Home /News /madhya-gujarat /Gujarat election 2022 : 1995થી ભાજપનો ગઢ છે રાવપુરા બેઠક, જાણો રાજકીય સમીકરણો અને મતદારોનો મૂડ
Gujarat election 2022 : 1995થી ભાજપનો ગઢ છે રાવપુરા બેઠક, જાણો રાજકીય સમીકરણો અને મતદારોનો મૂડ
Raopura assembly constituency : રાવપુર બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતી રહ્યું છે. જેમાં 4 ટર્મ સુધી એકમાત્ર યોગેશ પટેલે જ સાશન કર્યું છે. ત્યાર બાદ 2012મમાં નવા સિમાંકનમાં માંજલપુર વિધાનસભાનું મર્જ થયુ, તેથી તેઓ હવે માંજલપુર વિધાનસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
Raopura assembly constituency : રાવપુર બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતી રહ્યું છે. જેમાં 4 ટર્મ સુધી એકમાત્ર યોગેશ પટેલે જ સાશન કર્યું છે. ત્યાર બાદ 2012મમાં નવા સિમાંકનમાં માંજલપુર વિધાનસભાનું મર્જ થયુ, તેથી તેઓ હવે માંજલપુર વિધાનસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election 2022) પડઘમ વાગી રહ્યા છે. દરેક પક્ષે પ્રચાર માટે પોતાની નિતીઓ અમલમાં મૂકી દીધી છે. સભાઓ અને લોકાર્પણથી લઇને રાજ્યમાં દિગ્ગજ નેતાઓના આંટાફેરા સૂચવે છે કે આ વર્ષે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બની રહેશે. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠક પર ભાજપ દ્વારા "નો રિપીટ" થિયરી અપનાવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. તો કોંગ્રેસ સરકારને વિવિધ મુદ્દે ઘેરીને સીટો કબ્જે કરવાની રણનિતીઓ બનાવી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી અન્ય પક્ષોના દાંત ચોક્કસ ખાટા થયા છે. આજે આ લેખમાં અમે તમને વડોદરાની સૌથી મહત્વની ગણાતી રાવપુરા બેઠક (raopura assembly constituency)વિશે વિસ્તાર પૂર્વક જણાવશું.
રાવપુરા બેઠકનો ચૂંટણી ઇતિહાસ
રાવપુર બેઠક પર ભૂતકાળમાં યોજાયેલી ચૂંટણીઓના પરીણામ અંગે વાત કરવામાં આવે તો, વર્ષ 1967માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જેમાં PSPના એસ. એમ મહેતાએ 3397 મતોના માર્જીનથી કોંગ્રેસના ઉમેદવાર બી. જી કોન્ટ્રાક્ટરને હરાવ્યા હતા. ત્યારે બાદ વર્ષ 1972માં ઠાકોરભાઇ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની જીત નોંધાવી હતી.
વર્ષ 1975માં ભઇલાભાઇ ગરબડદાસે NCOમાંથી 14065 મતોના માર્જીનથી કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરભાઇ પટેલને હરાવ્યા હતા. વર્ષ 1980માં સી. એન પેટેલે 5592 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી. ત્યાર બાદ સતત 5 ટર્મ એટલે કે વર્ષ 1990, 1995, 1998, 2002 અને 2007માં યોગેશ પટેલે ભાજપમાંથી સત્તાનું એક હથ્થું સુકાન સંભાળ્યું હતું. યોગેશ પટેલ આ બેઠક પર સતત 5 ટર્મ સુધી ધારાસભ્ય રહેનારા અત્યાર સુધીના એકમાત્ર નેતા છે. ત્યાર બાદ વર્ષ 2012 અને 2017 એમ સતત બે ટર્મથી ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક જીતી રહ્યા છે.
મતદારોના સમીકરણો પર એક નજર
રાવપુરા વિધાનસભા બેઠકમાં અંદાજીત 2,68,088 લાખ મતદારો છે. જેમાં 1,37,079 પુરૂષ મતદારો અને 1,30,967 મહિલા મતદારો છે. રાવપુરા બેઠકમાં જુદી જુદી જ્ઞાતિઓના મતદારો નિર્ણાયક ભૂમિકા નિભાવે છે. જેમાં અંદાજે 42,000 જેટલા મુસ્લિમ, 40,000 જેટલા પાટીદારો, 60,000 જેટલા વાણીયા, 50,000 બ્રાહ્મણ, 30,000 મરાઠી અને 46,000 જેટલા અન્ય જ્ઞાતિઓના મતદારોનો સમાવેશ થાય છે.
