વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લી ઘડીનું પ્રચાર ચાલી રહ્યું છે, ત્યારે ઉમેદવારો દ્વારા એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. આવામાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અનગઢમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં વાઘેલાએ મધુ શ્રીવાસ્તવ પર નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા. સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ પર પણ પ્રહાર કર્યા હતા.
'ગોળી મારી દઈશ એવું કહેવાવાળાની 72 વર્ષની ઉંમર છે'
અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધુ શ્રીવાસ્તવ પર નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, કોઈની ધાક ધમકીમાં આવતા નહીં, કહેજો બાપુઓ બગડશે. કોઈ ધમકી આપે તો ચિંતા ન કરતા તમારો ભાઈ બેઠો છે. ગોળી મારી દઈશ એવું કહેવાવાળાની 72 વર્ષની ઉંમર છે. અલા દરબાર છે, એમને ગોળી મારવાનું ના કહેવાય, સામે મારે. બીજા દિવસે નિવેદન બદલી નાખ્યું, ગોળી નહીં ચોકલેટની ગોળી મારીશ એવું કહ્યું હતું. એમને એમ કે જે બોલ્યા છે એ ફેરવી નાખો, નહીંતર તેઓ કહેશે ગોળી મારવા આવો. પાછી ગોળી ક્યાંથી લાવવાની.
'68 વર્ષના કાકા ચાલે વાંકા, કાકાને 90 ટકા લોકો ઓળખતા નથી'
વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અનગઢ ગામમાં જાહેર સભા સંબોધી હતી. અહીં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, વાઘોડિયામાં બાપુવાળી જ થશે. 68 વર્ષના કાકા ચાલે વાંકા, કાકાને 90 ટકા લોકો ઓળખતા નથી. કાકાને હવે રાત્રે ઊંઘ નહીં આવે, કાકાની ઊંઘ ઊડી ગઈ છે. અશ્વિન પટેલને લોકો કાકા તરીકે ઓળખે છે.