વર્ષભરમાં આવતી દરેક પૂર્ણિમાનું મહત્વ અલગ અલગ હોય છે. પરંતુ શરદ પૂર્ણિમા બાકી બધાથી બહુ ખાસ હોય છે. શાસ્ત્રો મુજબ આ દિવસ સામાન્ય લોકો માટે લાભકારી અને ગુણકારી હોય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવતના આસો સુદ પુનમને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક સુંદર ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. એવી માન્યતા છે કે, શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રમાના કિરણોથી અમૃત વર્ષા થાય છે. આ વર્ષે શરદ પૂર્ણિમાની તિથિ અને તેનું મહત્વ શું છે તે શાસ્ત્રીજી નયનભાઈ જોશી પાસેથી વિગતવાર જાણીએ.
શરદ પૂર્ણિમાનું મહત્વ - શરદ પૂર્ણિમાનો રાસ પૂર્ણિમા, કોજાગિરી પૂર્ણિમા અથવા કૌમુદી વ્રત પણ કહેવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ચંદ્રમા પોતાની તમામ 16 કળાઓથી પરિપૂર્ણ થાય છે અને પૃથ્વી પર અમૃતની વર્ષા કરે છે. આ રાતે ચંદ્રમાની કિરણો પવિત્ર અમૃત સમાન થઈ જાય છે. ચાંદાના ચમકતા કિરણો જ્યારે વૃક્ષો અને ધરતીના એક એક કણ પર પડે છે ત્યારે તેમાં પણ શુભતાનો સંચાર થઈ જાય છે.
શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજા - શરદ પૂર્ણિમાની તિથિની સાથે લક્ષ્મી પૂજા સાથે જોડાયેલી માન્યતા પણ છે. એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાતે માતા લક્ષ્મી સ્વર્ગલોકથી પૃથ્વી પર આવે છે. તેઓ ઘરે ઘરે જઈ સૌને વરદાન આપે છે પરંતુ જો લોકો દરવાજા બંધ કરીને ઊંઘે છે, તો તેમના દ્વારથી તેઓ પાછા ફરી જાય છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરતા વ્યક્તિને વ્યાજમાંથી મૂક્તિ મળે છે.
શરદ પૂર્ણિમાનો ખીર સાથે સંબંધ - શરદ પૂર્ણિમાની સાંજે ખીર બનાવવાની પરંપરા છે. ખીર તૈયાર કરી ખુલ્લા આકાશ નીચે રાખી દેવામાં આવે છે અને લોકોની આસ્થા છે કે રાતે ચંદ્રમાથી વરસતા અમૃત ખીરને પણ પાવન કરી દે છે. માન્યતા છે કે આ ખીરના સેવનથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે અને તેનું આયુષ્ય લાંબુ થઈ જાય છે. આ પ્રસાદ સ્વાસ્થ્યની સાથે માનસિક રૂપે પણ મજબૂતી આપે છે.