વડોદરા શહેરના ભૂતળી ઝાપા વિસ્તારમાં વર્ષોથી ભરાતું શુક્રવારી બજાર
વડોદરામાં આવેલી શુક્રવારી બજરામાં નાની સોઈથી લઈને મોટા સોફા સુધીની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળી રહે છે. અહીં જવેલરી, કપડાં, ચપ્પલ, સોફા, ટીવી, ફર્નિચર, સહિતની વસ્તુઓ સસ્તા ભાવે મળે છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના ભૂતળી ઝાપા વિસ્તારમાં વર્ષોથી ભરાતું શુક્રવારી બજાર, જ્યાં તમામ પ્રકારની વસ્તુઓ સારી અને સસ્તા ભાવમાં મળતી હોય છે. આ બજાર ફક્ત શુક્રવારે જ ભરાય છે એ પણ સવારથી લઈ સાંજના છ વાગ્યા સુધી. આ બજાર તમામ વર્ગના લોકોને પરવળે એવું આ બજાર છે. જ્યાં વડોદરા સહિત આજુબાજુના ગામડાઓમાં થી પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે.
આ શુક્રવારી બજારમાં નાના નાના 300 જેટલા વેપારીઓને રોજગારી મળી રહે છે. ગામડાઓમાંથી પણ વેપારીઓ ખાસ શુક્રવારે આ બજારમાં આવીને વેપાર કરતા હોય છે.
આ બજારમાં નાની સોયથી લઈને મોટા સોફા સુધીની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળી રહે છે. અહીં જવેલરી, કપડાં, ચપ્પલ, સોફા, ટીવી, ફર્નિચર,
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઘર વખરી ના સાધનો, એન્ટિક વસ્તુઓ, વગેરે આ બજારમાં મળી રહે છે.
હવે તો મોલનો જમાનો આવી ગયો છે, પરંતુ દરેક લોકોને મોલની વસ્તુઓ પરવળે નહિ. તેથી લોકો આ બજારમાં આવતા હોય છે.
જ્યાં મોલ જેવી વસ્તુઓ સસ્તા ભાવમાં મળી રહે છે. જે ચપ્પલ દુકાનોમાં 500 રૂપિયાની એક જોડીના ભાવે મળતા હોય છે, એ અહીં 150 રૂપિયામાં બે જોડી ચપ્પલ મળી રહે છે.
જો કાપડની વાત કરીએ તો દુકાનમાં 200-300 રૂપિયા મીટર મળતા કાપડ અહીં ફક્ત 50 થી 100 રૂપિયામાં મળી રહે છે. તથા બેલ્ટનો ભાવ દુકાનમાં 250 રૂપિયાનો, જ્યારે આ બજારમાં 100 રૂપિયા, કાચના ગ્લાસ જે દુકાનમાં એક નંગના 50થી 100 રૂપિયાના હોય છે, જ્યારે અહીં ફક્ત 20 રૂપિયામાં જ મળે છે. આવી ઘણી વસ્તુઓ તમને સસ્તી અને સારી મળી રહેશે.