Nidhi Dave, Vadodara: યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ, સોખડાના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજે મોરબીની દુર્ઘટનાને અત્યંત દુ:ખદાયક ગણાવીને તેમાં દિવંગત આત્માઓને પ્રભુ શાશ્વત શાંતિ અર્પે, જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય અને સ્વજનો ગુમાવનારાં સહુને આવી પડેલી વિપત્તિ સહન કરવાની શક્તિ પ્રભુ આપે તેવી પ્રાર્થના કરી છે.
હરિધામ મંદિરમાં આજે ભગવાન સ્વામિનારાયણની મહાપૂજામાં દિવંગત આત્માઓની શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી. યોગી ડિવાઈન સોસાયટીના પ્રવક્તા પૂજ્ય ત્યાગવલ્લભસ્વામીએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં માતાપિતા દિવંગત થતાં અનાથ થયેલાં બાળકોના ઉછેરની અને તેમને પગભર કરવા સુધીની જવાબદારી યોગી ડિવાઇન સોસાયટી, હરિધામ, સોખડા નિભાવે તેવી આજ્ઞા ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આત્મીયતાની જીવનભાવનાને અનુરૂપ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કરી છે.
ગુજરાતના મોરબીમાં રવિવારે 143 વર્ષ જૂનો ઝૂલતો પુલ ધરાશાયી થતાં 134થી વધુ લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું હતું કે, મોરબીના આ ઝુલતા પુલ પર 500 લોકો હાજર હતા. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે.