Nidhi Dave, Vadodara: હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવા મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે,ત્યારે મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વડોદરા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે.
હોળી પર્વ નિમિત્તે વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને વધારે સુવિધા મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વડોદરા વિભાગે વધારાની બસ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 03 માર્ચ 2023 થી તા. 07 માર્ચ 2023 સુધી વડોદરા વિભાગના તમામ ડેપો પરથી સરકારી બસના એક્સ્ટ્રા સંચાલનનો નિર્ણય જી. એસ. આર. ટી. સી. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
વધારાની 37 બસોનું સંચાલન કરાશે
વધારાની બસોની ફાળવણી વડોદરા ડેપો ખાતે આવતીકાલ તા. 03 માર્ચ, 2023 ના રોજ સવારે 11 કલાક સુધીમાં કરી આપવામાં આવશે. વડોદરા ડેપોથી તા. 03 માર્ચ 2023 ના રોજ વધારાની પાંચ બસ,તા. 04 માર્ચ 2023 થી તા. 07 માર્ચ 2023 સુધી દરરોજ વધારાની આઠ બસનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. હોળી પર્વના પાંચ દિવસ દરમિયાન મુસાફરોની સુવિધા અને સરળતા માટે વડોદરા ડેપો રોજિંદી ઉપરાંત 37 વધારાની બસોનું સંચાલન કરશે.
કુલ 235 વધારાની સરકારી બસનું એક્સ્ટ્રા સંચાલન કરશે
વડોદરા વિભાગમાં સમાવિષ્ટ વડોદરા,બોડેલી,છોટાઉદેપુર, ડભોઇ, કરજણ, પાદરા તથા વાઘોડિયા ડેપોને પણ વધારાની બસ ફાળવી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. તા. 03 માર્ચ 2023 થી તા. 07 માર્ચ 2023 સુધીમાં જી. એસ. આર. ટી. સી.,વડોદરા વિભાગ દ્વારા કુલ 235 વધારાની સરકારી બસનું એક્સ્ટ્રા સંચાલન કરાશે.