Gujarat Assembly Election: મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છતાં અકોટા બેઠક પર ભાજપનો દબદબો કેમ? જાણો
Gujarat Assembly Election: મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છતાં અકોટા બેઠક પર ભાજપનો દબદબો કેમ? જાણો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022): અકોટા વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. છેલ્લી ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત મેળવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022): અકોટા વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. છેલ્લી ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત મેળવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા 2022 (Gujarat Election 2022): કથિત રીતે ડીસેમ્બરમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 150 પ્લસ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ભાજે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી હાથ ધરી છે ત્યારે વડોદરાની એક એવી બેઠક અકોટાની વાત કરીએ કે અહીં ભાજપનો જ દબદબો રહ્યો છે. મુસ્લીમ સમાજનું પ્રભુત્વ હોવા છતાં ભાજપનો અહીં સતત બે ટર્મથી વિજય થતો આવ્યો છે. આ બેઠક પર કેવા છે રાજકીય ગણિત આવો સમજીએ.
અકોટા વિધાનસભા બેઠક
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. આ 182 બેઠકમાં અકોટા વિધાનસભા બેઠક 143માં ક્રમાંકે છે. વર્ષ 2008માં થયેલ નવા સીમાંકન બાદ અકોટા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. અકોટા વિધાનસભા મત વિસ્તાર વડોદરા લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને હરાવીને જીત મેળવી હતી.
વડોદરા જિલ્લામાં કુલ 10 વિધાનસભા બેઠકો છે. આ 10 વિધાનસભા બેઠકમાં 5 શહેરની અને 5 ગ્રામ્ય વિધાનસભા બેઠકો છે. અકોટા વિધાનસભા બેઠક પર સીમા મોહિલે ધારાસભ્ય છે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપને હસ્તક છે, આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ જામે છે.
વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી સુધી સૌથી વધુ મતદારો ધરાવતા સયાજીગંજ વિધાનસભાનું વિભાજન કરીને તથા માંજલપુર બેઠકના મતદારોનું વિભાજન કરવામાં આવ્યું હતું. આ જનસંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2012માં આ બેઠકની રચના કરવામાં આવી છે. અકોટા વિધાનસભા બેઠકમાં જેપી રોડ, તાંદલજા, વાસણા, અકોટા, દિવાળીપુરા, લાયન્સ હોલ રોડ, ગોત્રી રામદેવનગરથી માંડીને રાજમહેલ રોડ, બગીખાના, નવાપુરા વિસ્તારનો સમાવેશ થાય છે.
અકોટા બેઠક પર હારજીતના પરિણામ
આ બેઠક પર છેલ્લા 10 વર્ષથી ભાજપનું પ્રભુત્વ છે. વર્ષ 2017ની ચૂંટણી માટે અકોટા વિધાનસભા બેઠક પર ભાજપે પાટીદાર ઉમેદવારની જગ્યાએ મરાઠી ઉમેદવાર પર પસંદગી ઉતારી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અકોટા બેઠક પર સીમા મોહિલે ભાજપ તરફથી અને રણજીત ચૌહાણ કોંગ્રેસ તરફથી ઉભા રહ્યા હતા. સીમા મોહિલેને 1,09,244 મત મળ્યા હતાં અને રણજીત ચૌહાણને 52,105 મત મળ્યા હતા.
વર્ષ 2012માં અકોટા વિધાનસભા બેઠક પરથી સૌરભ પટેલને ટીકીટ આપવામાં આવતા પક્ષમાં થોડો મતભેદ પણ થયો હતો. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સૌરભ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર લલિત પટેલ વચ્ચે રસાકસીભરી જંગ થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને હરાવીને ભવ્ય જીત મેળવી હતી. ભાજપ ઉમેદવાર સૌરભ પટેલને 95,554 મત અને લલિત પટેલને 45,687 મત મળ્યા હતાં.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
સીમાબેન મોહિલે
ભાજપ
2012
સૌરભભાઈ પટેલ
ભાજપ
અકોટા વિધાનસભા બેઠક પર મતદારોના સમીકરણ
અકોટા વિધાનસભા બેઠક પર કુલ 2,46,734 મતદારો નોંધાયા છે. જેમાં 1,26,085 પુરુષ મતદારો છે અને 1,20,626 મહિલા મતદારો છે. વડોદરા શહેરમાં અકોટા વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો, આ વિધાનસભા બેઠક પર સૌથી વધુ સવર્ણ મતદારોની સંખ્યા છે. સવર્ણ મતદારોની સાથે સાથે આ બેઠક પર મરાઠી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ રહેલું છે. ઉપરાંત અન્ય જાતિના લોકો પણ વસે છે.
