વડોદરામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક સરકારી અધિકારી પોતાની જાતને વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર એટલે કલકી અવતાર ગણાવે છે. નોકરી પર સતત આઠ મહિનાથી ગેર હાજર રહેતા આ સરકારી બાબુને કમિશ્નરે નોટિસ ફટકારતા, તેણે પોતાની જાતને ભગવાનનો કલકી અવતાર હોવાનું ગણાવી ગેરહાજર નહીં રહેવાનો જવાબ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરામાં પુન:વસવાટ વિભાગમાં અધિક્ષક ઈજનેર તરીકે કામ કરતા રમેશચંદ્ર ફેફર નામનો અધિકારી છેલ્લા આઠ મહિનાથી સતત ઓફિસમાં ગેરહાજર રહેતા કમિશ્નરે તેને ગેરહાજર રહેવા મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી.
તો તેના જવાબમાં પોતાની જાતને ભગવાનનો અવતાર જણાવતા અધિકારીએ જવાબ આપ્યો છે કે, હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર છું અને હું તુરિયાતીન અવસ્થામાં રહીને સાધના કરીને વૈસ્વિક ચેતનામાં પરિવર્તન કાર્ય કરૂ છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકુ નહીં. આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહી શકતો નથી.
ઉલ્લેખનીય છે કે, જામવંથળી ગામે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણનારાયણનું પરમધામ ફૂલવાડી મંદિર આવેલું છે. જયાં તા.18 થી 22 એપ્રિલના રોજ ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ મંદિરમાં છેલ્લાં 21 વર્ષથી સેવા આપતા ભકત અને ટ્રસ્ટી હરીલાલભાઇ વેલજીભાઇ ખોલીયા(ઉ.વ.77)એ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન તેઓને જાતે લેવા આવશે તેવો સંકેત ભગવાને આપ્યા હતાં તેવો દાવો કર્યો હતો, હરિબાપાએ તેમણે પોતાના મરણની તારીખ જ નહી પરંતુ મૃત્યુ બાદ સ્વર્ગમાં જશે તેવી પણ આગાહી કરી દીધી હતી. જેને કારણે તંત્રનું પણ ધ્યાન તેમની તરફ ખેચાયું હતું, પરંતુ બાદમાં તેમની આગાહ ખોટી પડી હતી અને લોકોના રોષનો ભોગ બન્યા હતા.