Home /News /madhya-gujarat /Gujarat election 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી પાદરા બેઠક પર કેવી છે રાજકિય રસાકસી? જાણો કયા સમાજનું છે વર્ચસ્વ
Gujarat election 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી પાદરા બેઠક પર કેવી છે રાજકિય રસાકસી? જાણો કયા સમાજનું છે વર્ચસ્વ
પાદરા હાલ કોંગ્રેસની સીટ છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિહને પાદરા બેઠક ઉપર પુનઃ ટિકિટ આપવાના વચન સાથે ભાજપામાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે,
padara assembly constituency: વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર દિનેશભાઇ પટેલે જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2017માં કોંગ્રેસે ફરી આ સીટ પર પોતાની પકડ મેળવી લીધી અને ભાજપના દિશેનભાઇ પટેલને હરાવી કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે જીતનો પરચમ લહેરાવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓમાં બધા રાજકીય પક્ષો લાગેલાં છે તે જગજાહેર છે. સત્તાવાર જાહેરાતને સમય બાકી છે પણ સૌને ખ્યાલમાં છે કે આ વર્ષે ડીસેમ્બરમાં સામાન્ય ચૂંટણીનું ટાણું છે. ત્યારે રાજ્યની મહત્વની ગણાતી બેઠક પાદરા વિધાનસભા વિશે થોડી માહિતી લઇએ.
વડોદરા જિલ્લામાં પાદરા વિધાનસભા (padara assembly Seat) બેઠક રાજકીય લેબોરેટરી તરીકે ગણાતા સમાવિષ્ટ છ વિધાનસભા મતક્ષેત્ર પૈકી પાદરા વિધાનસભા બેઠક પર રાજકીય વિશ્લેષકોની ખાસ નજર રહેતી હોય છે.
આગામી વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં પોતપોતાની મત બેંક જાળવી રાખવા અત્યારથી હલચલ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લી ટર્મ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુમાવેલી પાદરા વિધાનસભાની બેઠક પાછી મેળવવા ભાજપામાં આગામી ઉમેદવારીને લઈ ગડમથલ જોવા મળી રહી છે.
પરંતુ પાદરા વિધાનસભાની બેઠક માટે આગામી ચહેરો કોણ તે સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યા છે. ગત વર્ષ 2017માં યોજાયેલ પાદરા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે ભાજપાએ પાદરા વિધાનસભા બેઠક ગુમાવી હતી. વર્તમાન સ્થિતિએ પાદરા વિધાનસભા બેઠકની આગામી ચૂંટણી માટે ભાજપાને મજબૂત માનવામાં આવી રહ્યું છે.
પાદરા બેઠક પર હાલની સ્થિતિ
પાદરા હાલ કોંગ્રેસની સીટ છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિહને પાદરા બેઠક ઉપર પુનઃ ટિકિટ આપવાના વચન સાથે ભાજપામાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે,
બીજી બાજુ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) પણ વિધાનસભાની ટિકિટ મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે ભાજપ જો કોંગ્રસના ધારાસભ્યને પક્ષમાં લાવી શકવામાં સફળ નહીં થાય અને દિનેશ પટેલ (દિનુ મામા)ને ટિકીટ આપવાને બદલે કોગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર સામે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપશે તો પાદરામાં પણ ભડકો થવાની શક્યતા છે.
આ બેઠક પર વર્ષ 1962માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં સનાભાઇ પરમારે જીત મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 1967માં કોંગ્રેસના જે. એસ શાહે 8,792 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી. વર્ષ 1972માં કોંગ્રેસના મનુભાઇ છોટાભાઇ પટેલે 5896 મતોના માર્જીન સાથે સત્તા મેળવી હતી.
વર્ષ 1975માં એનસીઓના જશવંત શાહે 19,216 મતોના માર્જીન સાથે સત્તા મેળવી હતી. વર્ષ 1980માં અને 1985માં યોજાયેલી ચૂંટણીના પરીણામો વિશે વાત કરીએ તો કોંગ્રેસ (આઇ)ના જીતુભાઇ પરમારે ફરી પક્ષને અનુક્રમે 7560 અને 8291 મતોના માર્જીન સાથે સીટ જાળવી રાખી હતી. વર્ષ 1980માં આ સીટ જેડીના નરેન્દ્ર પટેલે 5976 મતોના માર્જીન સાથે જીતી હતી.