મુસ્લિમ સમાજના પ્રભુત્વ છતાં બીજેપીનો અકોટા સીટ પર દબદબો
અકોટાની કુલ વસ્તીને ધ્યાને લેતા આ વિધાનસભા બેઠક પર મરાઠી મતદારોની સંખ્યા 25 ટકા, મુસ્લિમ મતદારોની સંખ્યા 30 ટકા, SC અને ST સમાજના 15 ટકા મતદાર તથા અન્ય સમાજના 30 ટકા મતદાર છે.
અકોડા બેઠકનું ગણિત અત્યાર સુધી બીજેપી કે કોંગ્રેસના ઉમેદવાર સમજી શક્યા નથી. પાછલી બે ટર્મથી આ સીટ બીજેપી ઉમેદવારોને મતદારો જીતાડી રહ્યાં છે. તે છતાં કે અહીં મુસ્લિમ સમાજનું ખુબ જ વર્ચસ્વ છે. મુસ્લિમ સમાજનું પ્રભુત્વ હોવા છતાં આ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળતા રાજકીય વિશ્લેષક પણ અચંબામાં પડી ગયા છે.
એક મત પ્રમાણે એવું કહેવામાં આવે છે કે, મુસ્લિમોની ત્રીસ ટકા વસ્તી હોવા છતાં કોંગ્રેસના ખરાબ રાજકીય પ્લાન અને અયોગ્ય ઉમેદવારોની પસંદગીના કારણે બીજેપી બાજી મારી રહી છે. તો બીજી તરફ બીજેપીની રાજકીય રણનીતિની પ્રશંસા કરવામાં આવી રહી છે.
અકોટા વિધાનસભા બેઠકની વિશેષતા
વડોદરા ગુજરાતના મધ્યભાગમાં આવેલું છે. વડોદરામાં વડનું સામ્રાજ્ય હોવાથી વડોદરાનું પ્રાચીન નામ વટપત્ર હતું, જેનું હવે અપભ્રંશ થતા તે વડોદરા તરીકે ઓળખાય છે. વડોદરાને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અકોટાનું મૂળ નામ અંકોટ્ટક છે.
ભાજપ સરકારમાં ઊર્જાપ્રધાન રહી ચૂકેલા સૌરભ પટેલ આ બેઠક પરથી જીત્યાં હતાં. આ બેઠકનો મોટા ભાગનો વિસ્તાર વિકસિત છે. આ વિધાનસભા મતવિસ્તારમાં અકોટા દાંડિયા બઝાર બ્રિજ વડોદરા શહેરની શાન ગણાય છે. આ વિસ્તારમાં આવેલો ગાયકવાડ પરિવારનો લક્ષ્મી વિલાસ પેલેસ અકોટા વિધાનસભાની ઓળખ ગણાય છે.
જેને જોવા માટે દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસન તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગાયકવાડ પરિવારના ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસી આવતા હોવાથી રોજગાર મેળવવા લોકોએ અહીં નાની-મોટી દુકાનો પણ શરૂ કરી દીધી છે.
અકોટામાં સ્થાનિકોની માગ
અકોટા વિધાનસભા બેઠક પર નાગરિકો સામાન્ય પ્રશ્નોનો સામનો કરી રહ્યાં છે. અકોટા વિધાનસભા ક્ષેત્રમાં વિશ્વામિત્રી નદી ગંદકીથી ખદબદી રહી છે. વિશ્વામિત્રી નદીનો મોટાભાગનો ભાગ અકોટામાંથી પસાર થાય છે, જેથી સ્થાનિકો આ ગંદકીથી ખદબદતી વિશ્વામિત્રી નદીને સાફ કરવાની માગ કરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીને શુદ્ધ અને સુશોભિત કરવાની તથા અમદાવાદની જેમ રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાતો પણ માત્ર કાગળ પર રહી ગઈ છે.
આ વિધાનસભા મતવિસ્તારમાં આરોગ્ય સેન્ટર, શિક્ષણ, દૂષિત પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા છે. નાગરિકો આ સમસ્યાઓ દૂર કરવાની માગણી કરી રહ્યા છે.
વર્ષ 2012માં થયેલ વિભાજન બાદ કેટલાક ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ અકોટાના ગ્રામજનો વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામોના લાભથી વંચિત છે.
સ્થાનિકોની માગ છે કે વેરા અને અન્ય ટેક્સ વસૂલ કરવામાં આવે છે, તે અનુસાર સુવિધાઓ પણ આપવામાં આવે. આ કારણોસર ધારાસભ્ય સીમા મોહિલેને વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સ્થાન મળે તેવી શક્યતાઓ નહિવત છે.
આ વિધાનસભા મતવિસ્તારમાં RTO ઓફિસની સમસ્યા, ટ્રાફિક અને તૂટેલા ફૂટપાથની સમસ્યા, સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિકો આ તમામ સમસ્યાનું નિવારણ લાવવાની માગ કરી રહ્યા છે.