વડોદરા: રાજ્ય સરકારના સાહસ જી.એસ.એફ.સી. કંપની દ્વારા સ્થાપિત જી.એસ.એફ.સી. યુનિવર્સિટી ને બાયોટેકના ક્ષેત્રમાં અગ્રણી કોન્કોર્ડ બાયોટેક, અમદાવાદ દ્વારા આ ક્ષેત્રમાં લેબ સહિત શિક્ષણ સુવિધાઓના વિકાસ માટે રૂ.1 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે. સી.એસ.આર.પહેલ હેઠળ આપવામાં આવેલા આ યોગદાનનો ચેક કોન્કોર્ડ બાયોટેકના ચેરમેન અને એમ.ડી. સુધીર વૈદ્ય ના હસ્તે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પી.કે. તનેજાને યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો.
કોન્કોર્ડ અમારી યુનિવર્સિટીને સી.એસ.આર. હેઠળ શિક્ષણ સુવિધાઓના વિકાસ માટે યોગદાન આપનારી ખાનગી કોર્પોરેટ ક્ષેત્રની પ્રથમ કંપની છે અને આ યુનિવર્સિટીની સ્થાપના પણ જી.એસ.એફ.સી કંપનીએ સી.એસ.આર. હેઠળ જ કરી છે તેવી જાણકારી આપતાં પી.કે. તનેજા એ જણાવ્યું કે, કોન્કોર્ડ બાયોટેકનું આ અનુદાન વિદ્યાર્થીઓને બાયોટેક અને લાઇફ સાયન્સમાં તેમની કારકિર્દી ઘડવામાં પ્રોત્સાહક બની રહેશે.
તેમણે જણાવ્યું કે, અમારી યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન પ્રત્યેક સત્રના અંતે વાસ્તવિક કાર્ય અનુભવ માટે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનશિપની તક આપવામાં આવે છે. નામાંકીત 100 જેટલી કંપનીઓમાં તેમને આ તક મળે છે. તેની સાથે અમે અધ્યાપકોને પણ વિવિધ કંપનીઓમાં ઇન્ટર્નશીપ માટે નિયમિત સમયાંતરે મોકલીએ છીએ. કોન્કોર્ડ બાયોટેક પણ અમારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને તેની તક આપશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રકારના અનુદાનો ગુજરાતને બાયોટેક સ્ટેટ તરીકે પ્રોત્સાહિત કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં અને ગુજરાતમાં બાયોટેકને પ્રોત્સાહિત કરવાનો અમારો સંકલ્પ છે તેવી લાગણી વ્યક્ત કરતાં દાતા કંપનીના ચેરમેન અને એમ.ડી. સુધીર વૈદ્યે જણાવ્યું કે, આ દાન નથી, ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને સારા વિદ્યાર્થીઓના ઘડતર માટે અમારું યોગદાન છે. આ ક્ષેત્રમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. ફર્મેન્ટેશન ઉદ્યોગને મજબૂત બનાવવા સારા ટેકનોલોજિસ્ટની જરૂર છે તેમ તેમણે જણાવ્યું હતું.