Home /News /madhya-gujarat /

ગાયમાતા આધારિત પ્રાકૃતિક ખેતી: ગૌમૂત્રમાંથી બનાવેલું પ્રવાહી જીવામૃત અને ખાટી છાશ કપાસ માટે સંજીવની

ગાયમાતા આધારિત પ્રાકૃતિક ખેતી: ગૌમૂત્રમાંથી બનાવેલું પ્રવાહી જીવામૃત અને ખાટી છાશ કપાસ માટે સંજીવની

સરકાર તરફથી એક ગાય માટે વાર્ષિક રૂ. 10,800 નિભાવ ખર્ચ આપવામાં આવે છે.

પાદરા તાલુકાના રાજૂપુરા (Rajupura) ગામના ગૌમાતા આધારિત પ્રાકૃતિક ખેતી કરતા જયેન્દ્રભાઈ પટેલના ખેતરના કપાસને આ બીમારી અડકી શકી ન હતી અને તેમનો પાક સલામત રહ્યો હતો.

   વડોદરા: ગયા વર્ષે કરજણ (Karjan) અને પાદરા (Padra) તાલુકા સહિતના વિસ્તારોના ખેડૂતો કપાસના પાકમાં એક વિચિત્ર બીમારીથી મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. તેમના લીલાછમ કપાસના પાન એકાએક ફાટીને ખાટી ભિંડીના પાન જેવા થઈ ગયા હતા અને ઘણા ખેડૂતોને કપાસ કાઢી નાંખવો પડ્યો હતો. તેવા સમયે પાદરા તાલુકાના રાજૂપુરા (Rajupura) ગામના ગૌમાતા આધારિત પ્રાકૃતિક ખેતી કરતા જયેન્દ્રભાઈ પટેલના ખેતરના કપાસને આ બીમારી અડકી શકી ન હતી અને તેમનો પાક સલામત રહ્યો હતો. તેમનું કહેવું છે કે ગૌમૂત્રમાંથી બનાવેલા પ્રવાહી જીવામૃત અને ખાટી છાશે મારા કપાસ માટે સંજીવનીનું કામ કર્યું.

  15 વિંઘાના આસામી જયેન્દ્રભાઈને જ્યારે ખેતીનો વારસો મળ્યો. ત્યારે મોટેભાગે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની મદદથી ખર્ચાળ ખેતી થતી હતી. મોંઘા તત્વોને લીધે મળતર ઘટતું હતું અને જમીન કસ વગરની બની રહી હતી. તેમને ખેડૂત કલ્યાણ સંસ્થા આત્મા પાસેથી સાત્વિક અને ઓછા ખર્ચ વાળી પહેલા સેન્દ્રીય અને પછી સંપૂર્ણ પણે ગૌ દ્રવ્યો પર આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ મળ્યો. તેમણે સુભાષ પાલેકર દ્વારા પ્રચલિત કરવામાં આવેલી પ્રાકૃતિક ખેતીની તાલીમ માલસરની શિબિરમાં લીધી અને ખેડૂત તરીકેની કોઠાસૂઝથી ગાયના ગોબર, મૂત્ર, ગાયના દૂધની ખાટી છાશ અને શેઢા પાળેથી મફત મળતી આંકડા જેવી કડવી પણ ગુણકારી વનસ્પતિઓની મદદથી પ્રવાહી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી, ખર્ચાળ રાસાયણિક ખાતરો અને મોંઘી તથા ઝેરી જંતુનાશક દવાઓના વિકલ્પે તેનો ઉપયોગ કરીને નજીવા ખર્ચવાળી ખેતી શરૂ કરી અને સારું પરિણામ મેળવ્યું છે. આજે તેઓ પ્રાકૃતિક ખેતીના પ્રખર પ્રચારક બની ગયા છે અને અન્ય ખેડૂતોને આ ખેતી અપનાવવાનું માર્ગદર્શન આપે છે.

  પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં ધીરજ રાખો...

  તેઓ કહે છે કે, ઉતાવળે આંબા ન પાકે તેમ પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં ધીરજ રાખવી પડે. તેનું કારણ આ ખેતી ખામીવાળી છે. એવું નથી પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ વપરાશથી નબળી અને કશહિન બની ગયેલી જમીન છે એમ તેમનું કહેવું છે. ગાયના છાણ અને ગોબર તેમજ ગાયના દૂધની ખાટી છાશની મદદથી બનતા ઘન અને પ્રવાહી જીવામૃતના ઉપયોગથી બે ત્રણ વર્ષમાં જમીન પોંચી છીદ્રાળું અને કસદાર બને છે, જમીનમાં સારા બેક્ટેરિયા અને અળસિયા વધે છે અને તે પછી નહિવત ખર્ચે સવાયું ઉત્પાદન મળે છે.  આ પણ વાંચો: આ છે જામનગરમાં મળતા દુનિયાના સૌથી મોંઘા પેંડા, ભાવ સાંભળીને કહેશો ના હોઈ !!!

