Home /News /madhya-gujarat /Vadodara: આ ખેડૂતેને બાગાયતી ખેતીએ કર્યા માલામાલ, સમાજ માટે કરે છે આવી સેવા

Vadodara: આ ખેડૂતેને બાગાયતી ખેતીએ કર્યા માલામાલ, સમાજ માટે કરે છે આવી સેવા

X
અરવિંદભાઈ

અરવિંદભાઈ મંગળભાઈ પટેલ, જેઓ સામાજિક કાર્ય પણ કરી રહ્યા છે.

ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ અરવિંદભાઈ પોતાના ખેતી કામમાં કરી રહ્યા છે. જેનાથી પાકને માપનું પાણી સમયે સમયે મળી રહે અને વૃદ્ધિ પણ ઘણી સારી થાય. તદુપરાંત ગુણવત્તા વાળા પાકનો ઉછેર થવાથી આવકમાં પણ વધારો થાય છે.

  Nidhi Dave, Vadodara: ભારત એક ખેતીપ્રધાન દેશ છે. જેમાં પહેલા લોકોનો મુખ્ય વ્યવસાય જ ખેતી હતો. પરંતુ હવે ધીરે ધીરે સમય બદલાતા ખેતી પરથી બીજા વ્યવસાય તરફ ખેડૂતો વળવા લાગ્યા છે. પરંતુ અહીં આપણે વાત કરીશું એવા ખેડૂતની કે જેમણે શરૂઆત ખેતીથી કરી હતી અને અત્યારે એમનો પોતાનો પેટ્રોલ પંપ અને હોટલનો વ્યવસાય ખૂબ જ સરસ ચાલી રહ્યો છે.

  વડોદરા નજીક આવેલા ભાયલી ગામના ખેડૂત 60 વર્ષીય અરવિંદ પટેલ કે જ્યારે તેઓ ફક્ત 10 વર્ષના જ હતા. ત્યારથી ખેતી કરતા આવ્યા છે. પિતા પાસેથી ખેતી શીખીને પોતાના ખેતરમાં તમાકુ, કપાસ, ડાંગર, ઘઉંની ખેતી કરતા. અત્યારના સમયમાં મજૂરોની તકલીફ પડવાને કારણે ડાંગર અને ઘઉંની ખેતીની સાથે બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં સરગવો, લીંબુ, અને નીલગીરીની ખેતી કરી રહ્યા છે.  32 વીઘામાં સરગવાનું વાવેતર

  અરવિંદભાઈ પાસે 32 વીઘા જમીન છે,જેમાં અત્યારે સરગવાનું વાવેતર કર્યું છે. વડોદરા જિલ્લામાં કોઈએ ખેતીમાં નહીં અપનાવેલી હોય એવી પદ્ધતિનો ઉપયોગ અરવિંદભાઈ કરી રહ્યા છે. ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ અરવિંદભાઈ પોતાના ખેતી કામમાં કરી રહ્યા છે. જેનાથી પાકને માપનું પાણી સમયે સમયે મળી રહે અને વૃદ્ધિ પણ ઘણી સારી થાય. તદુપરાંત ગુણવત્તા વાળા પાકનો ઉછેર થવાથી આવકમાં પણ વધારો થાય છે.  5 વસ્તુમાંથી જાતે ખાતર બનાવે છે

  અરવિંદભાઈ પોતાના પાક માટે જાતે જ ખાતર બનાવે છે. જેમાં ખાસ કરીને ખાતર બનાવવા માટે આંકડો, લીમડો, આંબાના પાન જેવી પાંચ છ વસ્તુઓ ભેગી કરી અને મિક્સ કરી દેવામાં આવે છે. એમાં થોડું પાણી નાખી કોહડાવામાં આવે છે. બધું કોહવાઈ જાય પછી ધીમે ધીમે કાઢી એને લિક્વિડ જેવું રાખીને પાણી સાથે છોડે છે. જેના લીધે ખેતીમાં વૃદ્ધિ સારી થાય છે. બહારથી લાવેલા ખાતરનો કોઈપણ પ્રકાર ઉપયોગ કરતા નથી. ફક્ત છાણ્યું ખાતર જ ઉપયોગમાં લે છે.  પેટ્રોલ પંપ વસાવ્યો અને 100 રૂમની હોટલ બનાવી

  અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, પહેલા અમે ખેતી ઉપર જ નિર્ભર હતા અને ગુજરાન ચાલતું હતું. પહેલા પાણીની મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ હવે નર્મદા કેનાલનું પાણી મળવાથી અને કુવાના પાણીની સપાટીમાં વધારો નોંધાયા બાદ ખેતી સારી થઈ રહી છે અને અમે ધીરે ધીરે આર્થિક રીતે સધ્ધર બનતા ગયા. જેથી હવે અમે ખેતીની સાથે સાથે ભાયલી ગામની નજીક મારી જ જમીન ઉપર પેટ્રોલ પંપ વસાવ્યો, 100 રૂમની હોટલ બનાવી અને એક પાર્ટી પ્લોટ પણ છે. અને ખેતરમાં જ મોટું મકાન બનાવીને અમે ત્યાં રહીએ છીએ.  સેવાઃ 55થી વધુ દીકરીના લગ્ન કરાવ્યા

  અરવિંદભાઈ મંગળભાઈ પટેલ, જેઓ સામાજિક કાર્ય પણ કરી રહ્યા છે. અરવિંદભાઈએ જણાવ્યું કે, ભગવાને જે પણ કંઈ આપ્યું છે એનો સદુપયોગ કરી રહ્યો છું. છેલ્લા સાત આઠ વર્ષથી હું વાંકળ સેવા કેન્દ્રમાં જોડાયો છું. વાંકળ સામાજિક પ્રગતિ મંડળનો હું પ્રમુખ છું. એ મંડળ થકી અમે આજુબાજુના ગામમાં જે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો હોય એમની દીકરીઓને પરણાવીએ છીએ. અત્યાર સુધી મેં 55 થી 60 દીકરીઓને પરણાવી છે. આવનારા ફેબ્રુઆરી માસમાં હું 50 જેટલી દીકરીઓને પરણાવા જઈ રહ્યો છું.

  આના સિવાય પણ બીજા ઘણા કાર્ય કરી રહ્યા છે જેમ કે, ગરીબ બાળકોને ચોપડા આપવા, તેમની શિક્ષણ ફી ભરવી, ગણવેશ અને દફતર સહિત આખા વર્ષનું સ્ટેશનરીની વસ્તુઓ આપે છે. તથા કોરોનાકાળમાં એક વર્ષ સુધી 200 થી 300 લોકોને રોજે ભોજન કરાવતા અને જે લોકો ઘરની બહાર નીકળવા તૈયાર નહોતા તો એવા લોકો માટે ભોજનની કીટ બનાવીને ઘર સુધી પહોંચાડતા હતા.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Farmer in Gujarat, Local 18, Organic farming, Vadodara

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन