વડોદરા: સ્ફિહા એનજીઓ દ્વારા વર્ષ 2006 થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય ડ્રોઈંગ અને પેન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે યોજાયેલી 16 મી આંતરરાષ્ટ્રીય ડ્રોઈંગ અને પેન્ટિંગ સ્પર્ધામાં વિશ્વભરના 215 સ્થળોએ 3 થી 18 વર્ષના પાંચ હજારથી વધારે બાળકો પર્યાવરણ બચાવો વિષય પર તેમના વિચારો કેન્વાસ પર કંડાર્યા હતા.
કાર્યક્રમ વિશે માહિતી આપતા સોસાયટી ફોર પ્રિઝરવેશન ઓફ હેલ્ધી એનવાયરમેન્ટ એન્ડ ઈકોલોજી ( સ્ફિહા ) ના બરોડા ચેપ્ટરના અધ્યક્ષ પરમ સારસ્વત અને કાર્યક્રમના કોર્ડીનેટર શિલ્પી કપૂરે જણાવ્યું હતું કે, રાધા સ્વામી સત્સંગ ભવન, શેરખી ખાતે 5 તારીખને રવિવારના રોજ બપોરના એક કલાકે શહેરના 3 થી 18 વર્ષના બાળકોએ પર્યાવરણ બચાવવાના તેમના વિચારોને કેન્વાસ પર કંડાર્યા હતા. આ તમામ બાળકોએ ખુબ જ સુંદર પર્યાવરણને લગતા ચિત્રો દોર્યા હતા. તેમને આ પ્રકારના ચિત્રો દોરવામાં ખૂબ જ મજા આવતી હતી અને તેઓનો ઉત્સવ પણ છલકાઈ રહ્યો હતો. એમાં ખાસ કરીને સૌથી નાનું બાળક જેના હજી ચિત્ર દોરતા પણ નથી આવડતું, તેણે પણ એના હાથની છાપ પાડીને આ સ્પર્ધામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
આ સ્પર્ધામાં કુદરતી દ્રશ્ય અને પક્ષીઓ, પાણી બચાવો અને ગ્રીન સ્કુલ, પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ખતરો, પ્રદુષણ ઓછું કરવાના વિચાર, કૃષિ પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય સંભાળ પ્રકૃતિના સંગાથે જેવા વિષયોને આવરી લઈને મુંબઈ, પુણે, દિલ્હી, બેંગ્લુરુ, વડોદરા, અમદાવાદ અને સુરત જેવા ભારતના શહેરો સાથે ન્યુયોર્ક, લંડન અને દુબઈ જેવા દેશો સાથે દેશ અને વિદેશના 215 સ્થળોએ પાંચ હજારથી વધારે બાળકોએ તેમની પ્રતીભા દર્શાવી હતી. આ સાથે દરેક પ્રતિભાગી બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન રિઝનલ પ્રેસિડેન્ટ પી.એસ. મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.