Home /News /madhya-gujarat /

Vadodara: 2017માં ચાર લાખની મૂડીથી સ્ટાર્ટઅપ કર્યું હતું આજે વાર્ષીક પાંચ કરોડનું ટર્નઓવર છે આ ધંધામાં

Vadodara: 2017માં ચાર લાખની મૂડીથી સ્ટાર્ટઅપ કર્યું હતું આજે વાર્ષીક પાંચ કરોડનું ટર્નઓવર છે આ ધંધામાં

શાર્ક

શાર્ક ટેન્ક શો માંથી 5 લાખ અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ મેળવ્યું...

vadodara news: વડોદરા શહેરના યુવા ઉદ્યોગ (Young Entrepreneur) સાહસિકે એક નવા જ પ્રકારની શોધ કરેલ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને (save environment) બચાવવાનો છે.

  Vadodara: વડોદરા શહેરના યુવા ઉદ્યોગ સાહસિકે (Young Entrepreneur) એક નવા જ પ્રકારની શોધ કરેલ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને (environment) બચાવવાનો છે. તેથી તેમણે પ્લાસ્ટિકનો (Plastic) વધુ ઉપયોગ ન થાય એ ધ્યાનમાં રાખીને ખાઈ શકાય તેવી ચમચી, સ્ટ્રો અને ફોર્ક સહિતની વસ્તુઓનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. 27 વર્ષીય સંશોધક કૃવિલ પટેલે જણાવ્યું કે, તેઓ ભણતા હતા ત્યારથી તેમને આ પ્રકારનું કંઈક અલગ કરવાની ઈચ્છા હતી.

  એમ તો તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે તથા તેમને બાઈક અને કારનો ખૂબ જ શોખ હોવાથી એક શોરૂમ ખોલવાની ઘણી ઈચ્છા હતી, પરંતુ છેવટે તેમણે ખાઈ શકાય એવી ચમચી સહિતની વસ્તુઓ બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો.

  શરૂઆતમાં રોકાણના અભાવે 2017 માં 4 લાખ રૂપિયાની મૂડીથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જે આજે વાર્ષિક 5 કરોડના ટર્નઓવર સુધી પહોંચ્યું છે. યુકે અને યુ.એસ.એ. સહિત 32 દેશમાં આ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. જોકે દુ:ખની વાત એ છે કે, આપણા દેશમાં જ આ પ્રોડક્ટને લઇને જાગૃતતા નથી. કૃવિલ પટેલની ઈચ્છા છે કે, ભારતના ખૂણેખૂણામાં આ પ્રોડક્ટ પહોંચાડવી છે.

  કૃવિલ પટેલે આ પ્રોડક્ટ્સને સોશિયલ મીડિયા થકી પ્રમોટ કરી હતી. જેમાં વિદેશથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને ઓર્ડર મળવા લાગ્યા. આ ઓડર્સને પુરા કરવા માટે સરકારની સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમનો લાભ લઈ, માતા મિનાક્ષીબેન સાથે મળીને "ત્રિશુલા ઇન્ડિયા" સ્ટાર્ટઅપ આગળ વધાર્યું. હાલમાં "ઇટ મી" નામથી દુનિયાભરમાં પ્રચલિત કરી રહ્યા છે.

  હવે વાત કરીએ ખાઈ શકાય એવી ચમચીની....

  તમે જમ્યા પછી ચમચી, સ્ટ્રો, ફોર્ક ખાઇ શકો છો. જો તમે કચરામાં ફેંકી દો, તો કીડી, મકોડા સહિતના જીવ તેને ખાઇ જશે અને ફેંકવી ન હોય તો તમે એને ક્રશ કરીને ખાતરના રૂપમાં પણ પરિવર્તિત કરી શકો છો. આમ, આ પ્રોડક્ટ ટોટલી ઇકો ફ્રેન્ડલી છે. તથા જો જમીન પર પડી હશે તો એ જમીનની સાથે ભળી જશે. આ તમામ વસ્તુઓનો બન્યા બાદ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકાશે. તથા આની કિંમત 3 રૂપિયા થી લઈને 12 રૂપિયા સુધીની રાખવામાં આવેલ છે.