વર્ષ 1995માં ભાજપે અહીં સત્તાનો પાયો નાખ્યો અને નલિન ભટ્ટે 1545 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી. વર્ષ 1998માં જીતસિંહ પરમારે AIRJPમાંથી આ બેઠક પોતાના નામે કરી હતી.
જોકે, 2002માં ભાજપના મહિલા ઉમેદવાર પૂનમ પરમારે 24,479 મતોના માર્જીન સાથે ફરી પક્ષને આ બેઠક અપાવી હતી. વર્ષ 2007માં આઇએનડીના દિનેશભાઇ પટેલે 14,173 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી.
વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર દિનેશભાઇ પટેલે જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2017માં કોંગ્રેસે ફરી આ સીટ પર પોતાની પકડ મેળવી લીધી અને ભાજપના દિશેનભાઇ પટેલને હરાવી કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે જીતનો પરચમ લહેરાવ્યો હતો.
પાદરા તાલુકાની ડેમોગ્રાફી અને મતદારો
પાદરા તાલુકાની વાત કરીએ તો તેમાં 76 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનું શાસન છે. પાદરામાં ક્ષત્રિય મતદારોનું વર્ચસ્વ વધુ છે.
2017માં પાદરા વિધાનસભા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી હતી. આ બેઠક પર અંદાજે કુલ 2 લાખ 40 હજાર મતદારો છે. જેમાં ક્ષત્રિય મતદારો 65 ટકા, પાટીદાર મતદારો 12 ટકા, લઘુમતી મતદારો 11 ટકા, SC-ST, ઓબીસી મતદારો 12 ટકા છે.
બેઠક પર પ્રજાની સમસ્યાઓ
ચૂંટણી દરમિયાન રાજકિય ઉથલપાથલની સાથે પ્રજાના સવાલો અને સમસ્યાઓ પણ મહત્વનું ફેક્ટર બની રહે છે. અન્ય વિસ્તારોની જેમ આ બેઠક પર પણ લોકો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે.
જેમ કે લોકોને ઊંચા ટીડીએસવાળું પાણી, રેલવે લાઇન પણ બંધ હોવાથી લોકોને અનેક હાલાકીઓ પડે છે. બીજી તરફ ટ્રાફિકની સમસ્યાઓ પણ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. રખડતા અને રેઢિયાળ ઢોરના કારણે અહીં અકસ્માતો સર્જાવાની ભિતી સતત વાહનચાલકોને સતાવે છે.
પોસ્ટ ઓફિસ પણ ગામની બહાર રાખવામાં આવી છે. લાગી ગલ્લાઓ સાથે બબાલ, ઉદ્યોગોના પાણી ભૂગર્ભમાં પહોંચતા પ્રદૂષણની સમસ્યા, લાલ પાણી આવતા પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. તો શિક્ષણની સ્થિતિ પણ વણસી ચૂકી છે. પ્રજા દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતો છતા તેનો કોઇ જ નીવેડો ન આવતા રોષની લાગણી ફેલાઇ છે.
પાદરા બેઠક પર સર્જાયેલા વિવાદો
-વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાદરાના દિનેશ પટેલ (દિનુમામા)ના નામની જાહેરાત થતાની સાથે જ ભાજપમાં બળવો શરૂ થઇ ગયો હતો.
દિનુમામાનું નામ લીસ્ટમાં આવતા ગણતરીની મિનિટોમાં જીલ્લા ભાજપના 150 કાર્યકર્તાઓએ એક સાથે જીલ્લા ભાજપ પ્રમુખને રાજીનામા ધરી દેતા પક્ષનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો હતો.
ઘણા સમયથી પાદરા વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય સમાજ દ્વારા દિનુમામાનો ભારે વિરોધ કરાઇ રહ્યો હતો અને ક્ષત્રિયને ટિકિટ આપવાની માંગ ઉઠી હતી. જોકે, ભાજપે કોઇની ન સાભળી દિનુમામાને રિપીટ કર્યા હતા. જોકે, આ બેઠક પર 2017માં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
-ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય જીત નોંધાવી હતી. કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે પાદરા નગરમાં જીત મેળવીને વિજય સરઘસ કાઢ્યું હતું. જેમાં ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો.
જોકે, તે આ ગન એરગન હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. આચારસંહિતામાં હથિયારો જમા કરાવવાના રહે છે, પરંતુ ચૈતન્યસિંહ ઝાલાએ કોની ગનથી ફાયરિંગ કર્યુ અને તે એરગન હતી કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો હતો.