Home /News /madhya-gujarat /ચોંકાવનારો ખુલાસો : ધાબા પર માતા-પુત્રીની હત્યામાં પૂર્વ પ્રેમી જ નીકળ્યો હત્યારો

ચોંકાવનારો ખુલાસો : ધાબા પર માતા-પુત્રીની હત્યામાં પૂર્વ પ્રેમી જ નીકળ્યો હત્યારો

મૃતક માતા પુત્રીની ફાઇલ તસવીર

આ હત્યાકાંડમાં કારણ સામે આવતા જાણ થઇ છે કે પ્રેમીકાએ સંબંધ રાખવાની ના પાડતાં કુખ્યાત ગુનેગારે પ્રેમીકાની સાથે તેની માતાની પણ હત્યા કરી હતી.

ન્યૂઝ 18 ગુજરાતી: વડોદરાનાં આજવા રોડ પર આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં બુધવારે મધરાતે કમકમાટીભરી બે હત્યા થઇ હતી. જેમાં અગાશી પર સુતેલા માતા અને દીકરીનું મોત નીપજ્યું હતું. આ હત્યાકાંડમાં કારણ સામે આવતા જાણ થઇ છે કે પ્રેમીકાએ સંબંધ રાખવાની ના પાડતાં કુખ્યાત ગુનેગારે પ્રેમીકાની સાથે તેની માતાની પણ હત્યા કરી હતી. આરોપી ભયલુના પ્રેમીકાને 14 અને તેની માતાને 7 ઘા ગળા, છાતી તેમજ પેટના ભાગે ઝીંક્યા હતા.

પતિ થોડા સમય માટે પરદેશ ગયો હતો

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરની સયાજીપાર્ક સોસાયટીમાં રહેતી 21 ર્વર્ષની પાયલ સુનિલભાઈ મોરે અને આરોપી પ્રિયકાંત ઉર્ફે ભયલુ કિશોર સોલંકી (શિવમપાર્ક સોસાયટી, આજવા રોડ) એક સ્કૂલમાં ભણતા હતા. બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. ત્યારબાદ પાયલ તેના ઘર નજીકમાં રહેતાં ઉત્સવ પાલકર (ઉં.વ.25) ના પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા ઉત્સવ નોકરી માટે ગલ્ફમાં ફરી પાયલ અને ભયલુ નજીક આવ્યા હતા. બંને મોબાઈલ તથા સોશિયલ મીડિયાથી સંપર્કમાં રહેતા હતા. ઉત્સવ થોડા સમય પછી પરત આવ્યો ત્યારે તેને આ બંન્નેનાં પ્રેમસંબંધની જાણ થતા તેમની વચ્ચે ઝઘડા થતા હતાં. જેથી પાયલે આરોપી સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો. દરમિયાન 7 એપ્રીલે પાયલ બે વર્ષના પુત્ર નક્ષને લઈ માતાના ઘરે આવી હતી.

પિતાનું અવસાન 14 વર્ષ પહેલા જ થયું હતું

પાયલ, તેના પુત્ર અને માતા સાથે ધાબા પર ઉંઘે છે, તેવી જાણ ભયલુને હતી. જેથી બુધવારે મધરાતે પોણા ત્રણ વાગ્યાની આસપાસ તે હથિયારો સાથે સીધો ધાબા પર ગયો હતો. જ્યાં તેણે પાયલ અને તેની માતા 47 વર્ષનાં જયશ્રીબેન મોરે હત્યા કરી હતી. જ્યારે બે વર્ષનાં પુત્રનો આબાદ બચાવ થયો હતો. પાયલના પિતા સુનિલભાઈ ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. 14 વર્ષ પહેલા તેમનું અવસાન થયું હતું.

ઉત્સવને કહ્યું કે, તારી પાયલ અને પાયલની માને ધાબા પર જઈને જોઈ લેજે

બાપોદ પોલીસે ઉત્સવની ફરિયાદના આધારે ભયલુ સામે ગુનો નોંધ્યો હતો. ઉત્સવે ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે મધરાતે સાડા ત્રણ વાગ્યે ઉત્સવને તેના સાળા ચિરાગ મોરેએ ફોન કરી જાણ કરી કે, પેલો …. પાયલને મારીને ભાગ્યો છે, તું ફટાફટ ઘરે આવી જા. જેથી ઉત્સવ સાસરીમાં જતો હતો. તે દરમિયાન રસ્તામાં જ આરોપી પ્રિયકાંત ઉર્ફે ભયલુ કિશોર સોલંકી મળ્યો હતો. તેણે ઉત્સવને કહ્યું કે, તારી પાયલ અને પાયલની માને ધાબા પર જઈને જોઈ લેજે. આ સાંભળીને ઉત્સવ સીધો ધાબા પર ગયો હતો. તેણે મોબાઈલ ફોનની ટોર્ચ લાઈટથી જોતાં દાદરા પાસે પાયલ અને સાસુ જયશ્રીબેન ધાબા પર લોહીના ખોબોચિયામાં પડેલા હતા.

ભયલુ કમ્પાઉન્ડ વોલ કુદી નાસી છુટયો હતો

આ ઘટના અંગે આસપાસના રહિશોએ જણાવ્યું હતું કે, બૂમાબૂમ થતાં અમે ઘરની બહાર દોડી આવ્યા હતા. તે વખતે અમને પાયલ અને તેની માતાને કંઇ થયું હોવાની જાણ થઈ હતી. આરોપી ભયલું પાછળની ગલીમાંથી એક મકાનની કમ્પાઉન્ડ વોલ કુદી પાયલના ઘરે આવ્યો હતો. જ્યાં નિદ્રાધીન માતા –પુત્રીની હત્યા કરીને ભયલુ કમ્પાઉન્ડ વોલ કુદી નાસી છુટયો હતો.

પાયલે કરી હતી પોલીસ સ્ટેશનમાં અરજી

પાયલ અને તેનો પતિ ઉત્સવ તા. 13મીએ મોડી રાતે 12 વાગ્યે કારેલીબાગ મહિલા પોલીસ મથકમાં અરજી આપવા ગયા હતા. ત્યારે પણ આરોપી ભયલુએ ઉત્સવ પર હુમલો કર્યો હતો. મહત્વનું છે કે પ્રિયકાંત ઉર્ફે ભયલુ અને તેના ભાઈ ગણેશ સોલંકીએ વર્ષ 2016માં બુટલેગર સુનિલ ઉર્ફે લાલા બારિયા પર ખૂની હુમલો કર્યો હતો. જેથી ભયલુ એક વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. ઉપરાંત તેના વિરુદ્વ ભરત સોલંકીની કાર સળગાવી દેવાનો, છેડતી, મારામારી તથા હેઠળની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસને ધાબા પરથી આરોપી પ્રિયકાંત ઉર્ફે ભયલુની ઘડિયાળ, લોખંડનું પાળિયુ તથા બેઝબોલની સ્ટીક પણ મળી છે. જે પોલીસે તપાસ અર્થે કબજે લીધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ પાયલ પર પહેલા હુમલો કર્યો હોય, તેવું લાગે છે. તેની માતા જાગી જતાં તેમની પણ આરોપીએ હત્યા કરી નાંખી છે.
First published:

Tags: Afire, Love, Marital affair, Vadodara, ગુજરાત, ગુનો