વડોદરા: છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલ સોખડા હરિધામની (Sokhada Haridham) હિંસાના મામલે પાંચ સંતો સહીત સેવકો એ પોલીસ મથકે હાજર થઇ શરણાગતિ સ્વીકારી હતી. સેવકને માર મારવાના મામલે વિવાદ વધતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી અને ફરિયાદના 24 કલાકમાં જ સંતો અને સેવકો તાલુકા પોલીસ મથકે હાજર થઇ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
હરિધામ સોખડાના સંતોનો વિવાદ વકર્યો છે. હવે હરિધામના સંતોને પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો છે. પાંચ સંતો અને બે સેવકો સામે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી અને સાડા ત્રણ કલાક બાદ પોલીસ સ્ટેશનથી જામીન પર મુક્ત કર્યા હતા. જો કે પોલીસ દ્વારા સંતોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આરોપી સંતો પોતાની ખાનગી કારમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આમ તો ફરિયાદ બાદ આરોપીઓને પોલીસની ગાડીમાં લાવવામાં આવતા હોય છે, પરંતુ હરિધામ મંદિર ચકચારી હિંસાના બનાવોમાં ખાનગી કારમાં પહોંચતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
પૂજ્ય હરિપ્રસાદ સ્વામી દેવલોક પામ્યા, તે પછી મંદિરની ગાદી કોને શોપાસે તેને લઈને સંતોમાં જૂથ પડી ગયા છે. જેમાં હરિધામ સોખડા મંદિરમાં સેવક અનુજ ચૌહાણને સંતો દ્વારા એકઠા થઈને મારવાનો વિડીયો વાયરલ થયા બાદ વાત વણસી હતી. તમારા નહીં કરવા બાબતે અનુજ ચૌહાણ અડગ છે. તદુપરાંત અનુજ ને સાથે લઈ સોખડા મંદિરમાં જે સ્થળે ઘટના બની હતી, ત્યાં પોલીસે પંચનામું કર્યું હતું.
હરિધામ સોખડા મંદિર કેસના સાત આરોપીઓ જેવા કે, પ્રભુપ્રિયદાસ ગુરુ હરિપ્રસાદ દાસજી, સાધુ હરીસ્વમરણ દાસ ગુરુ હરિ પ્રસાદ દાસજી, સાધુ ભક્તિવલ્લભદાસ ગુરુ હરિ પ્રસાદ દાસજી, સાધુ સ્વામી સ્વરૂપદાસ ગુરુ હરિ પ્રસાદ દાસજી, સાધુ વિરલજીવનદાસ ગુરુ હરિ પ્રસાદ દાસજી, પ્રણવ કુમાર હસમુખભાઈ પટેલ અને મનહર ઉર્ફે મહેન્દ્ર સોમાભાઈ પટેલ વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગુનાના કામે સાત જણની પૂછપરછ કરી હતી. આ મામલે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.