  તદુપરાંત જો કોઈ ચમચી બનાવતા તૂટી ગઈ, તો એ વેસ્ટને નિઃશુલ્ક ભાવે પશુપાલકોને આપી દેવામાં આવે છે, જેથી કરીને ગાય ભેંસ તેને ખાઈ શકે. આ તમામ પ્રોડક્ટ બાજરી, ઘઉં, ચોખા, જુવાર અને મકાઇના લોટમાંથી બને છે. આગામી દિવસોમાં ખાઇ શકાય તેવી થાળી, વાટકી અને ગ્લાસ બનાવવા પર હાલ આ કંપની કામ કરી રહી છે.

  ચમચી બને કઈ રીતે???

  સૌ પ્રથમ તો અલગ અલગ લોટને એકત્રિત કરવામાં આવે. ત્યારબાદ તે બધાને એકસાથે ભેગા કરી, સ્વાદ માટે તેમાં આદુ અને ઇલાઈચી પણ ઉમેરી શકાય છે. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને લોટને બાંધવામાં આવે છે. પછી રોટલી બનાવીએ, તે પ્રકારે તેને વણવામાં આવે. વણાઇ ગયા બાદ તેને ચમચીના સ્વરૂપમાં કાપવામાં આવે. અને તેને 20 થી 25 મિનિટ ગરમ કરવામાં આવે. આ પ્રક્રિયા બાદ ખાઈ શકાય એવી ચમચી તૈયાર.

  રોજગારીની તકમાં વધારો થયો...

  આ પ્રોડક્ટથી પર્યાવરણ અને પાણી એમ બન્નેનો બચાવ થાય છે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ પ્રોડક્ટ ખૂબ ઉપયોગી સાબિત થયેલ છે. આ પ્રોડક્ટની ચકાસણી પણ કરવામાં આવેલ છે અને તેની સર્ટિફિકેટ મેળવેલ છે. હાલમાં આ પ્રોજેક્ટમાં 70 લોકોને રોજગારી પુરી પાડવામાં આવેલ છે અને આવનારા સમયમાં બીજો નવો પ્લાન્ટ ઉભો કરવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં આ પ્લાન્ટ વડોદરા નજીક આવેલ લામડાપૂર રોડ પર આવેલ છે. તથા આ પ્રોડક્ટ ડિઝાઈન કરવામાં ઉપેન્દ્રભાઇ મિસ્ત્રી અને શીતલભાઇ અમીને ખૂબ સપોર્ટ કર્યો છે.

  32 દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે...

  આ પ્રોડક્ટ હાલ યુકે, યુ.એસ.એ., જર્મની, સ્પેન, નોર્વે, દુબઇ, કેનેડા, કુવૈત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત 32 દેશમાં એક્સપોર્ટ થાય છે. જોકે ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોને લઇને ત્યાં એક્સપોર્ટ કરવામાં નથી આવતું. કૃવિલ પટેલે કહ્યું કે, પાકિસ્તાનથી ઘણા ઓર્ડર આવે છે, પણ અમે તેમને અમારી પ્રોડક્ટ વેચતા નથી. જ્યાં સુધી બંને દેશના સંબંધ સારા નહીં થાય, ત્યાં સુધી અમે તેમને માલ સપ્લાય નહીં કરીએ.

  શાર્ક ટેન્ક શો માંથી 5 લાખ અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ મેળવ્યું...

  ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટના સ્ટાર્ટઅપ ત્રિશુલા ઇન્ડિયાએ અમેરિકાના વિશ્વવિખ્યાત સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ શો શાર્ક ટેન્કમાં એન્ટ્રી લઇને 5 લાખ અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ મેળવ્યું છે. શાર્ક ટેન્ક શોમાં એન્ટ્રી લેવી અધરું કામ હોય છે. કારણ કે ત્યાંના ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ ખૂબ જ અઘરા હોય છે અને એમાં જઇને ઇન્વેસ્ટમેન્ટ લાવવું એ ખૂબ મુશ્કેલ કામ છે. કંપનીની શાર્ક ટેન્કના 13 માં સીઝનમાં એન્ટ્રી કરી, ત્રીજા શોમાં પ્રેઝન્ટેશન આપી, સિલેક્ટ થયા. અને આ 5 લાખ અમેરિકન ડોલરને કંપનીના વિસ્તરણ માટે ઉપયોગ કરવામાં આવશે.

  વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિક કૃવિલ પટેલે અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરીને મેળવેલી સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. આવનારા દિવસોમાં કૃવિલ પટેલ ભારતમાં પણ પોતાની પ્રોડક્ટને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Gujarati News News, Vadodara news

  આગામી સમાચાર