  તેઓ કહે છે કે, મારી પાસે ત્રણ ગાય અને બે વાછરડી છે જેના છાણ અને ગૌમુત્રથી હું 15 વિંઘાના પાકોને આપું તો પણ વધે એટલું જીવામૃત થાય છે. હું મારી જરૂરિયાત કરતા વધારાનું છાણ અને ગૌ મૂત્ર અન્ય ખેડૂત મિત્રોને આપુ છું અને તેમને આ ખર્ચ વગરની, સાત્વિક અને તંદુરસ્ત ખેતી તરફ વાળવા પ્રયત્ન કરું છું.

  આડકતરો ફાયદો થયો..

  કપાસના પાકમાં ગૌમૂત્ર અને ખાટી છાશના દ્રાવણના છંટકાવથી સફેદ માખી, લીલી પોપટી, પાનમાં કથીરીયા, ગેરૂઆ જેવી જીવાતોનો ઉપદ્રવ લગભગ ઘટી ગયો. તેની સાથે મોટો અને આડકતરો ફાયદો એ થયો કે તેની ગંધથી ખૂબ નુકશાન કરનારા ભૂંડ આવતા અટકી ગયા. આ ગંધથી ફૂદાં આવતા નથી એટલે ઈયળ પણ થતી નથી.  આ પણ વાંચો: છેલ્લા 58 વર્ષથી સૌરાષ્ટ્રના આ બાલા હનુમાન ખાતે ચાલતી અખંડ રામધૂનને થયા ‘21000 દિવસ’

  નવા પ્રયોગો...

  તેઓ પ્રાકૃતિક ખેતીથી જીવાતમુક્ત કપાસ, મગ, ઘઉં, રીંગણનો પાક લે છે. હાલમાં બ્રોકોલી પણ વાવી છે. તેમણે આ ક્ષેત્રના કર્મશીલ ભરતભાઈ પરસાણાને અનુસરીને મગ અને ઘઉંમાં પોષણ વધારવા પ્રમાણસર ગાયનું દૂધ, કાળો ગોળ અને પાણીનું દ્રાવણ છાંટ્યું તો ફૂલ વધ્યા અને છોડ તંદુરસ્ત થયો. ખાટી છાશ, હિંગનું પાણી અને ગૌમૂત્રના દ્રાવણના છંટકાવથી જીવાતમુક્ત રીંગણનો પાક ઉતર્યો. તેઓ કહે છે કે, મારે ખેતી માટે બહાર થી કશું લાવવું પડતું નથી અને હું આત્મ નિર્ભર બન્યો છું.

  રાજ્ય સરકારની યોજનાઓ ખૂબ સારી છે...

  તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ગૌ પાલન અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવા જે યોજનાઓ અમલમાં મૂકી છે તે ખૂબ સારી છે. ગાય ઊછેરને પ્રોત્સાહિત કરતી યોજના હેઠળ માસિક રૂ. 900 પ્રમાણે એક ગાય માટે વાર્ષિક રૂ. 10,800 નિભાવ ખર્ચ આપવામાં આવે છે. અન્ય યોજનાઓ પણ છે જેનો લાભ લેવો જોઈએ. તેઓ કૃષિ સભાઓમાં પોતાની ખેતી અને પ્રયોગોનું માર્ગદર્શન આપે છે. સરકારે તેમને પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે સિક્કિમ મોકલ્યા હતા.

  આ પણ વાંચો: ચાલું વાહને ઝોકું આવશે તો ઉઠાડી દેશે સુરતના યુવાને બનાવેલા 'અદભૂત' ચશ્મા, જુઓ Video

  પ્રાકૃતિક ખેતી અંગે તેઓ કહે છે કે, ધીરજના ફળ મીઠાં એ કહેવત આ ખેતીને લાગુ પડે છે. આત્મા અને અન્ય સંસ્થાઓનું માર્ગદર્શન લઈ, સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ અને ગાયને પાળી, સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ લઇ આ ખેતી કરનારાને નિરાશ નહિ થવું પડે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन