વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડસ્ દ્વારા કાલાઘોડા બ્રિજ પાસે આવેલા યવતેશ્વર ઘાટ ખાતે સ્ટ્રીટ લાઈફ વિષય ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 36 ફોટોગ્રાફર્સના ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલાનગરી તરીકે જાણીતી છે. જ્યાં અવારનવાર અલગ અલગ થીમ પર પ્રદર્શન આયોજિત થતા હોય છે. જેમાં વડોદરા આર્ટિસ્ટ પરિવાર અને વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડસ્ દ્વારા કાલાઘોડા બ્રિજ પાસે આવેલા યવતેશ્વર ઘાટ ખાતે સ્ટ્રીટ લાઈફ વિષય ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 36 ફોટોગ્રાફર્સના ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
જે વિશે ફોટોગ્રાફર પુલકિત દવે એ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 6 વર્ષથી શહેરમાં કલાકારો માટે અલાયદી આર્ટ ગેલેરી બનાવવા માટે કોર્પોરેશન સામે લડી રહ્યા છે.
અનેક આવેદન પત્રો અને આંદોલનો બાદ પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. વડોદરા સમગ્ર વિશ્વમાં કલા નગરી તરીકે પ્રખ્યાત છે.
પરંતુ તેમ છતાં અહીંના કલાકારો એક આર્ટ ગેલેરી માટે વલખા મારી રહ્યા છે.
અમારી પાસે પોતાની કલા પ્રદર્શિત કરવા માટે કોઈ યોગ્ય મંચ ન હોવાથી અમારે યવતેશ્વર ઘાટની ઐતિહાસિક પરંતુ જર્જરિત દીવાલ પર અમારા ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવા પડ્યા છે.
આ તમામ તસ્વીરોમાં વડોદરાની ભવ્ય ઈમારતથી નાની ગલીઓ અને ફુટપાથ પર જીવાતી જીંદગીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.
તે સિવાય મટકી ફોડ તેમજ અન્ય તહેવારની ઉજવણીનો રંગ, કોવિડ અને ત્યાર પછીની જીવન શૈલીનો ચિતાર પણ આ તસવીરોમાં જોવા મળે છે.