Home /News /madhya-gujarat /Gujarat Election 2022: કરજણ બેઠક પર ભાજપ-કોંગ્રેસની શક્તિની થઈ જશે પરીક્ષા, જાણો શું છે બેઠકની સ્થિતિ
Gujarat Election 2022: કરજણ બેઠક પર ભાજપ-કોંગ્રેસની શક્તિની થઈ જશે પરીક્ષા, જાણો શું છે બેઠકની સ્થિતિ
Karjan assembly constituency: કરજણ બેઠક પર અત્યાર સુધીમાં 14 ચૂંટણીઓ થઈ ચૂકી છે. જેમાં કોંગ્રેસે 9 અને ભાજપે 3 વખત બેઠક ઓર વિજય મેળવ્યો હતો. જ્યારે કરજણ બેઠક પર છેલ્લા 20 વર્ષમાં યોજાયેલી પાંચ ચૂંટણીમાં 2002માં ભાજપમાંથી નરેશ કનોડીયા, 2007માં ચંદુભાઇ ડાભી, 2012માં સતિષ પટેલ, 2017 અને 20220માં અક્ષય પટેલ ચૂંટાયા હતા
Karjan assembly constituency: કરજણ બેઠક પર અત્યાર સુધીમાં 14 ચૂંટણીઓ થઈ ચૂકી છે. જેમાં કોંગ્રેસે 9 અને ભાજપે 3 વખત બેઠક ઓર વિજય મેળવ્યો હતો. જ્યારે કરજણ બેઠક પર છેલ્લા 20 વર્ષમાં યોજાયેલી પાંચ ચૂંટણીમાં 2002માં ભાજપમાંથી નરેશ કનોડીયા, 2007માં ચંદુભાઇ ડાભી, 2012માં સતિષ પટેલ, 2017 અને 20220માં અક્ષય પટેલ ચૂંટાયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને હવે ગણતરીના મહિના રહ્યા છે. 182 બેઠકોમાંથી વધુને વધુ બેઠકો (Gujarat Seats) જીતવાની ઈચ્છા દરેક પક્ષની છે. આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પક્ષોએ પોતાના ટોચના નેતાઓ (Top leaders)ને ગુજરાત પ્રવાસ પણ કરાવ્યા છે. રેલીઓ અને સભાઓમાં ટોળા એકઠા થતા હોવાનું જોવા મળે છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે, જ્યારે કોંગ્રેસ માટે તે ટક્યા રહેવાની ચૂંટણી છે. કોંગ્રેસને ભૂંસાઈ ન જવાય તે માટે ગત વર્ષ જેટલી અથવા તો તેના કરતાં વધુ બેઠકો જીતવી જ રહી. અમુક બેઠકો છે જ્યાં કોંગ્રેસ થોડું વધુ જોર લગાવે તો જીત મેળવી શકાય છે. આવી જ એક બેઠક કરજણ વિધાનસભા બેઠક (Karjan assembly seat) અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
કરજણ બેઠક હેઠળ આવતા વિસ્તારો
કરજણ વિધાનસભા બેઠક (karjan assembly constituency) હેઠળ ઉમાજ ગામ સિવાય આખા કરજણ તાલુકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિનોર તાલુકો અને વડોદરા તાલુકાના કેટલાક ગામો કરાલી, ઇટોલા, વડસલા, ઉંટીયા (કાજાપુર), પોર, રમણ ગામડી, ગોસીન્દ્રા, ઉંટીયા (મેધડ), સરાર, કાશીપુરા, અંખી, ફાજલપુર (અંખી) પણ આ બેઠક હેઠળ આવે છે.
કરજણ બેઠકની સ્થિતિ
ગુજરાત વિધાનસભાની બેઠકોમાં કરજણ બેઠકનો ક્રમ 147મો છે. આ બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને ભરૂચ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ, કુલ 255317 વસ્તીમાંથી 87.97 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહેતી હતી અને 12.03% શહેરી વિસ્તારમાં વસવાટ કરતી હતી. આ બેઠક પરની કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 6.87 અને 27.18 છે.
આ મતવિસ્તારમાં 246 મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 73.51 ટકા મતદાન થયું હતું, જ્યારે 2020ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 77.31 ટકા મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસને 2022માં અનુક્રમે 53.62 ટકા અને 42.18 ટકા મત મળ્યા હતા.
જ્યારે 2019માં અનુક્રમે 60.02 ટકા અને 28.62 ટકા મત મળ્યા હતા. વર્તમાન સમયે ભાજપના મનસુખભાઈ ધનજીભાઈ વસાવા ભરૂચ લોકસભાના સાંસદ છે. જ્યારે ભાજપના અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલ કરજણ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.
આ બેઠક પરની ચૂંટણીનો ઇતિહાસ
કરજણ વિધાનસભા બેઠક પર 2020માં 3 નવેમ્બરના રોજ પેટા ચુંટણી થઈ હતી. ભાજપે કોંગ્રેસમાંથી આવેલાં પુર્વ ધારાસભ્ય અક્ષય પટેલને અને કોંગ્રેસે કીરીટસિંહ જાડેજાને ઉમેદવાર બનાવ્યાં હતા. આ ચૂંટણીમાં અક્ષય પટેલને 76958 મત મળ્યા હતા.
