Vadodara News:વડોદરાના વાસણા રોડ પર એક મિત્રએ અન્ય મિત્રના ઘરે લૂંટ ચલાવી હતી. તેમાં સીસીટીવીમાં કુલ 11 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના લોકો હાલ ફરાર છે અને પોલીસ તેમની તપાસ કરી રહી છે.
અંકિત ઘોનસીકર, વડોદરાઃ વડોદરાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ જ બીજા મિત્રના ઘરે લૂંટ ચલાવવાનો પ્લાન કર્યો હતો. કુલ 11 જેટલા લોકો આ લૂંટમાં સામેલ હતા. તેમાંથી હાલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના લોકો ફરાર છે.
લમણે બંદૂક મૂકી લૂંટ કરી
7મી ઓક્ટોબરે સાંજના 8થી 8.30 વચ્ચે વાસણા રોડ પર આવેલી રુદ્ર સોસાયટીમાં રહેતા દીપકભાઈ પટેલ પત્ની સાથે ઘરમાં બેઠા હતા. ત્યારે અચાનક ડોર બેલ વાગતા દીપકભાઈએ દરવાજો ખોલ્યો હતો અને ત્યારે ત્રણ બુકાનીધારી લોકો ઘરમાં ધસી આવ્યા હતા. તેમણે દીપકભાઈના માથે બંદૂક તાકીને લૂંટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં 6 ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મામલે 11 લોકોની સંડોવણી સામે આવી હતી. તેમાંથી 6 લોકોની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપકભાઈએ કરજણની એક જમીન વેચવાની છે અને તેની મોટી રકમ આવવાની છે તે વાત તેમના મિત્રને કરી હતી. ત્યારે મિત્રની દાનત બગડતા પોતાના મિત્રના ઘરમાં જ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. એક બે નહીં પણ 11 જેટલાં લોકોએ ભેગા મળીને લૂંટ ચલાવવાનો પ્લાન કર્યો હતો. દરેકને જુદા-જુદા કામ સોંપવામાં આવ્યા હતા. 20 દિવસ રેકી કર્યા બાદ દીપકભાઈના ઘરમાં લૂંટ ચલાવી હતી. તેમાં તેમણે 16.40 લાખની માલમત્તાની ચોરી કરી હતી.
6 લોકોની ધરપકડ કરી હતી
આ મામલે પોલીસે સીસીટીવીની તપાસ કરી હતી. તેમાં ત્રણેક લોકો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. તેના આધારે પોલીસે છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મહત્ત્વનું છે કે, 11 લોકોએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ ઝડપાયેલા તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.