વડોદરા: આજે 14 જાન્યુઆરી મકરસંક્રાંતિનો દિવસ છે. પતંગ રસિકો આજે ખૂબ ઉત્સાહભેર પતંગોના પેચ લડાવશે. પરંતુ પતંગ ત્યારે જ ઉડી શકે છે જ્યારે પવન હોય. તો પતંગ રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે, આજરોજ મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે એવી આગાહી કરવામાં આવેલ છે.
મકરસંક્રાંતિના દિવસે પવન સાથ આપશે. પતંગ રસિયાઓ મન ભરીને પતંગ ઉડાવી શકશે. આજ સવારથી જ પવનનો અનુભવ થઈ રહ્યો છે. અને સવારથી જ પતંગ રસિયાઓ અગાસી પર ચડી ગયા છે. પરંતુ એની સાથે સાથે વડોદરાવાસીઓ ઠંડીનો ચમકારો પણ અનુભવી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી વડોદરા શહેરમાં ઠંડીનુ તાપમાન સિંગલ ડિજિટલ નોંધાઈ રહ્યું છે, જે આજરોજ શુક્રવારે પણ યથાવત છે.
વડોદરા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આજરોજ શુક્રવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી મહત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવેલ છે. આજે ભેજ નું પ્રમાણ 50 થી 55 ટકાની આસપાસ રહેશે. વડોદરાવાસીઓને ખાસ સૂચન છે કે, આખો દિવસ અગાસીમાં રહેવાના હોય તો સ્વેટર - મફલર બાંધીને જ રહેવું. કારણ કે ઠંડીનું પ્રમાણ અતિશય હોવાથી બીમાર પડવાની શક્યતા રહેલી છે.
વડોદરા શહેરના પતંગ રસિકો આટલી ઠંડીમાં પણ
સ્વેટર પહેરીને પણ પતંગ ચગાવશે. કારણકે વડોદરાવાસીઓ પતંગ ચગાવવાના ખૂબ જ શોખીન છે. ગમે તેવી ઠંડી હોય કે ગરમી હોય પરંતુ પતંગ ચગાવવાનું ચુકશે નહી. ગઈકાલ ઉત્તરાયણની પૂર્વ રાત્રે પણ વડોદરા શહેરમાં ખૂબ જ ઠંડી હતી, છતાં પણ પતંગ રસિકો પતંગ લેવા માટે બજારમાં ઊમટી પડયા હતા. વડોદરાવાસીઓનો ઉત્સાહ કંઈક અલગ જ છે. અને મન ભરીને તહેવારોને માણતા હોય છે.