Home /News /madhya-gujarat /

Vadodara: સયાજી હોસ્પિટલ પરિવારે એક માતાનો તેની દીકરી સાથે કરાવ્યો સુખદ મેળાપ 

Vadodara: સયાજી હોસ્પિટલ પરિવારે એક માતાનો તેની દીકરી સાથે કરાવ્યો સુખદ મેળાપ 

આ કથામાં 108 સેવાનું પણ યોગદાન રહ્યું છે. 

સયાજી હોસ્પિટલમાં તા.21 મી ઓગષ્ટ, 2021 ના રોજ શરૂ થયેલો એક કહાનીનો સુખદ અંત આવ્યો છે અને સયાજી હોસ્પિટલના ગાયનેક વિભાગ અને બાળ સારવાર વિભાગ

  વડોદરા:  સયાજી હોસ્પિટલમાં તા.21 મી ઓગષ્ટ, 2021 ના રોજ શરૂ થયેલો એક કહાનીનો સુખદ અંત આવ્યો છે અને સયાજી હોસ્પિટલના ગાયનેક વિભાગ અને બાળ સારવાર વિભાગ સહિત અન્ય વિભાગો એક નવજાત દીકરી અને તેની માતાના હૃદયસ્પર્શી પુનઃ મિલનનું માનવતાભર્યું નિમિત્ત બન્યા છે. આ કથામાં 108 સેવાનું પણ યોગદાન રહ્યું છે.

  તા.21 મી ઓગષ્ટના રોજ 108 સેવા દ્વારા અકોટા બ્રિજ પાસેથી નિરાધાર હાલતમાં મળેલી એક સગર્ભાને પ્રસૂતિ વિભાગમાં પહોંચાડવામાં આવી. જ્યાં તેની કાળજીપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી અને માતાએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો.

  આ માતા કૈક અંશે નબળી માનસિક હાલતમાં હોવાથી નવજાત બાળકીને બાળ સારવાર વિભાગમાં અને માતાને અન્ય વિભાગમાં રાખવામાં આવી. ઇન્ચાર્જ સિસ્ટર ભાનુબહેન ઘીવાળાએ જણાવ્યું કે, આ માતાના તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન માટે સખી વન સ્ટોપ સેન્ટર જે સયાજી હોસ્પીટલમાં કાર્યરત છે, તેની મદદ લેવામાં આવી.

  આ મહિલા છત્તીસગઢ એટલે કે પૂર્વ મધ્ય ભારતની હતી અને તેના પરિવારનો સંપર્ક પણ કરવામાં આવ્યો. જો કે કોઈ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો નહિ. તે દરમિયાન માતાને રોજ બાળકી પાસે લઈ જવામાં આવતી હતી. એક વાર માતાના ખોળામાં બાળકીને મૂકવામાં આવી. પરંતુ માતા તેને યોગ્ય રીતે સંભાળી ન શકી. તે પછી બાળકીને શિશુ સંભાળ ગૃહમાં રાખવામાં આવી.

  આ દરમિયાન મહિલાને તપાસ માટે મનો આરોગ્ય હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી. પરંતુ પીઠ પાછળ ગૂમડું થતાં ફરી તેને સયાજી હોસ્પીટલમાં લાવીને સર્જિકલ વોર્ડમાં જરૂરી સારવાર આપવામાં આવી. તે દરમિયાન સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ. અને એમ.એલ.ઓ દ્વારા આ પ્રકારની નિરાધાર બહેનોને આશ્રય આપતી અને તેમની સંભાળ લેતી બગોદરાની મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો અને આ નિરાધાર મહિલાને ત્યાં આશ્રય મળ્યો.

  આ પણ વાંચો: અમદાવાદ : માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ

  મનો આરોગ્ય દવાખાના એ માતા સ્વસ્થ માનસિક હાલતમાં હોવાનો રિપોર્ટ આપ્યો. આ માતા તેની નવજાત બાળકીને યાદ કરતી હતી એટલે સંસ્થાએ ફરી થી સયાજી હોસ્પિટલનો સંપર્ક કર્યો. આ નાનકડી દીકરીને આજે ફરીથી શિશુગૃહમાંથી સયાજી હોસ્પીટલમાં લાવીને તેની આરોગ્ય તપાસ કરવામાં આવી જેમાં તે પૂર્ણ સ્વસ્થ જણાઈ.

  આ અંગે પ્રતિભાવ આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે, અમારી હોસ્પિટલ સમગ્ર મધ્ય ગુજરાત અને અન્ય રાજ્યોના લોકોને આરોગ્ય સેવાઓ આપે છે. અમે ઉપલબ્ધ સાધન સુવિધાઓનો શક્ય તેટલો સારો ઉપયોગ કરીને સારવાર કરીએ છે. આ ઘટના અમારા વિવિધ વિભાગોની સંકલિત અને સમર્પિત કામગીરીની પ્રતીતિ કરાવે છે. બગોદરાની મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થા જેવા સેવા સંગઠનો અને દાતા સંસ્થાઓ અમારા કામમાં પ્રોત્સાહક પીઠબળ આપે છે. તેમને સંબંધિત સૌને ધન્યવાદ આપ્યાં હતાં.

  આ પણ વાંચો: બનાસકાંઠા: ટ્રિપલ અકસ્માતમાં ટ્રક અને ટ્રેઇલર વચ્ચે ઇકો કાર કચડાઇ, પતરા કાપી લાશ બહાર કાઢી

  સાંજના સમયે બાળકીને સોંપવાની પ્રક્રિયા પૂરી થતાં માતા અને સંસ્થાના પદાધિકારીઓ એને લઈને વિદાય થયાં ત્યારે સૌએ એક સારા કામમાં નિમિત્ત બનવાના સંતોષ સાથે તેમને વિદાય આપી હતી.


  તબીબી અધિક્ષકની કચેરીમાં જરૂરી કાયદેસરની તમામ વિધિ પૂર્ણ કરી આ બાળકીને તેની માતા અને આશ્રયદાતા સંસ્થાને સુપ્રદ કરવામાં આવી ત્યારે ભાવસભર સુખદ દૃશ્યો સર્જાયા હતા. એક સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગો અને 108 અને સખી સેન્ટર જેવી સંસ્થાઓની સંવેદના સભર કામગીરીથી તથા બગોદરાની ઉમદા સેવા સંસ્થાના સહયોગથી વેદના અને અસહાયતાની હાલતમાં શરૂ થયેલી એક કહાનીનો સુખદ અંત આવતા સંબંધિત સહુ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara City, વડોદરા

  આગામી સમાચાર