કાંતારા ફિલ્મ જોયા બાદ માતાજીને પંજુર્લી શણગાર કરવાનો વિચાર આવ્યો હતો. એમજી રોડ પર આવેલા મહાકાળી માતાજી મંદિરના પુજારી હેમંત મહારાજે જણાવ્યું હતું કે, મહાકાળી માતાજીને અષ્ટમીના રોજ પંજુર્લી અવતારના શણગારમાં ચાંદીના મુખોટા પર સિંદુર લગાવાયું છે.
હાથમાં હથિયારની જગ્યાએ મોરના પીછા છે. દક્ષિણમાં પંજુર્લી દેવતાને કેળના રેસાના વસ્ત્ર બનાવી પહેરાવવામાં આવે છે. દક્ષિણમાં વરાહ અવતારને જંગલી અને ખેતરોના રક્ષણ દેવ તરીકે પૂજાય છે. કર્ણાટકમાં હાલ પંજુર્લી દેવી - દેવતાઓનું પૂજન થાય છે અને ત્યાં ભુતાકોલા ( ભવાઈ ) પણ યોજાય છે.