Home /News /madhya-gujarat /વડોદરા: એક સમયે રીંછના હુમલાથી ચહેરા પર આવ્યા હતા 300 ટાંકા, પ્લાસ્ટિક સર્જરીએ બદલી નાખ્યું જીવન

વડોદરા: એક સમયે રીંછના હુમલાથી ચહેરા પર આવ્યા હતા 300 ટાંકા, પ્લાસ્ટિક સર્જરીએ બદલી નાખ્યું જીવન

X
રીંછના

રીંછના હુમલાથી વેરવિખેર થઈ ગયેલા માનવ ચહેરાનું 300 ટાંકા લઈને કર્યું નવસર્જન

પરમાત્મા પૃથ્વી પર તો આવી ના શકે એટલે એણે ધરતી પર આ કામની જવાબદારી કદાચ પ્લાસ્ટિક સર્જન તરીકે જાણીતા તબીબોને સોંપી છે. માનવદેહના ઘડત?

વડોદરા: એ કઈ માટી વાપરે છે એની તો ખબર નથી પરંતુ વિધાત્રી માનવનું ભાવિ આલેખે તે પહેલાં પરમાત્મા માનવ દેહને ઘડે છે. પરમાત્મા પૃથ્વી પર તો આવી ના શકે એટલે એણે ધરતી પર આ કામની જવાબદારી કદાચ પ્લાસ્ટિક સર્જન તરીકે જાણીતા તબીબોને સોંપી છે. માનવદેહના ઘડતરમાં કેટલીક જન્મજાત ખોડ રહી જાય છે. તેનું આ તબીબો પોતાના જ્ઞાન અને કુશળતાથી શક્ય તેટલું નિવારણ કરે છે. તો જીવનકાળ દરમિયાન આગ, અકસ્માતો, હિંસક માનવો/ પ્રાણીઓના હુમલાની ઈજાઓથી અને કેન્સર અને તાજેતરમાં જ જેનું નામ સૌના મોઢે કોરોનાની સાથે રમતું થઈ ગયું તેવા ઘાતક મ્યૂકોરમાયકોસિસને લીધે આવતી કુરૂપતાને શક્ય તેટલી નિવારી અંગોનો દેખાવ સુધારવાનું દેવ કાર્ય આ તબીબી વિભાગ કરે છે.

પ્લાસ્ટિક સર્જરી ખૂબ ખર્ચાળ સારવાર છે.....

સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ અને સહ પ્રાધ્યાપક ડો. શૈલેષકુમાર સોની કહે છે ખાનગી હોસ્પિટલોમાં આ સારવાર ખૂબ મોંઘી છે અને અદના આદમીને તો સહેજ પણ પરવડે તેવી નથી.

જો કે સયાજી હોસ્પીટલમાં તેનું નિદાન, સર્જરી અને સારવારની સેવાઓ સરકારના ઉદાર નિયમો પ્રમાણે લગભગ વિનામૂલ્યે મળતી હોવાથી આસપાસના જીલ્લાઓ અને રાજ્યોમાંથી પ્લાસ્ટિક સર્જરીના જરૂરિયાતમંદો સયાજીના દ્વારે આવે છે. તેમણે એક ઘટના યાદ કરતાં જણાવ્યું કે, રાજસ્થાનમાં ઊંટના કરડવાથી ઇજાગ્રસ્ત થયેલા પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાતવાળા પશુપાલકને સારવાર માટે અહીં લાવવામાં આવ્યો હતો.

રીંછના હુમલાથી વેરવિખેર થઈ ગયેલા માનવ ચહેરાનું 300 ટાંકા લઈને કર્યું નવસર્જન......

તાજેતરમાં સયાજી હોસ્પિટલના આ વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધને પાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી છે. ખતરનાક રીંછના હુમલાને લીધે જેનો ચહેરો સાવ ક્ષતવિક્ષત અથવા કહો કે વેરવિખેર થઈ ગયો હતો, તબીબને પણ સારવાર ક્યાંથી શરૂ કરું એવી મૂંઝવણ થાય એવા ઇજાગ્રસ્ત આદિવાસી પ્રૌઢને અહીં લાવવામાં આવ્યો હતો.

ડો. શૈલેષકુમાર સોની અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તેમના સહયોગી તબીબો, એનેસ્થેસિયા વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફે 300 ટાંકા લઈને અને ચાર કલાકની મેરેથોન પ્લાસ્ટિક સર્જરી કરીને જ્યારે ઈજાગ્રસ્તના ચહેરાનું નવસર્જન કર્યું. ત્યારે જો ઉપરથી સર્જનહારે આ શસ્ત્રક્રિયા નિહાળી હશે ત્યારે અવશ્ય એ પણ આ તબીબોની કુશળતા પર આફ્રિન પોકારી ગયા હશે.

ડો. સોની કહે છે કે ખાનગી હોસ્પિટલમાં જો આ ઈજાગ્રસ્તને સારવાર મળી હોત તો લઘુત્તમ ચાર લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હોત. અમારી સરકારી હોસ્પિટલમાં આ મોંઘી સર્જરી લગભગ વિનામૂલ્યે થતી હોવાથી ઈજાગ્રસ્તને ખૂબ મોટી આર્થિક રાહત થઈ છે.

