ટ્રોમાં સેન્ટરના 150 થી વધુ દર્દીઓને સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કર્યા
સયાજી હોસ્પિટલમાં આવેલી ટ્રોમા બિલ્ડીંગના 6 માળને ખાલી કરી, ત્યાં દાખલ દર્દીઓને સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ટ્રોમા સેન્ટરમાં હવે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
વડોદરા: કોરોનાનો કહેર દિન - પ્રતિદિન વધી રહયો છે. તેવા સમયે તંત્ર દ્વારા આગોતરૂં આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાના કેસમાં જે રીતે વધારો થઇ રહયો છે તેને લઇને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી ખાતે પણ ખાસ વ્યવસ્થા કરવા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરમાં કોરોનાના કૂદકે અને ભૂસકે કેસ વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ હવે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે.
સયાજી હોસ્પિટલમાં આવેલી ટ્રોમા બિલ્ડીંગના 6 માળને ખાલી કરી, ત્યાં દાખલ દર્દીઓને સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ટ્રોમા સેન્ટરમાં હવે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. હાલમાં ટ્રોમા બિલ્ડિંગના ત્રણ માળ પર વેન્ટિલેટરની વ્યવસ્થા છે.
કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ટ્રોમા સેન્ટરમાં દાખલ 150 થી વધુ દર્દીઓને સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કર્યા હતા અને ટ્રોમા સેન્ટરના 6 માળ કોરોનાની તૈયારી માટે ખાલી કર્યા છે. ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં કોરોનાના કેસ વધતા ટ્રોમા સેન્ટરને કોવિડ સેન્ટર બનાવાયું હતું. જોકે હાલમાં સાયજીના આઇસોલેશન વોર્ડ સહિત વોર્ડ 12 માં તેમજ મેડિકલ નર્સિંગ હોમમાં કોરોના સંક્રમિત દર્દીને રાખવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલના ડો. બેલીમ ઓ. બી એ જણાવ્યું હતુ કે, નેશનલ હેલ્થ મિશનના અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. ત્યારબાદ ટ્રોમા સેન્ટરને ખાલી કરવાની કામગીરી શરૂ કરી હતી.