રાવપુરા બેઠક જનસંઘ સમયથી ભાજપના હસ્તે રહી છે. જ્યાં છેલ્લા 25 વર્ષથી યોગેશ પટેલ ભાજપના ઉમેદવાર તરીકે જંગી બહુમતી સાથે જીતતા આવ્યા છે. જોકે, યોગેશ પટેલ હવે માંજલપુર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર છે અને હાલ ધારાસભ્ય છે.
રાવપુરા બેઠક પર કોનો છે દબદબો?
રાવપુરા બેઠક પર વર્ષોથી ભાજપનું શાસન છે. જોકે આ બેઠકમાં શહેરના સીટી વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યાં ટ્રાફિક અને પાણીની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
રાવપુર બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતી રહ્યું છે. જેમાં 4 ટર્મ સુધી એકમાત્ર યોગેશ પટેલે જ સાશન કર્યું છે. ત્યાર બાદ 2012મમાં નવા સિમાંકનમાં માંજલપુર વિધાનસભાનું મર્જ થયુ, તેથી તેઓ હવે માંજલપુર વિધાનસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. છેલ્લા 2 ટર્મ એટલે 2012 અને 2017માં રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપ માટે આ બેઠક જાળવી રાખી છે.
આ બેઠક પર ભાજપની રણનીતિ શું હશે?
ગુજરાત એ ભાજપ માટે પ્રયોગ શાળા મનાય છે. ભાજપ દ્વારા ગુજરાતમાં જે રાજકીય પ્રયોગ કરવામાં આવે છે અને એને સફળતા મળે તો એનો અન્ય રાજ્યોમાં અમલ કરે છે. વર્ષ 2005ની પાલિકાની ચૂંટણીમાં "નો રિપીટ થિયરી" અપનાવી હતી અને એમાં 90 ટકા સફળતા મળી હતી. ત્યાર બાદ 2020માં આંશિક 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી હતી, જેમાં ભારે સફળતા મળી હતી.
આ દરમિયાન થોડા સમય પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદેથી દૂર કરી ભૂપેન્દ્ર પટેલને બેસાડવામાં આવ્યા હતા. એ સાથે મંત્રીમંડળમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હતા, જેની સામે કોઇ વિરોધ થયો ન હતો. તેથી આ વર્ષે પણ ભાજપ નો રિપીટને વળગેલું રહેશે.
પ્રજાની સમસ્યાઓ
હાલ મોંઘવારીએ માઝા મૂકી છે અને બેરોજગારી પરાકાષ્ઠાએ પહોંચી છે. શિક્ષણ મોંઘું થઇ ગયું છે. અનેક ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત છે. પરિણામે અહીંના લોકોમાં સરકાર સામે ભારે નારાજગી છે. વર્તમાન ધારાસભ્યો સામે પણ ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. મતદારો આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં કેવું પરીવર્તન લાવશે તે હવે આવનારો સમય જ બતાવશે.
રાવપુરા બેઠક પર વિવાદો
-માંજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી ઇનોવા ગાડીમાં રાત્રિના સમયે મોહમ્મદ અનિશ દારૂવાલાએ આગ ચાંપી દેતા હોબાળો મચી ગયો હતો. આવું કરવા પાછળનું કારણ જણાવતા દારૂવાલાએ કહ્યું કે, યોગેશ પટેલ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવી હતી.
-વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું પાણી મુદ્દે એક વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચ્યો હતો. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું છે કે રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં પાણી આપશો તો દક્ષિણમાં વધારાનું પાણી જોઈશે. કપુરાઇ ટાંકીમાંથી પાણી માત્ર માંજલપુર વિધાનસભા મતવિસ્તારને જ આપવા માંગ કરતા સભ્યોમાં ભારે નારાજગી પ્રવર્તી હતી.
-મંત્રીમંડળમાં વડોદરાના એક પણ ધારાસભ્યને સ્થાન ન મળતા રાજેન્દ્ર ત્રિવેદી સહિત અનેક નેતાઓ નારા હોવાના અહેવાલો વાયુવેગે વહેતા થયા હતા. પૂર્વ સીએમ વિજય રૂપાણી અને તેમની વચ્ચે રકઝક થઇ હોવાની વાતો પણ સામે આવી હતી. જેમાં રાજેન્દ્ર પ્રસાદે 10 ધારાસભ્યો સાથે રાજીનામું આપવાની ધમકી આપી હોવાની પણ ચર્ચાઓ હતી. જોકે, આ વાતને રાજન્દ્ર ત્રિવેદીએ વખોડી કાઢી હતી અને અમદાવાદ પોલીસ કમિશ્નરને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા લેખિતમાં અરજી કરી હતી.