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 60533 મત મળ્યા હતા. આ પહેલા 2002 અને 2012માં ભાજપને કરજણ બેઠક જીતવામાં સફળતા મળી હતી. 2017ની વિધાનસભાની ચુંટણીમાં હાલ ભાજપના અક્ષય પટેલ કોંગ્રેસ તરફથી ઉભા રહ્યા હતા અને ભાજપના સતીષ પટેલ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં અક્ષય પટેલનો પાતળી સરસાઈથી વિજય થયો હતો. ત્યારબાદ અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. જેથી 2020માં પેટા ચૂંટણી થઈ હતી.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2020 (પેટા)
અક્ષય પટેલ
ભાજપ
2017
અક્ષય પટેલ
કોંગ્રેસ
2012
સતીશ પટેલ
ભાજપ
2007
ચંદુભાઈ ડાભી
કોંગ્રેસ
2002
નરેશ કનોડિયા
ભાજપ
1998
ચંદુભાઈ ડાભી
કોંગ્રેસ
1995
ચંદુભાઈ ડાભી
કોંગ્રેસ
1990
ચંદુભાઈ ડાભી
જેડી
1985
ભાઈલાભાઈ ડાભી
કોંગ્રેસ
1980
નગર હરગોવિંદદાસ
કોંગ્રેસ (આઈ)
1975
લઉવા રાઘવજી
કોંગ્રેસ
1972
પાર્વતીબેન રાણા
કોંગ્રેસ
1967
એન જી આર્ય
સ્વતંત્ર
1962
એન જી આર્ય
કોંગ્રેસ
અહીં ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર અત્યાર સુધીમાં 14 ચૂંટણીઓ થઈ ચૂકી છે. જેમાં કોંગ્રેસે 9 અને ભાજપે 3 વખત બેઠક ઓર વિજય મેળવ્યો હતો. જ્યારે કરજણ બેઠક પર છેલ્લા 20 વર્ષમાં યોજાયેલી પાંચ ચૂંટણીમાં 2002માં ભાજપમાંથી નરેશ કનોડીયા, 2007માં ચંદુભાઇ ડાભી, 2012માં સતિષ પટેલ, 2017 અને 20220માં અક્ષય પટેલ ચૂંટાયા હતા.
મતદારોની સંખ્યા અને જ્ઞાતિ જાતિના સમીકરણો
કરજણ વિધાનસભા બેઠકમાં 2.4 લાખ મતદારો હોવાનું જાણવા મળે છે. જેમાં 1 લાખ 4 હજાર 834 પુરુષ મતદાતા અને 99 હજાર 761 મહિલા મતદાતા છે. અહીં પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ છે.
જેના કારણે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી. મળતા આંકડા મુજબ આ બેઠક પર ST - 45 હજાર 295, પટેલ - 43 હજાર 754, રાજપૂત - 28 હજાર 318, બ્રાહ્મણ -5 હજાર 404, શાહ - 3 હજાર 482, મુસ્લિમ - 25 હજાર 109, OBC - 23 હજાર 196, SC - 16 હજાર 614 મતદારો હોવાનું જાણવા મળે છે.
કોને મળશે ટિકિટ?
ભાજપમાંથી 2022ની ચૂંટણી માટે અક્ષય પટેલને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ તેઓ 2020ની પેટા ચૂંટણીમાં ફરીથી વિજેતા બન્યા હતા.
જોકે, ભાજપ નો રિપીટ થિયરી અપનાવે તો અક્ષય પટેલના વિકલ્પમાં સતીષ પટેલ નિશાળિયાને ટિકિટ મળી શકે છે. બીજી તરફ હાલ કોંગ્રેસ તરફથી અભિષેક ઉપાધ્યાયનું નામ સૌથી મોખરે છે. અલબત્ત કોંગ્રેસમાં ક્યારે કોને ટિકિટ મળે તે કહી શકાય નહીં.
અક્ષય પટેલ પહેલા કોંગ્રેસના આગેવાન હતા અને 2017ની ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ભાજપે ઉમેદવાર બનાવી પેટા ચૂંટણી લડાવી હતી. જેથી કાર્યકરો અને આગેવાનોમાં રોષ જોવા મળ્યો હોવાની વાત વહેતી થઈ હતી. પેટા ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ છુપી રીતે તેમના વિરુદ્ધ પ્રચાર કર્યો હોવાની વાત પણ સામે આવી હતી.
ભાજપ માટે આ બેઠક જીતવી સરળ નથી
આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે, એટલે મોટાભાગે પાટીદાર ઉમેદવાર બેઠક પર ઉભો હોય જ છે. 2017માં પાટીદાર આંદોલન વચ્ચે કોંગ્રેસના પાટીદાર નેતાનો વિજય થયો હતો પણ સરસાઈ ખૂબ પાતળી હતી.
ભાજપ મોટી સરસાઈથી જીત્યો હતો પણ અગાઉ આ બેઠક મોટાભાગે કોંગ્રેસના નામે રહી છે. ભાજપ 2020 પહેલા આ બેઠક માત્ર 2 વખત જ જીતી શક્યો હતો. ઉપરાંત આ બેઠક પર લઘુમતી સમાજની સંખ્યા પણ મોટી છે. જેથી કહી શકાય કે, આ બેઠક જીતવી ભાજપ માટે સહેલી નહીં હોય.
આમ આદમી પાર્ટીની અસર
આ બેઠક પર આમ આદમી પાર્ટી તીવ્ર પ્રચારક કરે તો ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેના મત કપાઇ શકે તેમ છે. અગાઉ આમ આદમી પાર્ટીએ સુરતમા સારૂ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આદમી પાર્ટીના પરિણામ સારા આવ્યા હતા. તેવી જ રીતે કરજણ બેઠક પર પણ યોગ્ય પ્રચાર અને જનસંપર્કના કારણે આમ આદમી પાર્ટી બહોળા મત મેળવી શકે તેમ છે.