Home /News /madhya-gujarat /પ્રેરણારૂપ કિસ્સો: પિતાની દસમાની વિધિ બાદ નેશનલ ગેમ્સમાં રમવા રવાનો થયો 10 વર્ષીય શૌર્ય
પ્રેરણારૂપ કિસ્સો: પિતાની દસમાની વિધિ બાદ નેશનલ ગેમ્સમાં રમવા રવાનો થયો 10 વર્ષીય શૌર્ય
10 વર્ષીય રમતવીર શૌર્યએ હિંમત ન હારીને એક પ્રેરણારૂપ પગલું ભર્યું છે.
મારા પિતા મારી સાથે નથી પરંતુ એમના આશીર્વાદ અને એમને જે મને શીખવાડ્યું છે એની સાથે હું આગળ વધીશ અને માતા-પિતાનું નામ રોશન કરીશ: શૌર્યની હિમ્મત અને જુસ્સાને સલામ
અંકિત ઘોનસિકર, વડોદરા: ગુજરાતનો સૌથી યુવા ખેલાડી શૌર્ય આજે પિતાની દસમાની વિધિ પતાવી નેશનલ ગેમ્સના બીજા રાઉન્ડમાં ભાગ લેવા રવાના થયો છે. 10 વર્ષીય રમતવીર શૌર્યએ હિંમત ન હારીને એક પ્રેરણારૂપ પગલું ભર્યું છે.
શૌર્યના પરિવારે બતાવ્યો જુસ્સો
સપ્તાહ પહેલાં પિતાનું અવસાન છતાં શૌર્યએ મલખમમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી નેશનલ ગેમ્સના બીજા રાઉન્ડમાં ભાગ લેવા રવાના થયો છે. આજે પિતાની દસમાની પૂજાવિધિ સવારે પતાવી શૌર્ય નેશનલ ગેમ્સ માટે તૈયાર થયો હતો. ઘરમાં ખૂબ જ તણાવયુક્ત વાતવરણમાં હોવા છતાં ઘરના લોકોએ શૌર્યને પ્રોત્સાહન આપ્યું હતું. શૌર્યના પરિવારે જુસ્સો બતાવ્યો અને એની મોટી બહેને પણ નાના ભાઈનો સાથ આપી એને નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટેના આશીર્વાદ આપ્યા હતા.
આવો જુસ્સો ભાગ્યે જ જોવા મળતો હોય છે. જેને જોઈને તમે પણ અચંબિત થઈ જશો. જે હજી બાળક છે, 10 વર્ષનો જ છે, જેનામાં હજી પૂરતી સમજણ શક્તિ નથી, એવો શૌર્યએ જણાવ્યું કે, હું પિતાનું સ્વપ્ન પૂરું કરવા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈશ અને ગોલ્ડ મેડલ સાથે જ પરત ફરીશ. મારા પિતા મારી સાથે નથી પરંતુ એમના આશીર્વાદ અને એમને જે મને શીખવાડ્યું છે એની સાથે હું આગળ વધીશ અને માતા-પિતાનું નામ રોશન કરીશ.
10 વર્ષનો શૌર્યજીત ગુજરાતમાંથી મલખમનો સૌથી યુવા ખેલાડી છે. જેના પિતા રણજીતસિંહનું હૃદયરોગના કારણે અવસાન થયું અને માતા સુનિતા ખૈરે પોતાના બાળકને આશીર્વાદ સાથે રવાના કર્યો. જે સ્વપ્ન પિતાએ જોયું હતું કે, એનો શૌર્ય જીતશે, એ ક્ષણ પિતા નિહાળી શક્ય નહીં જેનું દુઃખ પરિવારે વ્યક્ત કર્યું હતું.