અમારા વિભાગની ઓપીડીમાં દૈનિક સરેરાશ 60 થી વધુ લોકો તબીબી તપાસ કરાવે છે......

ડો. શૈલેષકુમાર સોની જણાવે છે કે, સયાજી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરીની ઉપલબ્ધ સેવાઓની જાણકારી વધતા હવે અમારા વિભાગની ઓપીડીમાં તેની જરૂરિયાતવાળા દૈનિક 60 થી વધુ લોકો તબીબી તપાસ કરાવે છે. જ્યારે દર મહિને સરેરાશ 60 થી 70 જેટલી, નાની મોટી અને વિવિધ અંગોની કુરૂપતા નીવારતી, દેખાવ સુધારતી પ્લાસ્ટિક સર્જરી અહીં કરવામાં આવે છે.

કેવા કેવા પ્રકારની પ્લાસ્ટિક સર્જરી થાય છે...

આ વિભાગમાં વિવિધ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. ફાટેલા હોંઠ અને તાળવાને સાંધવાની તેમજ બાળકોને પેશાબની જગ્યાએ જોવા મળતી લીંગની જન્મજાત ખામીને નીવારતી પ્લાસ્ટિક સર્જરી અહીં કરવામાં આવે છે. દાઝેલા હાથ, ચહેરાને સુધારવાની, હાથની કપાયેલી નસો/ સ્નાયુઓને જોડવાની, કપાયેલી આંગળીઓને જોડવાની, તૂટેલા જડબાને સાંધવાની તબીબી કરામત અહીં કરવામાં આવે છે. તો કોસ્મેટિક પ્રકારની ગણાતી ચરબી ઘટાડવા એટલે કે લાયપોસક્ષન, ટાલમાં વાળનું પ્રત્યારોપણ, મહિલાઓના સ્તન ને નાના મોટા અને સુડોળ બનાવવા, લિંગ પરિવર્તન એટલે કે સેક્સ ચેન્જ તેમજ મહિલા જેવી છાતી ધરાવતા પુરુષોની ખામી સૂધારતી મેલ બ્રેસ્ટ સર્જરી કરવામાં આવે છે.

કેન્સર અને ઓર્થોપેડીક વિભાગની સાથે રહીને તથા રક્તપિત્તના રોગને લીધે થતી અંગ વિકૃતિની સુધારણાની શસ્ત્રક્રિયાઓ પણ આ વિભાગ કરે છે.

મ્યૂકોરમાયકોસિસના દર્દીઓને પણ મળે છે આ વિભાગની સેવાઓ...

તાજેતરમાં કોરોનાને લીધે જાણીતા થયેલા મ્યૂકોરમાયકોસિસની સારવાર દરમિયાન દર્દીના ચહેરા પર વિવિધ પ્રકારની સર્જરીઓ કરવી પડે છે. તેના દર્દી સાજા થયા પછી ચહેરાનો દેખાવ સુધારવા/ શક્ય તેટલો પૂર્વવત કરવાની શસ્ત્રક્રિયા આ વિભાગનું કામ છે. ડો. શૈલેષકુમાર સોની જણાવે છે કે, બે લહેરો દરમિયાન ઉપરોક્ત રોગનો ભોગ બનેલા કુલ દર્દીઓ પૈકી પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાતવાળા અંદાજે 20 ટકા દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી અમારા વિભાગે કરી છે.

આ પણ વાંચો: corona effect: AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે આવતી કાલથી કડક અમલ

હિંસક પ્રાણીઓના હુમલામાં ઘાયલ થયેલાઓને મળે છે સારવાર....

કૂતરું કરડવાથી ઘણીવાર ચહેરા/ નાકને ઇજા થાય છે. વડોદરા જિલ્લો રાજ્યના દક્ષિણ વિસ્તારના જંગલોનું પ્રવેશદ્વાર ગણાય છે. એટલે હિંસક પ્રાણીઓના હુમલામાં ઘવાયેલા લોકોને પ્લાસ્ટિક સર્જરી અને સારવાર માટે અહીં લાવવામાં આવે છે. એવી જ રીતે મગરના હુમલાથી હાથ પગમાં થયેલી ઈજાઓની સારવાર અહીં કરવામાં આવે છે. આમ, પ્લાસ્ટિક સર્જરીનો વ્યાપ અને વિવિધતા સામાન્ય માણસની કલ્પનાથી ઘણી વધુ વ્યાપક છે.

આ પણ વાંચો: ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ: મને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે- અવધેશ પટેલ

પ્લાસ્ટિક સર્જરી વિભાગને બરોડા મેડિકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકર અને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરનું પ્રોત્સાહક પીઠબળ મળ્યું છે. તેની સાથે નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયા વિભાગ અને મદદનીશ કર્મચારીઓના સમર્પિત સહયોગનું વિભાગની સફળ કામગીરીમાં અમુલ્ય યોગદાન છે.

તબીબોને ધરતી પરના ભગવાન ગણવામાં આવે છે. પ્લાસ્ટિક સર્જન વિવિધ રીતે વિકૃત થયેલા, કુરૂપ થયેલા માનવ અંગોનું નવસર્જન કરીને એ આસ્થાને દ્રઢ કરે છે.
First published:

Tags: Plastic surgery, Sayaji Hospital, SSG hospital, Vadodara, Vadodara City News, વડોદરા શહેર